Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

ન વાદ ન વિવાદ, જીત એ જ લક્ષ્યાંકઃ મહેશ રાજપુત

આંતરીક વિવાદોથી ઘેરાયેલ શહેર કોંગ્રેસની હોટસીટ પર બેઠેલા કાર્યકારી પ્રમુખ 'અકિલા'ની મુલાકાતેઃ પ્રદેશ કક્ષાએ અનેક જવાબદારી સંભાળનાર કાર્યકારી પ્રમુખ કહે છે 'સંગઠન વધુ મજબુત બનાવી, પૂરી : તાકાતથી લડત આપીને રાજકોટની ચારેય બેઠકો જીતવી છે, મનદુઃખ ભુલી સૌ સાથે કામે લાગી ગયા છીએ

ટીમ કોંગ્રેસઃ  શહેર કોંગ્રેસના નવનિયુકત કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે આગેવાનોની ટીમ સાથે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી તે વખતની પ્રથમ તસ્વીરમાં મહેશભાઇ અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાનાં આશીર્વાદ લઇ રહેલા નજરે પડે છે. બાજુની તસ્વીરમાં ટીમ કોંગ્રેસના આગેવાનો મોહનભાઇ સોજીત્રા, ગોવિંદભાઇ સભાયા, યજ્ઞેશ જોષી, વૈશાલીબેન શીંદે, પ્રદીપભાઇ ત્રિવેદી, પુર્વ વિપક્ષી નેતા કેયુર મસરાણી, પ્રવિણભાઇ રાઠોડ, જયપાલસિંહ રાઠોડ વગેરે આગેવાનો દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૨૫: વિધાનસભાની ચુંટણી આડે હવે ૧પ દિવસ જ બાકી છે અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ ઇન્દ્રનીલ રાજયગુરૂએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે વિધાનસભા-૬૮માં પુરજોશથી ચુંટણીમાં ઝુકાવ્યું છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠ્ઠન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતાં મહેશ રાજપુતની શહેર કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખપદે વરણી કરી છે. આજે તેઓએ તેમની ટીમ સાથે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે તેઓએ ''રાજકોટની ચારેય બેઠકો જીતવાનો નિર્ધાર કર્યો હતો''

શહેર કોંગ્રેસ નાના-મોટા આંતરીક વિવાદોથી ઘેરાયેલી છે તેવા વખતે શહેરનાં કાર્યકારી પ્રમુખની 'હોટસીટ' ઉપર બેસાડી સંગઠ્ઠનની જવાબદારી તમને સોંપવામાં આવી છે ત્યારે હવે કઇ રીતે સંગઠ્ઠનને મજબુત બનાવશો? તેવા પ્રશ્નનાં ઉતરમાં મહેશભાઇએ પુર્ણ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે 'આંતરીક મનદુઃખ એ પક્ષનો પારીવારીક મામલો છે આ મનદુઃખ ભુલીને સૌ સાથે કામે લાગી ગયા છીએ' અને 'ન વાદ ન વિવાદ, જીત એ જ લક્ષ્ય'નું સુત્ર અપનાવી રાજકોટની તમામ બેઠકો ઉપર જીત મેળવવાં સમગ્ર ટીમે નિર્ણય કર્યો છે.

શ્રી રાજપુતે વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનાં તમામ ઉમેદવારોને જીતાડવા અંગેની રણનીતી અંગે જણાવ્યું હતું કે, શહેર સંગઠ્ઠનમાં પ્રમુખ ઇન્દ્રનીલ રાજયગુરૂ દ્વારા અગાઉથી  સુવ્યવસ્થિત રીતે હોદેદારોને જવાબદારીઓ સોંપી દીધી છે અને વોર્ડ પ્રમુખથી લઇ બુથ લેવલ સુધીની જવાબદારીઓ કાર્યકરોને સોંપી દેવાઇ છે તેમાં કોઇ જ ફેરફારની જરૂર નથી.

પરંતુ હવે જયાં જયાં જરૂર પડશે ત્યાં દરેક વિધાનસભાની બેઠકો ઉપર અનુભવી કાર્યકરોને ઉમેદવારને જીતાડવાની જવાબદારી સુપ્રત કરાશે.

મહેશભાઇએ જણાવ્યું હતું કે, શહેર પ્રમુખ ઇન્દ્રનીલભાઇ ખુદ ચુંટણી લડી રહયા છે. ત્યારે તેઓ પોતાની બેઠક ઉપર પુરતું ધ્યાન આપી શકે તે માટે હાઇકમાન્ડે મને કાર્યકારી પ્રમુખની જવાબદારી સુપ્રત કરી છે. તે પુરી નિષ્ઠાથી બજાવી. સંગઠ્ઠનને વધુ મજબુત બનાવવું એ મારૂ લક્ષ્ય રહેશે.

મહેશ રાજપુત કારકીર્દીની ઝલક

નોંધનીય છે કે કારડીયા રાજપુત સમાજનું પ્રતિનિધિત્વ કરતાં મહેશ કલ્યાણજીભાઇ રાજપુત યુવા નેતા છે અને અત્યાર સુધીમાં ગુજરાતમાં પ્રદેશકક્ષાએ તથા વિવિધ જીલ્લાઓનાં સંગઠ્ઠનમાં, યુવક કોંગ્રેસ, એનએસયુઆઇ, રાજસ્થાન એસેમ્બલી વગેરે ક્ષેત્રમાં હોદેદાર રહી ચુકયા છે. બે વખત કોર્પોરેટરની ચુંટણી લડી ચુકયા છે.

એઆઇસીસી તથા પ્રદેશ કોંગ્રેસમાં પણ તેઓએ ચાવીરૂપ હોદાઓ નિભાવ્યા છે.

આ ઉપરાંત નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના સભ્ય રહી ચુકયા છે અને લાયન્સ કલબ સાથે સંકળાયેલ છે. તેઓએ પુર, ભુકંપ જેવી કુદરતી હોનારત વખતે એક લોકસેવક તરીકે પણ ફરજ બજાવી છે અને હાલમાં પણ બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ પણ કરી રહયા છે.

આ શુભેચ્છા મુલાકાત દરમિયાન મહેશભાઇ સાથે શહેર કોંગ્રેસના ડો.યજ્ઞેશભાઇ જોષી, પ્રદીપભાઇ ત્રિવેદી, જયભાઇ રાઠોડ, મોહનભાઇ સોજીત્રા, પ્રવિણભાઇ આંબલીયા, પ્રવિણભાઇ રાઠોડ, રાજેશ આમરણીયા, કેયુર મસરાણી, અશોકભાઇ ડોબરીયા, ભીખાભાઇ ગજેરા, વલ્લભભાઇ પરસાણા, ગોવિંદભાઇ સભાયા, વૈશાલીબેન શિંદે, ભાર્ગવ પઢીયાર, હિરેન માકડીયા, ગોવિંદભાઇ સભાયા વગેરે આગેવાનો-કાર્યકરોએ ઉપસ્થિત રહી અને ટીમવર્કથી કામ કરવાનો કોલ આપ્યો હતો.(૪.૧ર)

ડો.હેમાંગ વસાવડા-પ્રવિણ સોરાણી ટીમ કોંગ્રેસની સાથે જ છેઃ મહેશ રાજપુત

રાજકોટ : વિધાનસભાની ચૂંટણી વખતે જ શહેર કોંગ્રેસમાં મહત્વના હોદા ધરાવતા ડો.હેમાંગ વસાવડા અને કોળી સમાજના અગ્રણી પ્રવિણ સોરાણીએ કોંગ્રેસની નીતિરીતિ સામે જાહેરમાં વિરોધ દર્શાવ્યો હતો. જેના કારણે શહેર કોંગ્રેસનું આંતરીક વાતાવરણ ડહોળાયુ હતુ. દરમિયાન મહેશ રાજપુત કાર્યકારી પ્રમુખ તરીકે વરણી થઇ છે ત્યારે આ બંને આગેવાનો તેઓની સાથે છે કે કેમ ? તેવા સવાલના જવાબમાં મહેશભાઇએ જણાવ્યુ હતુ કે, ડો.વસાવડા અને પ્રવિણભાઇ સોરાણીએ કોંગ્રેસની સાથે હોવાનુ તેઓને જણાવ્યુ હતુ અને ચૂંટણી જીતવા માટે તેઓ શહેર સંગઠનમાં સક્રિય થઇ જવાબદારી સંભાળશે તેવી ખાતરી આપ્યાનું મહેશભાઇએ આ તકે જણાવ્યુ હતુ.

(4:39 pm IST)