Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

કરોડોના ચિટીંગમાં પટેલ ત્રિપૂટીને તાલુકા પોલીસે દબોચી

રાજકોટ, સાયલા, ચોટીલા, સુરેન્દ્રનગર, વાંકાનેર, મોરબીના વેપારીઓ-કારખાનેદારો સાથે વિશ્વાસ કેળવી ઘરઘંટી, કોપર વાયર, એ.સી., ફ્રિઝ, પીવીસી પાઇપ, સબમર્શિબલ પંપ, કેબલ, પ્લાયવૂડ, કપાસ, ખોળ, ફેન્સીંગ વાયર, સ્ટીલ, સિમેન્ટ સહિતનો લાખોનો માલ ખરીદી ખોટા ચેક ધાબડી દીધા'તાઃ રાજકોટના વાવડીના કુંભાર કારખાનેદાર પાસેથી ૫૧ નંગ ઘરઘંટી લઇ જઇ ૪,૧૨,૦૪૬નો ધૂંબો મારી દીધો'તોઃ પી.આઇ. વણઝારાની રઅહબરીમાં ટીમના પીએસઆઇ ડામોર, હર્ષદસિંહ, નગીનભાઇ, વિરેન્દ્રસિંહ અને નરેન્દ્ર ગઢવીની ટૂકડીએ હિરેન પટેલ, સુરેશ પટેલ અને અલ્પેશ પટેલને ધોળકાથી પકડ્યાઃ ૪૦ જેટલા વેપારીઓ, કારખાનેદારોને ત્યાં એકાદ મહિના સુધી જઇ ઓળખાણ કેળવી બાદમાં જન્માષ્ટમીની રજાના દિવસોમાં બધા પાસેથી માલ મંગાવી લીધોઃ રાતો રાત ચોટીલાની દૂકાનના બોર્ડ ઉતારી પલાયનઃ વાસુદેવ ટ્રેડિંગ નામે ધંધો શરૂ કર્યો'તો

તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એસ. વણઝારા અને ટીમ : પકડાયેલી ઠગ ત્રિપુટી સુરેશ પટેલ, હિરેન પટેલ અને અલ્પેશ પટેલ તથા કબ્જે થયેલો ૧૭ લાખનો મુદ્દામાલ

રાજકોટ તા. ૨૫: ચોટીલાના માર્કેટ યાર્ડમાં લાલ ભવનમાં વાસુદેવ ટ્રેડિંગ કંપની નામે દોઢ-બે માસ પહેલા દૂકાન શરૂ કરી રાજકોટ, સાયલા, મોરબી, વાંકાનેર, ચોટીલા, સુરેન્દ્રનગર  સહિતના વેપારીઓ અને કારખાનેદારો પાસે રૂરૂ જઇ ઇનામી સ્કીમ માટે તથા અન્ય વપરાશ માટે માલની જરૂર હોવાના બહાના ધરી બધા પાસેથી લાખોનો માલ મંગાવી લઇ સામે ખોટા ચેક ધાબડી બાદમાં રાતોરાત માલ ભરી ત્રણ પટેલ શખ્સો પલાયન થઇ ગયા હતાં. છેતરાયેલા પૈકીના રાજકોટ વાવડીના કુંભાર કારખાનેદારે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેના કહેવા મુજબ લગભગ ૪૦ જેટલા લોકો સાથે આ પટેલ ત્રિપૂટીએ ત્રણેક કરોડની ઠગાઇ કરી હતી. આ ત્રિપૂટીને ઝડપી લેવામાં સફળતા મળી છે. ધોળકાથી ત્રણેયને દબોચી લેવાયા છે.

બનાવ અંગે તાલુકા પોલીસે વાવડી ગામમાં બાલ મંદિર સામે શેરી નં. ૨૧માં મહાકાળી કૃપા ખાતે રહેતાં અને ઘરઘંટીનું કારખાનુ ધરાવતાં સંજયભાઇ હરસુખભાઇ આચવાડીયા (કુંભાર) (ઉ.૩૨)ની ફરિયાદ પરથી વાસુદેવ ટ્રેડિંગ કંપનીના ભાગીદારો હિરેન, દિલીપ પટેલ અને અલ્પેશ વઘાસીયા સામે આઇપીસી ૪૦૯, ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધ્યો હતો.

સંજયભાઇ વાવડીમાં પૂનમ ડમ્પર નજીક મૂનલાઇટ મારબલ સામે મહાદેવ એન્ટરપ્રાઇઝ નામે ઘરઘંટીનું કારખાનુ ધરાવે છે. હિરેન મહેન્દ્રભાઇ પટેલ નામની વ્યકિતએ સંજયભાઇના કારખાને જઇ  પોતાનું વાસુદેવ ટ્રેડિંગ કંપનીનું વિઝીટીંગ કાર્ડ આપી ઓળખાણ કેળવી ૧૫/૮/૧૭ના રોજ ઇનામી ડ્રો માટે ૫૧ ઘરઘંટીની જરૂર પડશે તેવી વાત કર્યા બાદ ૫૧ ઘરઘંટી મંગાવી ચેક આપ્યો હતો. પણ ચેક રિટર્ન થતાં અને ફોન ઉપાડવાનું પણ બંધ થઇ જતાં સંજયભાઇ ચોટીલા તપાસ કરવા જતાં ઓફિસ બંધ થઇ ગયાની અને હિરેન સહિતના ત્રણ શખ્સો  રાજકોટ, ચોટીલા, સાયલા, મોરબી, વાંકાનેર, સુરેન્દ્રનગર સહિતના ગામ-શહેરના વેપારીઓ, કારખાનેદારોને પણ કરોડોનો ધૂ઼બો મારી ગયાની ખબર પડી હતી.

દરમિયાન આ ત્રણ શખ્સો હિરેન મહેન્દ્રભાઇ પટેલ (ઉ.૨૮-રહે. નાના પરફફોટા ખારાકુવા ડેલાની સામે, વિરમગામ જી. અમદાવાદ), સુરેશ ઉર્ફ દિલીપ વાલજીભાઇ ઇટાલીયા (પટેલ) (ઉ.૪૦-રહે. મુઇભાંભણ તા. બોટાદ હાલ ધોળકા સ્વામી નારાયણ મંદિર પાસે) તથા અલ્પેશ પ્રાગજીભાઇ વઘાસીયા (પટેલ) (ઉ.૩૨-રહે. જય યોગેશ્વર સોસાયટી-સુરત મુળ ગામ સાણથલી કુંકાવાવ) ધોળકામાં હોવાની બાતમી પી.આઇ. વી.એસ. વણઝારાને મળતાં તેમની રાહબરી હેઠળ પીએસઆઇ એન.ડી. ડામોર, કોન્સ. નગીનભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ ગઢવીની ટીમ ધોળકા પહોંચી હતી અને ત્યાંથી ત્રણેયને દબોચી લીધા હતાં.

આ ત્રણેય પાસેથી ઘરઘંટી, સબમર્શીબલ પંપ સહિતનો રૂ. ૧૭ લાખનો માલ તથા બે લાખની રોકડ કબ્જે લીધી છે. તપાસમાં સાથે હર્ષદહિં ચુડાસમા, હિરેન આહિર, અશોકભાઇ ડાંગર સહિતના પણ જોડાયા છે.

આ ત્રણ પૈકીનો સુરેશ ઉર્ફ દિલીપ જે તે શહેરથી ત્રીસેક કિ.મી. દૂર પોતાની ટ્રેડિંગ પેઢી ખોલતો અને સાગ્રીતો હિરેન તથા અલ્પેશને પ્રોપ્રાઇટર તરીકે રાખી નજીકની જીઆઇડીસીમાં તથા જુદા-જુદા કારખાનેદારો, મોટા વેપારીઓ પાસે વિઝીટીંગ કાર્ડ સાથે મોકલી તેની સાથે વિશ્વાસ સંપાદન કરી રજાના દિવસોમાં લાખોનો માલ મંગાવી લઇ ચેક આપી દેતાં હતાં. પણ પાછલી તારીખના ચેકો જે તે વેપારી વટાવવા નાંખતા ત્યારે એ ચેક રિટર્ન થતાં હતાં. બીજી તરફ આ ત્રણેય રજાના સમયમાં લાખોનો માલ ભરીને ભાગી જતાં હતાં. રાજકોટ સોૈરાષ્ટ્રના ૨૭ વેપારીઓ સાથે કુલ ૧ કરોડ ૩૬ લાખથી વધુની ઠગાઇ કરી હતી. ત્રણેયની વિશેષ પુછતાછ થઇ રહી છે.

(4:37 pm IST)