Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

કયાં છે વિકાસ ?...ગુજરાતમાં તો ખેડૂતો, શ્રમિકોના હાલ 'બેહાલ'

ચૂંટણી જંગમાં માત્ર લોકોને સ્પર્શતા જ મુદ્દા હોવા જોઈએ... ધાર્મિક મુદ્દા ઉપરના ભાષણોથી મતદારોને આકર્ષવાની રીત જ સાવ ખોટીઃ ભારતની ભલાઈ માટે સોનિયાજીએ વડાપ્રધાન પદે બિરાજવાના બદલે ડો. મનમોહનસિંઘને બેસાડી 'બલિદાન'ની ભાવના છત્તી કરી'તીઃ મને તો નથી લાગતુ કે, ભાજપીઓમાં કયાંય બલિદાન હોયઃ અમૃતસરના કોંગી સાંસદ ગુરજીતસિંઘનો ટોણોઃ અમૃતસરના કોંગી સાંસદનો મોદીજીને પણ અણિયારો સવાલ... અનેક દેશોના પ્રવાસ તો કર્યા પણ વિદેશોના રોકાણકારો કેટલા સહમત છે'ને કેટલા આવ્યા? તે તો જનતાને કહોઃ ભાજપ-કેન્દ્ર સરકારની નિતી-રિતી, મોટી-મોટી વાતોથી સૌ થાકયા... હવે ગુજરાતમાં કોંગીને વિજયી બનાવી દેશનું ભવિષ્ય પણ સાચા હાથોમાં સોંપશેઃ ગુજરાતમાં 'પરિવર્તન' સાથે જ પંજો ખીલશે સોળેકળાએઃ ગુરૂજીતસિંઘને પૂર્ણ વિશ્વાસ

અમૃતસરના કોંગી સાંસદ ગુરજીતસિંઘ ઔજલા 'અકિલા' કાર્યાલયે આવ્યા ત્યારે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ હર્ષભેર સ્વાગત કર્યુ હતુ. આ તકે તેમણે રાજકીય પરિસ્થિતિ વિશે વિવિધ બાબતોનો પ્રકાશ પાડયો હતો... ઉપસ્થિત કોંગ્રેસના જિલ્લા પ્રવકતા તુષાર બોરીચા, એનએસયુઆઈના પ્રદેશ મંત્રી સંજય કુંભરવડીયા, એનએસયુઆઈના પૂર્વ મંત્રી વનરાજ ચાવડા અને અમિત મેવાડા સહિતના દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૫ :. વર્તમાન સમયમાં લગ્નગાળાની સિઝનમાં જ ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક બાજુ લગ્નની શરણાઈઓ ગુંજી રહ્યો છે, તો બીજી બાજુ હરિફ પક્ષોને માત આપવા રાજકીય પક્ષો પણ એડીચોટીનું જોર લગાવવામાં વ્યસ્ત છે ત્યારે કોંગ્રેસ દ્વારા મતદારોને પોતાની તરફ વાળવા માટે બોલાવવામાં આવનારા સ્ટાર પ્રચારકો પૈકી અમૃતસરના સાંસદ ગુરજીતસિંઘ ઔજલા રાજકોટ આવી પહોંચ્યા હતા.

દરમિયાન આજે 'અકિલા' કાર્યાલયની મુલાકાત દરમિયાન શ્રી ઔજલાએ ભાજપની વર્તમાન સરકાર ઉપર પ્રહારો કરતા કહ્યુ હતુ કે, ભાજપ માત્રને માત્ર પોતાનો રાજકીય ફાયદો ખાટવા માટે 'વિકાસ', 'વિકાસ'ના ગાણા ગાય છે... ખરેખર વિકાસ ત્યારે જ કહેવાય જ જ્યારે તેનો સીધો ફાયદો ખેડૂતો, શ્રમિકોને મળે. શહેરોને બાદ કરતા મોટા ભાગના ગામડાઓમાં ખેડૂતો, શ્રમિકોના હાલ 'બેહાલ' છે ત્યારે 'વિકાસ' થયો છે કયાં ? તે સમજાતુ નથી.

તેવી જ રીતે મોદીજીના નોટબંધીના પગલાને પણ માત્રને માત્ર રાજકીય ફાયદારૂપ ગણાવી સણસણતો આક્ષેપ કર્યો હતો કે સ્વાભાવિક છે કે નોટબંધીને પગલે મોટા મોટા વેપારીઓને પરેશાનીનો સામનો કરવો પડે ત્યારે જરૂર નાના નાના કર્મચારીઓનો વારો આવી ચડે... બસ એવી જ રીતે નોટબંધીએ પણ અસંખ્ય નાના માણસોની નોકરી છીનવી પ્રગતિને બદલે દુરગતિ તરફ દેશને ધકેલી નાખ્યો તેમા શંકાને કોઈ સ્થાન જ નથી. સાથે સાથે ચૂંટણીમાં ઉઠાવાતા ધાર્મિક મુદ્દાને ટાંકીને ઉમેર્યુ હતુ કે, ચૂંટણી જીતવા માટે માત્રને માત્ર લોકોને સ્પર્શતા મુદ્દા હોવા જોઈએ, ધાર્મિક મુદ્દાઓ ઉપર ભાષણો કરી મતદારોને આકર્ષવાની રીત જ ખોટી છે... બીજાના ધર્મમાં દખલ કરવાથી દેશ આગળ વધવાને બદલે પાછળ ધકેલાઈ જવાની સૌને ભીતિ છે.

તો વળી, મોદીજીના વિદેશ પ્રવાસો વિશે પણ કટાક્ષ કર્યો હતો કે, વડાપ્રધાન શ્રી અત્યાર સુધીમાં અનેક દેશોની યાત્રા કરી ચૂકયા છે તો તે દેશોમાંથી કેટકેટલા રોકાણકારો ભારતમાં આવ્યા ? અને કેટલા રોકાણકારો આવવા તૈયાર છે? તે આંકડો પણ જનતા સમક્ષ લાવવો જોઈએ. નોટબંધી અને જીએસટીના ડબલ મારથી વેપારીઓ ઉલ્ટાના બહાર જવા લાગ્યા છે તે કેમ સરકારને નજરમાં નથી આવતું ?

આ ઉપરાંત વિપક્ષો દ્વારા અવારનવાર સોનિયાજી અને રાહુલ ગાંધી ઉપર થતા આક્ષેપોનો જ જવાબ પણ શ્રી ઔજલાજીએ આપતા કહ્યુ હતુ કે, જ્યારે કોઈ નાનો પદાધિકારી પણ જલ્દીથી પદ છોડવા તૈયાર થતો નથી તો તમે વિચારો તો ખરા કે દેશની ભલાઈ માટે સોનિયાજીએ વડાપ્રધાન પદે ખુદ બેસવાને બદલે ડો. મનમોહનસિંઘને બેસાડીને કેટલુ મોટુ બલિદાન આપ્યુ છે ?

તેવી જ રીતે ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ બાબતે કહ્યુ હતુ કે, ગુજરાતમાં સરકાર દ્વારા વિકાસ બાબતે માત્ર મોટી મોટી વાતો થાય છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. ગુજરાતીઓ ખરેખર હોશિયાર અને મહેનતુ હોવાથી પોતાના એક એક મતની કિંમત સારી રીતે જાણે છે, તો રાજકીય લોકોના ભ્રામક પ્રચારમાં આવવાના બદલે નજર સામે માત્રને માત્ર સચ્ચાઈને રાખીને કોંગ્રેસને મત આપી વિજયી બનાવશો તો ગુજરાતનો તો વિકાસ થશે જ પરંતુ આવનાર લોકસભાની ચૂંટણીનુ ચિત્ર પણ બદલાશે.

અત્રે નોંધનીય છે કે, ગુરજીતસિંઘજી ૨૮મી સુધી રાજકોટમાં રોકાણ કરી વિવિધ વિસ્તારોમાં સભા સંબોધવા સાથે ગુરૂદ્વારા પણ માથુ ટેકવશે.

(4:36 pm IST)