Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

કોંગ્રેસ ગરીબોના બેલી હોવાનો માત્ર ઢોંગ કરે છેઃ નીતિન ભારદ્વાજ

૧૦૮, મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ જેવી યોજનાઓ એ ભાજપ ગરીબોના હમદર્દ હોવાનો પુરાવો છે : કમલેશભાઈ મીરાણીઃ વિજયભાઈના મતવિસ્તારમાં લોકસંપર્ક માટે નીકળેલા અંજલીબેનને મળી રહેલો ચોમેરથી આવકાર : કાર્યકરોમાં ઉત્સાહઃ દેખાવ અને ભપકાથી ચૂંટણી જીતી ન શકાય, ઈન્દ્રનીલભાઈ મારા પાંચ સવાલોના જવાબ આપે કાં તો પરાજય સ્વીકારી લ્યે : કિશોરભાઈ રાઠોડઃ રાજકોટની જનતા કોંગ્રેસ જેવી અશિક્ષિત નથી કે જે સાચા - ખોટા વચ્ચેનો ભેદ પારખી ન શકે : અરવિંદભાઈ રૈયાણી

રાજકોટ, તા. ૨૫ : રાજકોટ - પશ્ચિમ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો પ્રચાર વેગીલો બન્યો છે. આ બેઠક ઉપર શ્રીમતી અંજલીબેન રૂપાણીએ લોકસંપર્ક સાધ્યો હતો. વિવિધ જૂથસભાઓને પક્ષના અગ્રણીઓ શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શ્રી કમલેશભાઈ મીરાણી વગેરેએ સંબોધી હતી.

પ્રદેશ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે ગરીબોને દવાઓ સસ્તી મળે તે માટે રાજય સરકારે જેનરીક દવાઓનું વેચાણ શરૂ કરાવ્યુ છે અને તેના અનેક સ્ટોર રાજકોટ સહિત રાજયભરમાં ખુલી ગયા છે. મહિલાઓના આરોગ્યની વિશેષ કાળજી લેવાય તે માટે રાજકોટની જનાના હોસ્પિટલનું આધુનિકરણ થઈ રહ્યુ છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અનેક સુવિધાઓ ગરીબ દર્દીઓ માટે ઉભી કરવામાં આવી છે અને હજી થવાની છે. ભાજપ સરકારના આ સંવેદનશીલ કાર્યોને વખાણવાને બદલે કોંગ્રેસને તેમાં ગરીબોના મત ગુમાવ્યાનું દુઃખ થાય છે. પરંતુ તેમાં કોંગ્રેસનો વાંક નથી. કોંગ્રેસ પાર્ટી જાતિવાદ અને જ્ઞાતિવાદના ગંભીર રોગમાં પટકાઈ પડી છે. ૯મી ડિસેમ્બરે તેનો ઈલાજ થઈ જશે. જાતના ત્રાજવે બધુ તોલવાની કોંગ્રેસની નીતિ રહી હોવાથી ગરીબ કલ્યાણ માટેના આવા પગલા તે વિચારી પણ શકે તેમ નથી.

રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ જૂથસભાને સંબોધતા જણાવ્યુ હતું કે ૧૦૮ની સુવિધા, મા અમૃતમ્ અને વાત્સલ્ય કાર્ડ યોજનાઓ ભાજપ ગરીબોના હમદર્દ હોવાનો પુરાવો છે. વાત્સલ્ય કાર્ડ યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગને શ્રેષ્ઠ તબીબી સારવાર નિઃશુલ્ક મળી રહે છે. ચાર દાયકા સુધી શાસન કરનારો કોંગ્રેસ પક્ષ ગરીબોનો બેલી હોવાનો માત્ર ઢોંગ કરે છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મતવિસ્તારમાં લોકસંપર્ક માટે નીકળેલા અંજલીબેન રૂપાણી અને વિવિધ વિસ્તારોના કોર્પોરેટરોને મતદારોએ પ્રેમભર્યો આવકાર આપ્યો હતો. ''મત તો ભાજપને જ'' તેવો કોલ રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના મતદારોએ આપ્યો હતો. વિવિધ વિસ્તારના લોકસંપર્કમાં ભાજપના અગ્રણીઓ દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, પુષ્કરભાઈ પટેલ, મનીષભાઈ રાડીયા સહિતના અનેક કાર્યકરો જોડાયા હતા.

દરમિયાન ગુજરાતમાં ભાજપના શાસનમાં શિક્ષણની ગુણવતા કથળી હોવાના અને શિક્ષકોની ડમી હોવાનો અપપ્રચાર કોંગ્રેસ તરફથી થઈ રહ્યો છે તે ટાઢા પહોરના ગપ્પા હોવાનું રાજકોટ-૬૮ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યુ હતું. પોતાના મતવિસ્તારમાં રૈયાણીનો વીજળીક પ્રચાર અને લોકસંપર્ક થઇ રહ્યો છે અને મતદારો તરફથી તેમને અૂભતપૂર્વ પ્રતિસાદ સાંપડે છે.

અરવિંદભાઈએ જૂથસભાને સંબોધતા જણાવ્યું હતું કે રાજકોટની જનતા કોંગ્રેસ જેવી અશિક્ષિત નથી કે જે સાચા - ખોટા વચ્ચેનો ભેદ પારખી ન શકે. કોંગ્રેસના શાસનમાં રાજયમાં ૪૧ હજાર શાળાઓ હતી અને રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ૫૮ હજાર શાળાઓ નવી પેઢીનું ઘડતર કરી રહી છે. શાળાઓમાં મેરીટવાળા શિક્ષકોની પણ કમી નથી. ૧૯૯૫-૯૬માં રાજયમાં ૨.૩૯ લાખ શિક્ષકો ફરજ બજાવતા હતા. તે સંખ્યા આજે ૪.૬૪ લાખ સુધી પહોંચી છે. શિક્ષણ ક્ષેત્રે ભાજપના શાસનમાં સધાયેલી આ સિદ્ધિ ''અનપઢ'' કોંગ્રેસીઓની નજરે ન ચડે એ સમજી શકાય છે.

જૂથસભામાં ભાજપના અગ્રણી ખીમજીભાઈ લુણાગરીયાએ જણાવ્યું હતું કે ગુણોત્સવ, પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવા અનેકવિધ કાર્યક્રમો ભાજપના શાસનમાં સિદ્ધ થયા છે અને બાળકો શિક્ષણ મેળવતા થયા છે. શાળા છોડી જવાનું પ્રમાણ માત્ર. ૧.૫ ટકા જ રહ્યુ છે. અશિક્ષિત કોંગ્રેસીજનો શિક્ષણની વાતો કરી હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયા છે.

આ જૂથસભાને દલસુખભાઈ જાગાણી, કિશોરભાઈ રાઠોડ, અશ્વિનભાઈ મોલીયાએ પણ સંબોધન કર્યુ હતું.

રાજકોટ વિધાનસભા-૬૮ પોતાનો મતર્વિસ્તાર છોડીને રાજકોટ (પશ્ચિમ)-૬૯ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના આયાતી ઉમેદવાર ઈન્દ્રનીલ રાજયગુરૂને ભાજપ શહેરના મહામંત્રી કિશોરભાઈ રાઠોડે ખુલ્લો પડકાર ફેંકી, પાંચ સણસણના સવાલો પૂછયા છે. રાઠોડે ઈન્દ્રનીલ રાજયગુરૂ આ પ્રશ્નોના જવાબ આપે અથવા પરાજય સ્વીકારે તેવો ખુલ્લો પડકાર ફેંકયો છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે રાજકોટ-૬૮ ની બેઠકના ભાગેડુ ઉમેદવારનો રાજકોટ-૬૯ બેઠકના મતદારો શા માટે વિશ્વાસ કરે ? આ બેઠક ઉપર કોંગ્રેસનો પરાજય નિશ્ચિત છે અને રાજયના વિકાસના રાહબર વિજયભાઈ રૂપાણીનો જંગી બહુમતીથી વિજય નિશ્ચિત છે.

કિશોરભાઈ રાઠોડે નીચેના પાંચ સવાલો પૂછી, તેનો ઉત્તર આપવા રાજયગુરૂને પડકાર આપ્યો છે. (૧) રાજકોટ પૂર્વની બેઠક તમે શા માટે છોડી દીધી ? એવી તે કઈ મજબૂરી હતી કે, પૂર્વમાંથી પશ્ચિમમાં આવવું પડ્યું ? (૨) રાજકોટ પૂર્વમાં આપે લોકોના કયા મહત્ત્વપૂર્ણ કામ કર્યા ? કોઈપણ મહત્ત્વના ત્રણ કાર્યો જણાવો. જો પાંચ વર્ષમાં ત્રણ કામ તમે ન કર્યા હોય તો બીજા લાયક ઉમેદવારને જનતાની સેવા કરવાની તક આપવી જોઈએ. તમારાથી શેકયો પાપડ ભંગાય તેમ નથી તો શા માટે પરાણે ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છો ? (૩) ગત ચૂંટણીમાં તમે વ્હોરા સમાજ સહિત અન્ય સમાજને એમ્બ્યુલન્સ આપવાનો વાયદો કર્યો હતો. તે અપાઈ ગઈ ? જો એમ્બ્યુલન્સ આપવામાં આવી હોય તો કયારે અને કેવી રીતે અપાઈ તે જાહેર કરો. (૪) ધારાસભ્ય તરીકેના પાંચ વર્ષના કાર્યકાળમાં ઈન્દ્રનીલ રાજયગુરૂને જે ગ્રાંટ મળી તેમાંથી કેટલા રૂપિયાના કામ પોતાના મતવિસ્તારમાં કર્યા ? જે કામ કર્યા હોય તેની વિગતો જાહેર કરો અથવા મતદારોને છેતરવાનું બંધ કરો. (૫) રાજકોટ - ૬૯ મતવિસ્તાર તમારા જૂના મતવિસ્તાર કરતાં અલગ છે. આગામી પાંચ વર્ષમાં તમે અહીં કયા કયા કામ કરવા માગો છો તેની બ્લુપ્રિન્ટ આપી શકશો ?

કિશોરભાઈ રાઠોડે અંતમાં જણાવ્યું હતું કે આ પાંચ સવાલોના જવાબ ઈન્દ્રનીલ રાજયગુરૂ જાહેર જનતા સમક્ષ આપે તેમના જૂના મતવિસ્તારમાં એવો કયો પ્રશ્ન પેદા થયો કે તેમણે બદલવો પડ્યો છે? રાજકોટ-૬૯ના મતદારો આ ભાગેડુ ઉમેદવારને ઓળખી ગયા હોવાથી તેમનો સૂર્યાસ્ત નક્કી છે.

રાજકોટ - ૭૦ ધારાસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલે જણાવ્યુ હતું કે ગુજરાતમાં આવીને રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ, મનમાં આવે એમ બકવાસ કરી જાય છે. પણ રાજય સરકારે ખેડૂતોના ઉત્કર્ષ માટે કેવા પગલા ભર્યા છે તેની કોંગ્રેસને ખબર જ નથી! ગુજરાતમાં ૧૯૯૫ પહેલા ખેડૂતોની સ્થિતિ યાચક જેવી હતી, પણ ભાજપની સરકાર આવ્યા પછી ખેડૂતની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. નરેન્દ્રભાઈ મોદીએ કૃષિમેળા, ખેડૂત સંમેલનો શરૂ કરાવીને કૃષિક્ષેત્રને પારાવાર પ્રોત્સાહન આપ્યુ હતું. વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ પરંપરા ચાલુ રાખી છે.

તેઓએ વધુમાં જણાવેલ કે રાજયના કૃષિ અને સહકાર વિભાગનું નામ બદલીને ''કૃષિ, સહકાર અને ખેડૂત સહાય'' વિભાગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેનો સમય ઓર્ગેનીક ખેતીનો હોવાથી રાજય સરકારે ઓર્ગેનીક કૃષિવિજ્ઞાનના વિકાસ માટે યુનિવર્સિટી સ્થાપવાનો પણ નિર્ણય લીધો છે. સૌથી મહત્વનું એ છે કે સરકારે મગફળીની ખરીદી પર વેટમાફી આપવાનો નિર્ણય લીધો છે. ખેતરમાં ઉભેલા પાકને રોઝ, ભૂંડ જેવા પ્રાણીઓ નુકશાન ન કરે એ માટે કૃષિપાક રક્ષણ યોજના જાહેર કરાઈ છે. ખેડૂતોને ખેતરની આસપાસ કાંટાળી વાડ કરી આપવામાં આવશે અને એનો ૫૦ ટકા ખર્ચ રાજય સરકાર ભોગવવાની છે.

ગોવિંદભાઈએ વધુમાં કહ્યું કે જયારે સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થયો હતો ત્યારે સિંચાઈ માટે પાણી અને વિજળી આઠને બદલે દસ કલાક આપવાનો નિર્ણય રાજય સરકારે કર્યો હતો. રાજયમાં વિજયભાઈ  રૂપાણીની અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખેડૂતોના હિતની સતત ખેવના રાખે છે.

(4:29 pm IST)