Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

રાજકોટ-૬૮માં હજુ કોઈ સત્તાવાર નિર્ણય નથીઃ ડો. વસાવડા

રાજકોટ કોંગ્રેસમાં ડખ્ખો યથાવતઃ બધા પોતાની રીતે તૈયારીમાં લાગ્યા છેઃ કોણ લડશે ? તે હજુ સસ્પેન્સઃ કરણાભાઈ માલધારી સમજુ આગેવાન છેઃ પાર્ટીના કોઈપણ નિર્ણયની કડક અમલવારી થશેઃ પ્રદેશ મહામંત્રી

રાજકોટ, તા. ૨૫ :. રાજકોટ શહેરની ધારાસભા ૬૮ (પૂર્વ) બેઠક પર જેડીયુ લડશે કે કોંગ્રેસ ? તે અંગે વિવાદ હજુ પણ યથાવત હોવાની ચર્ચાએ જોર પકડયુ હતુ, તે ટાંકણે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડો. હેમાંગ વસાવડાએ ન્યુઝ ચેનલોની સાથે વાતચીત દરમ્યાન કોંગ્રેસે હજુ કોઈ સત્તાવાર નિર્ણય કર્યો ન હોવાનું જણાવતા ફરી કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે.

ચૂંટણી અંગે ન્યુઝ ચેનલો સાથેના ઈન્ટરવ્યુ દરમ્યાન ડો. હેમાંગ વસાવડાએ એમ જણાવ્યુ હતુ કે, હાઈકમાન્ડ નિર્ણય લેશે અને આ નિર્ણયની કડક અમલવારી થશે. હાલ તો સૌ પોતાની રીતે ચૂંટણી પ્રચારની તૈયારીઓમાં લાગ્યા છે.

તેમના જણાવ્યા મુજબ જેડીયુના ઉમેદવાર કરણાભાઈ માલધારી સમજુ આગેવાન છે. કોઈ આગેવાનોની નારાજગીનો કોઈ સવાલ નથી. મને મોવડીમંડળ જે નિર્ણય જણાવશે તેનો હું અમલ કરાવીશ.

રાજકોટ પૂર્વની બેઠકને લઈને ફરી વિવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. કોંગ્રેસમાંથી મિતુલ દોંગાએ ઉમેદવારી કરી છે. જેડીયુના સત્તાવાર ઉમેદવાર કરણાભાઈ માલધારી છે. કરણાભાઈએ પણ પોતાના પ્રચાર જોરશોરથી ચાલુ કરી દીધો છે.

શહેર કોંગ્રેસના આગેવાનો પણ ઘીના ઠામમાં ઘી પડી જાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે.

કોંગ્રેસી સૂત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ સૌરાષ્ટ્રના સહપ્રભારી કે મોવડી મંડળે અગાઉ મિતુલ દોંગાને ઉમેદવારીપત્રક પાછુ ખેંચી લેવાની સૂચના આપી હતી પરંતુ આ અંગે બધુ થાળે પડી જશે તેવી પણ આશા દર્શાવાઈ રહી છે.ડો. વસાવડાએ વધુમાં એવુ પણ કહ્યાનું મનાય છે કે, હાઈકમાન્ડ જે નિર્ણય કરશે તે શિરોમાન્ય રહેશે જો કરણાભાઈ માલધારીને ગઠબંધનને અનુલક્ષીને સત્તાવાર ઉમેદવાર જાહેર કરાશે તો તેમને વિજય બનાવવા પણ કોંગ્રેસી આગેવાનો તનતોડ પ્રયાસો કરશે.

દરમ્યાન આજે ન્યુઝ ચેનલોને બીટીપી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કરણાભાઇ માલધારીએ જણાવ્યુ હતુ કે, થોડા દિવસ પહેલા કોંગ્રેસી આગેવાનો આવ્યા હતા અને ઉમેદવારીપત્રક પાછુ ખેંચવા માટે શામ-દંડ-ભેદની નીતિપુર્વક કોશિષ કરી હતી.

આજે સવારે પણ ઇન્દ્રનીલ રાજયગુરૃ અને અન્યો આવ્યા હતા અને વિવાદમાંથી ખસી જાવ તો માંગો તે હોદા, ર૦ બોડી, નિગમ આપવાની વાત કરી હતી પરંતુ મે પ્રચાર ચાલુ કરી દીધો છે અને અમારા છોટુભાઇ વસાવાના પક્ષને ૭ બેઠક ફાળવવા કોંગ્રેસ પક્ષ સાથે ગઠબંધન થયેલ છે અને તેનો અમલ થવો જોઇએ.

(3:35 pm IST)