Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

ગોંડલ રોડ પર એટીએમમાંથી ૧૪ લાખ બઠ્ઠાવી જનાર બુકાનીધારી જાણભેદૂ હોવાની દ્રઢ શંકા

ગોંડલ રોડ રોલેકસ કારખાના પાસે કોર્પોરેશન બેંકના એટીએમમાંથી ચોરીઃ તપાસનો ધમધમાટ : એટીએમમાં પૈસા લોડ કરવાનું કામ સંભાળતી કંપનીના મેનેજર કુંજીત વસાવડાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ : મશીનમાં પૈસા મુકવા માટે બે વ્યકિત જાય છેઃ મશીનના કુલ ૧૨ કોડ નંબરમાંથી ૬ નંબર એક પાસે અને બીજા ૬ નંબર બીજા પાસે હોય છેઃ આ બંને પણ એક બીજાના કોડથી અજાણ હોય છે : ૧૯/૧૦ના સાંજે ૪:૦૯ કલાકે બુકાનીધારી આવ્યો, તાળુ ખોલ્યું અને ૧૨ કોડ નંબર ડાયલ કરી ચોરી કરી રિક્ષામાં ભાગી ગયો

જ્યાંચોરી થઇ તે એટીએમ અને સીસીટીવી કેમેરો જોઇ શકાય છે. જેના ફૂટેજમાં ચોર કેદ થયો છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૫: ગોંડલ રોડ પર રોલેકસ ફેકટરી પાસે આવેલા કોર્પોરેશન બેંકના એટીએમમાંથી એક શખ્સ કોઇપણ રીતે કોડનંબર મેળવી અંદર રખાયેલા ૪૦ લાખમાંથી રૂ. ૧૪ લાખ ચોરી કરી લઇ જતાં ચકચાર મચી ગઇ છે. મોઢે કપડુ અને માથે ટોપી ચશ્મા પહેરીને આવેલો શખ્સ ચોરી કરી રિક્ષામાં બેસી ભાગી ગયો હતો. કોઇ જાણભેદુની સંડોવણીની શંકાએ આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાવ અંગે ગાંધીગ્રામ ગોૈતમનગર શેરી નં. ૭માં શ્રી રેસિડેન્સી એ-૧૦૪માં રહેતાં અને સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ લી. કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતાં  કુંજીત પ્રદિપભાઇ વસાવડા (ઉ.૩૯) નામના નાગર બ્રાહ્મણ યુવાનની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે અજાણ્યા શખ્સ અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૮૦ મુજબ ચોરીનો ગુનો નોંધ્યો છે.

કુંજીત વસાવડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે અમારી ઓફિસ એરપોર્ટ રેલ્વે ફાટક ફાટક સામે જૈન મંદિરની બાજુમાં આશીર્વાદ-૩ ખાતે આવેલી છે. અમારી કંપનીનું કામ બેંક દ્વારા અપાતી રકમ જે તે એટીએમ મશીનમાં લોડ કરવાનું છે. અમારી કંપનીમાં કોર્પોરેશન બેંક, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ, બીઓબી સહિતની બેંકોના કોન્ટ્રાકટ છે. એટીએમમાં પેસા લોડ કરવાનું (મુકવાનું) તેમજ મશીનમાં ખરાબી સર્જાય તો રિપેર કરવાનું કામ અમારી કંપની કરે છે. જો કે કોર્પોરેશન બેંકના એટીએમમાં પૈસા મુકવાનું કામ અમારી કંપનીનું છે, જ્યારે તેમાં ફોલ્ટ સર્જાય કે સ્પેરપાર્ટ બગડે તો તે અંગેનું કામ ડી બોલ્ટ કંપનીને આપ્યું છે. ડી. બોલ્ટ કંપની દ્વારા આ કામ પણ અમારી કંપનીને અપાયું છે.

જે તે એટીએમમાં પૈસા લોડ કરવાનું કામ બે માણસો દ્વારા થાય છે. આ બંને માણસો રકમ મુકે ત્યારે મશીનનો બાર આંકડાનો કોડ હોય તેનો ઉપયોગ કરે છે. જેમાં એક વ્યકિત પાસે છ આંકડા અને બીજા પાસે બીજા છ આંકડા હોય છે. આ બંને ભેગા મળી છ-છ આંકડા ડાયલ કરે પછી જ મશીન ખુલે છે. એ સિવાય રકમ નાંખવાના બોકસ ખુલતા નથી. આ બંને વ્યકિત પણ પોત-પોતાના કોડ પોતાની પાસે જ રાખે છે. એટલે કે એક વ્યકિત પોતાના છ આંકડાનો કોડ બીજાને જણાવતો નથી. એટીએમમાં કેટલી નોટો મુકવામાં આવી તેની સમરી જે તે માણસ દ્વારા મશીનમાંથી મેળવવામાં આવે છે અને અમારી કંપનીનમાં એ સમરી જમા થાય છે.

ગત ૧૧/૧૧/૧૭ના અમારા કર્મચારી મયુર કાલાવડીયાનો ફોન આવેલ અને તેણે કહેલ કે કોલ સેન્ટરમાંથી કોલ મળ્યો છે કે રોલેકસ ફેકટરીના મેઇન દરવાજા પાસે કોર્પોરેશન બેંકનું એટીએમ છે તેમાંથી પૈસા નીકળતા નથી. આથી હું તથા વિરલ જસાણી અમે બંને મશીન ખાતે ચકાસણી કરવા ગયા હતાં. તપાસ કરતાં ૨૦૦૦ના દરની ૭૦૦ નોટો મશીનમાંથી ગાયબ જણાઇ હતી. બાદમાં તપાસ કરતાં જાણવા મળેલ કે ૧૬/૧૦ના રોજ સાંજે સાતે ક વાગ્યે એટીએમમાં મહેશ જેઠવા અને મયુર કાલાવડીયાએ ૨૦૦૦ના દરની ૧૫૦૦ નોટ એટલે કે ૩૦ લાખ અને રૂ. ૫૦૦ના દરની ૨૦૦૦ નોટ એટલે કે ૧૦ લાખ મળી કુલ રૂ. ૪૦ લાખ લોડ કરેલ છે. આ રકમ લોડ કરી એ પહેલા મશીનમાં ૨૦૦૦ના દરની ૨૭૦ નોટ હતી. આમ ૨૦૦૦ના દરની કુલ ૧૭૭૦ નોટ હતી. તેમજ ૫૦૦ વાળી પાંચ નોટ પણ અગાઉની જમા હોઇ  પ૦૦ની ૨૦૦૫ નોટ જમા થઇ હતી.

ઉપરોકત લોડ થયેલી રકમ પૈકી ૨૦૦૦ની ૭૦૦ નોટ ઓછી હોઇ અમને એમ થયેલ કે શરતચુકથી બીજા કોઇ એટીએમમાં જમા કરી દીધાની શંકા ઉપજી હતી. આથી અમે બીજા તમામ એટીએમની તપાસ કરી હતી. દરમિયાન જે એટીએમમાંથી રકમ ગાયબ થઇ તેના સીસીટીવી કેમેરા અને સામેની દૂકાન પર લગાડાયેલા કેમેરા ચેક કરાવતાં ૧૯/૧૦/૧૭ના સાંજે ૪ કલાક ૯ મિનીટે રિક્ષા લઇને આવેલો એક શખ્સ એટીએમ મશીનના હુડને ચાવીથી ખોલ્યા બાદ મશીનના કોડ નંબર ડાયલ કરી તિજોરી (ચેસ્ટ ડોર) ખોલી રકમ લઇ લેતો જોવા મળ્યો હતો. આ શખ્સે મોઢે કપડુ બાંધેલ, માથે ટોપી પહેરેલી અને ચશ્મા પણ પહેર્યા હતાં. આ દ્રશ્યો જોવા મળતે અમે પોલીસને ફરિયાદ કરી છે. તેમ કુંજીત વસાવડાએ જણાતાં પી.આઇ. પી.એન. વાઘેલા, પી.એસ.આઇ. ડી. બી. ગઢવી, ભકિતરામભાઇ અને વિરેન્દ્રસિંહ ઝાલા તથા ડી. સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મશીનના કોડ કર્મચારીઓ સિવાય કોઇ પાસે હોતા નથી. ત્યારે ભેજાબાજે કોડ હેક કર્યા કે પછી કોઇ જાણભેદૂની સંડોવણી છે? તે અંગે તપાસ શરૂ થઇ છે.

(5:25 pm IST)