Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

વડાપ્રધાનના રાજકોટ રાત્રી રોકાણ માટે લોખંડી બંદોબસ્તઃ ચાંપતી નજર

હજુ ભાજપ કે પોલીસ પાસે સત્તાવાર કાર્યક્રમ આવ્યો નથી પરંતુ પ્રોટોકોલ માટે તંત્ર સજ્જ

રાજકોટ તા. ૨૫: ચૂંટણીના પ્રચાર માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આગામી દિવસોમાં ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પક્ષોના નેતાઓ, આગેવાનો, મંત્રીઓના ધાડા ઉતરવાના છે. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા હોઇ રાજ્યભરનું પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું છે. સોમવારે શ્રી મોદી સુરત ખાતે કડોદરાના અકડામુખી હનુમાનજી મંદિરના ગ્રાઉન્ડમાં સભા સંબોધશે. ત્યારબાદ સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. આ પ્રવાસ અંતર્ગત તેઓ રાજકોટ ખાતે પણ રાત્રી રોકાણ કરશે તેમ ભાજપના આગેવાનો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે શહેર પોલીસ તંત્ર વડાપ્રધાનશ્રીના પ્રોટોકોલ મુજબના બંદોબસ્ત માટે અત્યારથી સજ્જ થઇ ગયું છે.

શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત, જેસીપી દિપક એસ. ભટ્ટ તથા અન્ય અધિકારીઓ દ્વારા અગાઉ વડાપ્રધાન શ્રીના રોડ શો વખતે જબરદસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની કામગીરીએ એ વખતે રંગ રાખ્યો હતો. હવે ફરીથી શ્રી મોદી રાજકોટમાં સૌરાષ્ટ્રના ચૂંટણી પ્રચાર વખતે આવતા અઠવાડીએ રાત્રી રોકાણ કરવાના હોવાના વાવડ હોઇ શહેર પોલીસ તંત્ર લોખંડી બંદોબસ્ત માટે સજ્જ થઇ ગયું છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ, જવાનો, એસઆરપી, પેરામિલ્ટ્રી ર્ફોર્સ તેમજ એસપીજી કમાન્ડો સહિતનો કાફલો બંદોબસ્તમાં કામે લગાડવામાં આવશે. ડાયરેકટ આઇજીના સીધા માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવશે. બહારથી પણ જરૂર પડ્યે અન્ય ઉચ્ચ અધિકારીઓનો કાફલો રાજકોટ બોલાવવો પડશે તો બોલાવવામાં આવશે. 

જો કે મોદીજી રાજકોટમાં રોકાણ સિવાયના અન્ય કોઇ કાર્યક્રમમાં ભાગ લેવાના છે કે કેમ? તે અંગે હજુ સુધી ભાજપ પાસે કે પોલીસ પાસે કોઇ સત્તાવાર માહિતી નથી. પરંતુ તેઓ રાત્રી રોકાણ રાજકોટમાં કરશે તેવી વાત આવી હોઇ શહેર પોલીસે અત્યારથી જ બંદોબસ્તની તૈયારી શરૂ કરી દીધાનું સમજાય છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૨૭મીએ ભુજ, અમરેલી, વાપી, કામરેજ તથા ૨૯મીએ નવસારી, ભરૂચ, જુનાગઢ, ભાવનગર અને ૩ ડીસેમ્બરે તાલાલ, મોરબી, અમદાવાદ, રાજકોટ તથા ૪ તારીખે સુરેન્દ્રનરગ, પાલીતાણા, જસદણ અને જામનગર ખાતે પ્રચાર માટે જવાના છે.

 

(11:59 am IST)