Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

૨૮મીએ મોદી રાતે ૧ર વાગ્યે રાજકોટ આવશેઃ સરકીટ હાઉસમાં કામચલાઉ પીએમઓઃ હાઇલેવલ સીકયુરીટીનો કાફલો તૈનાત

હૈદ્રાબાદથી રાજકોટ આવશે વડાપ્રધાનઃ સરકીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ સવારે ૯ થી ૧૦ વચ્ચે મોરબી જવા રવાના થશેઃ ર૭મીએ ભૂજ - જસદણ - ધારી- કામરેજમાં સભાઃ ર૮મીએ હૈદ્રાબાદથી સીધા રાત્રે રાજકોટઃ સવારે ૯ વાગ્યે મોરબી રવાના થશે..હોટલાઇન-નેટ સહિતની તમામ સુવિધા...: મોરબીથી પ્રાંચી-પાલીતાણા-નવસારી જશેઃ ર૭મીએ બે ડઝન SPG કમાન્ડો અન્ય અધીકારીઓ દિલ્હીથી આવશેઃ જડબેસલાક પોલીસ બંદોબસ્તના આદેશો

રાજકોટ તા. રપ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ઝંઝાવાતી પ્રચાર-પ્રસાર અર્થે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ર૭મીથી રાજકોટ-કચ્છ-ભૂજ-અમરેલી જીલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.

ખાસ કરીને મહત્વની બાબત સંર્દભે વડાપ્રધાન ર૮મીએ રાત્રે ૧ર વાગ્યે રાજકોટ આવી રાત્રી રોકાણ સરકીટ હાઉસ ખાતે કરવાના હોય, રાજકોટ કલેકટર તંત્ર અને પોલીસ તંત્ર સિકયોરીટીના પ્રશ્ને ઉંધા માથે થઇ ગયું છે.

આચારસંહિતા સંર્દભે કલેકટર અને અન્ય અધિકારીઓ સ્વાગતમાં નહિ જોડાય પરંતુ હાઇલેવલ-ઝેડા પ્લસ સિકયુરીટી સંર્દભે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઇ છે.

કલેકટર કચેરીના ટોચના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે ર૮મીએ વડાપ્રધાન શ્રી મોદી રાત્રે ૧ર થી ૧ર-૧પ ની વચ્ચે હૈદ્રાબાદથી રાજકોટ આવી પહોંચશે, સરકીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કર્યાબાદ સવારે ૯ થી ૧૦ ની વચ્ચે તેઓ હાઇસિકયુરીટી વચ્ચે મોરબી જવા રવાના થશે.

સાધનોએ ઉમેર્યું હતું કે સરકીટ હાઉસમાં વડાપ્રધાન માટે ખાસ સ્પે. પી.એમ. ઓફીસ ઉભી કરાઇ છે, પાંચ જેટલી સ્પે. હોટલાઇન-નેટ લાઇન સહિતની તમામ સૂવિધા અપાઇ છે.

વડાપ્રધાન માટે એરપોર્ટ અને ત્યાંથી સરકીટ હાઉસ સુધીના રૂટ માટે જડબેસલાક પોલીસ બંદોબસ્તના આદેશો કરાય છે, સરકીટ હાઉસની અંદર અને બહાર પણ હાઇલેવલ સિકયુરીટી રહેશે,  આવતીકાલે વડાપ્રધાનના એસપીજી કમાન્ડો સહિત કુલ ૩૦ થી વધુ અધીકારીઓનો કાફલો રાજકોટ આવી જશે.

વડાપ્રધાન માટે રાત્રીનું ઉપરાંત ર૯મીના સવારના નાસ્તો-બ્રેકફાસ્ટ અંગે પણ સ્પે. વ્યવસ્થા ઉભી કરાઇ છે, સરકીટ હાઉસ ખાતે ઓબઝર્વરો રહી શકશે, અન્ય લોકોને તંત્ર દ્વારા મનાઇ ફરમાવાઇ છે.

શ્રી નરેન્દ્રભાઇ ર૮મીના સવારે ૯ થી ૧૦ ની વચ્ચે મોરબી જવા રવાના થશે. ત્યાં જાહેરસભા સંબોધી ત્યાંથી તેઓ વેરાવળ-પ્રાંચી સવારે ૧૧વાગ્યે પહોંચશે. ત્યાંથી ૧II વાગ્યે પાલીતાણા જશે. અને ૩II વાગ્યે નવસારી ખાતે સભા સંબોધશે.

વડાપ્રધાન ર૮મીના પહેલા ર૭મીએ પણ રાજકોટ જીલ્લામાં છે, ર૭મીએ સવારે ૯ વાગ્યે ભુજમાં સભા, અને ત્યાંથી જસદણ સવારે ૧૧ વાગ્યે આવશે, જસદણમાં સવારે ૧૧ વાગ્યે સભા, ત્યાંથી બપોરે ૧ વાગ્યે ધારી અને ત્યાંથી સુરતના કામરેજમાં બપોરે ૩ વાગ્યે જાહેરસભા સંબોધશે, અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.

આ પછી, ર૮મીએ રાત્રે ૧ર વાગ્યે તેઓ ફરી રાજકોટ આવશે, અને સવારે ૯ વાગ્યે મોરબી જવા રવાના થશે.

કલેકટર કચેરીના સુત્રોના ઉમેર્યા પ્રમાણે આચારસંહિતા હોય, સ્વાગત અંગેની કોઇ વ્યવસ્થા નહિ કરાય, પરંતુ સિકયોરીટી-પ્રોટોકોલ સંદર્ભે તમામ વ્યવસ્થા કલેકટર તંત્ર-પોલીસતંત્ર દ્વારા થઇ રહી છે.

 

(4:07 pm IST)