Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

પોણોસો વર્ષના વાલજીડોસાની બુધ્ધી બગડીઃ સોળ વર્ષની પૌત્રીને અડપલા કરીને કહ્યું-આઇ લવ યુ!

મોરબી રોડ પર રહેતાં પ્રજાપતિ વૃધ્ધ વિરૂધ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધી મહિલા પોલીસે શોધખોળ આદરી

રાજકોટ તા. ૨૫: પોતાનું ગઢપણ લજવે એવા ડોહલા પણ સમાજમાં હોય છે. આશરે પોણોસો વર્ષની વય ધરાવતાં અને મોરબી રોડ પર રહેતાં વાલજી કરસનભાઇ મોરાણીયા નામના વૃધ્ધે પોતાની ૧૬ વર્ષની કોૈટુંબીક પોૈત્રી સાથે શારીરિક અડપલા કરી 'આઇ લવ યુ' કહી જાતીય સતામણી કરતાં મહિલા પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધી ભાગી છુટેલા આ વૃધ્ધની શોધખોળ હાથ ધરી છે.

બનાવ અંગે ભોગ બનનાર ૧૬ વર્ષની બાળાના માતાએ મહિલા પોલીસ મથકમાં એફઆઇઆર નોંધાવી છે. તેમાં જણાવ્યું છે કે અમે ઘરે બેઠા ઇમિટેશનનું કામ કરીએ છીએ. સંતાનમાં મારે બે દિકરી અને એક દિકરો છે. જેમાં એક દિકરી ૧૬ વર્ષની છે. મારા સસરા ચાર ભાઇઓ હતાં. જેમાં મારા એક કાકાજી વાલજી કરસનભાઇ મોરાણીયા મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટીમાં રહે છે. તે ઘણીવાર અમારી ઘરે આવ-જા કરે છે. બપોરે જમીને પછી અમારી ઘરે જ રોકાઇ જાય છે અને બપોર બાદ ચા-પાણી પી જતાં રહે છે. ચારેક દિવસ પહેલા મારા સાસુએ મારા પતિને કહેલ કે મારે વાલજીભાઇના ઘરે જાવુ છે, મને ત્યાં મુકી જા. ત્યારે મારી ૧૬ વર્ષની દિકરીએ કહેલ કે બા આપણે ત્યાં નથી જવું, વાલજીદાદાને આપણા ઘરે આવવાની પણ ના પાડી દેજો.

દિકરી આવી વાત કર્યા બાદ રડવા માંડતાં અમે તેને ફોસલાવીને પુછતાં તેણે કહેલ કે અઠવાડીયા પહેલા બપોરના સમયે વાલજીદાદા આપણી ઘરે આવ્યા હતાં ત્યારે તમે અને પપ્પા ઉપરના રૂમમાં હતાં અને બા અંદરના રૂમમાં હતાં ત્યારે વાલજીદાદા બેઠક રૂમ (ઓફિસમાં) સુતા હતાં. હું ત્યારે વાસણ ઉટકતી હતી ત્યારે વાલજીદાદાએ બૂમ પાડી મને બોલાવતાં હું અંદર જતાં જ તેણે મારી સાથે અડપલા કરી 'આઇ લવ યુ' કહી ચાળા શરૂ કર્યા હતાં.  આથી મેં તેને કહેલ કે મને મુકી દ્દયો નહિતર હું ચીસ પાડીશ. તેમ કહેતાં દાદાએ મને પાંચ રૂપિયાની નોટ આપી હતી અને કોઇને વાત નહિ કરવા કહેતાં હું નીકળી ગઇ હતી. બીકને લીધે મેં કોઇને ઘરમાં વાત કરી નહોતી.

ઉપરોકત વાત બાળાએ તેના માતાને જણાવતાં બધા સભ્યો વાલજીદાદાના ઘરે ગયા હતાં અને તેને ઠપકો આપતાં ભુલ થઇ ગઇ કહી તેણે માફી માંગી હતી. બાદમાં બાળાના પિતાને આ વાતની ખબર પડતાં તેણે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. અડપલા કરી ભાગી ગયેલો વાલજીદાદા આશરે પોણોસો વર્ષની વયનો છે. મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ. એન.એસ. સવનીયાએ તપાસ શરૂ કરી છે.

ભોગ બનનાર બાળાના પિતાએ કહ્યું હતું કે આવુ કૃત્ય આચરનાર વૃધ્ધ મારા સગા કાકા થાય છે અને તે મોરબી રોડ પર તેના પુત્ર સાથે રહે છે. અમારી દિકરી સાથે આવું કર્યુ, એ કાલ ઉઠીને બીજા કોઇની દિકરીને પણ આવું કરે તો? એ વિચારી અમે ફરિયાદ કરી છે.

(11:16 am IST)