Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

દિવાળીની રાતે મોરબી રોડ વિસ્‍તારમાં કરણ, અર્જુન અને દેવો ધાક જમાવવા ગૂંડાગીરી પર ઉતરી આવ્‍યાઃ હત્‍યાની કોશિષના બે અને લૂંટના બે ગુના આચર્યાઃ પોલીસના ધાડા ઉતરી પડયા

જમુના પાર્કના ત્રણ શખ્‍સો કાર લઇને નીકળી પડયા અને અડધા કલાકમાં ચાર ગંભીર ગૂના અચારી લીધા : મધુવન સ્‍કૂલના બે મજૂરને અને વોચમેનને કારણ વગર ધોકાથી ફટકારી, છરીના ઘા ઝીંક્‍યાઃ ફટાકડા લેવા નીકળેલા સોની યુવાનને છરીના ઘા, જય જવાન જય કિસાનમાં ફટાકડાના બે સ્‍ટોલમાંથી ૩૦૦૦ અને ૧૮૦૦૦ના ફટાકડાની લૂંટઃ આરોપીઓ હાથવેંતમાં

મોરબી રોડ સેટેલાઇટ ચોક અને જય જવાન જય કિસાન સોસાયટીમાં દિવાળીની રાતે ત્રણ શખ્‍સોએ ગૂંડાગીરી આચરી અડધા કલાકમાં ચાર ગુના આચરતાં પોલીસ અધિકારીઓ, ટીમોના ધાડા ઉતરી પડયા હતાં (નીચેની તસ્‍વીરો), જ્‍યારે હુમલાના વિડીયો સોશિયલ મિડીયામાં ફરતાં થયા હતાં તેના દ્રશ્‍યો (ઉપરની તસ્‍વીર) જોઇ શકાય છે.

રાજકોટઃ શહેરમાં દિવાળી પર્વની રાતે સામા કાંઠે મોરબી રોડ પર સેટેલાઇટ ચોક સીહતના આસપાસના વિસ્‍તારોમાં કરણ, અર્જુન અને દેવો નામના ત્રણ શખ્‍સોએ કાયદો હાથમાં લઇ છાકટા બની વિસ્‍તારમાં પોતાની ધાક જમાવવા માટે બેફામ ગૂંડાગીરી આચરતાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. આ ત્રિપુટીએ હત્‍યાની કોશિષના બે ગુના અને લૂંટના બે ગુના આચરતાં ઉચ્‍ચ અધિકારીઓ દોડી ગયા હતાં. બી-ડિવીઝન પોલીસે ચાર ગુના દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ચાર ડખ્‍ખામાં

રાતે દસ વાગ્‍યે સેટેલાઇટ ચોક મધુવન સ્‍કૂલ ખાતે લાદીકામ માટે આવેલા અને સ્‍કૂલની ઓરડીમાં રહેતાં બે મજૂરો પર હુમલો કરતાં તેને બચાવવા સ્‍કૂલના વોચમેન પટેલ પ્રોૈઢ વચ્‍ચે પડતાં તેના પર છરી-ધોકાથી હીચકારો હુમલો કરી હત્‍યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણને ઇજા થઇ હતી. આ પછી આ ત્રિપૂટીએ સેટેલાઇટ ચોક વૃજભુમિ રેસિડેન્‍સીમાં લુખ્‍ખાગીરી આચરી સોની યુવાન સહિત બે જણાને મારી નાખવાના ઇરાદે છરીથી હુમલો કરી પગ-સાથળના ભાગે ઘા ઝીંકી હત્‍યાનો પ્રયાસ કર્યો હતો. વાત અહિ અટકી નહોતી બબ્‍બે હત્‍યાની કોશિષના ગુના આચર્યા પછી આ ત્રણેય શખ્‍સો સાડા દસ આસપાસ જય જવાન જય કિસાન મેઇન રોડ પર ફટાકડાની દૂકાને જઇ ૧૮ હજારના ફટાકડા લૂંટી લીધા હતાં. ત્‍યાર પછી ચોથો ગુનો પણ આ વિસ્‍તારમાં આચરી એક સ્‍ટોલમાંથી ૩ હજારના ફટાકડા લૂંટી લીધા હતાં.

વલ્લભભાઇ રૈયાણીની ફરિયાદ પરથી હત્‍યાની કોશિષનો ગુનો

બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ સેટેલાઇટ ચોક ધારા એવન્‍યુ શેરી નં. ૩માં રહેતાં અને ઘર નજીક મધુવન સ્‍કૂલમાં વોચમેન તરીકે નોકરી કરતાં પટેલ વલ્લભભાઇ જસમતભાઇ રૈયાણી (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી મોરબી રોડ જમુના પાર્કમાં રહેતાં અર્જુન મેર, કરણ મેર અને દેવશી ઉર્ફ દેવો દાદુકીયા (કોળી) વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૭, ૩૨૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો છે. વલ્લભાઇએ જણાવ્‍યું હતું કે અમારી મધુવન સ્‍કૂલમાં લાદીકામ ચાલતું હોઇ મજૂરી માટે આવેલા વિકાસ લક્ષમણભાઇ શાહુ (ઉ.૧૯), સુદામ મધુભાઇ (ઉ.વ.૩૦) સ્‍કૂલની બાજુની ઓરડીમાં રહેતાં હોઇ રાતે દસેક વાગ્‍યે અર્જુન, કરણ અને દેવશીએ આવી મજૂરને કારણ વગર પાડવાના હાથાથી માર મારવાનું ચાલુ કર્યુ હતું. અર્જુનના હાથમાં છરી હતી. તેણે વિકાસ અને સુદામને આડેધડ ઘા મારી દીધા હતાં. પ્‍લાસ્‍ટીકની ખુરશીથી પણ માર માર્યો હતો. આ બંને બચવા માટે ભાગતાં હું અવાજ સાંભળીને આવતાં અર્જુને મને વાંસાના ઘભાગયે છરી મારી દીધો હતો. એ પછી આ ત્રણેય સ્‍વીફટ કાર લઇને ભાગ્‍યા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં અમને ત્રણેયને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જેમાં મજૂર વિકાસ અને સુદામને ગંભીર ઇજા પહોંચી હતી. વિસ્‍તારમાં ગૂંડાગીરી આચરી ધાક બેસાડવા આ ત્રણેયએ આવું કર્યુ હતું.

 અર્જુન લાઠીગ્રા (સોની)ની ફરિયાદ પરથી હત્‍યાની કોશિષનો બીજો ગુનો

ત્રિપૂટી વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષની બીજી ફરિયાદ મોરબી રોડ સેટેલાઇટ ચોક વૃજભુમિ રેસિડેન્‍સી-૩ ગિરીરાજ ખાતે રહેતાં અને આસ્‍થા ચોક રેલનગરમાં કેશવમ્‌ લેબમાં ટેકનીશીયન તરીકે નોકરી કરતાં અર્જુન સુનિલભાઇ લાઠીગ્રા (સોની) (ઉ.૨૮)ની ફરિયાદ પરથી દાખલ કરાયો છે.

અર્જુને જણાવ્‍યું હતું કે દિવાળીની રાતે સવા દસ આસપાસ હું અને મારો નાનો ભાઇ રાહુલ બાઇક પર બેસી ભત્રીજા માટે ફટાકડા લેવા જતાં હતાં ત્‍યારે સેટેલાઇટ ચોક રઘુવીર ઘૂઘરા પાસે ફટાકડાના મંડપ પાસે પહોંચતા ત્રણ શખ્‍સો ઉભા હોઇ મારા ભાઇએ ફટાકડાના ભાવ પુછતા ત્રણેયએ મારી પાસે આવી ગાળો દેતાં ના પાડતાં એક જણાએ મારા વાળ પકડી પછાડી દીધો હતો અને બીજા બે મને માર મારવા માંડયા હતાં. ત્રીજાએ પેટના ભાગે છરીનો ઘા મારવા પ્રયાસ કરતાં હાથમાંથી છરી પડી જતાં મને પગના સાથળમાં લાગી હતી. બીજો ઘા ડાબા પગે મારી દીધો હતો. એ પછી ત્રણેય ભાગી ગયા હતાં. અમે ઘરે જાણ કરતાં મને સિવિલમાં લઇ ગયા હતાં. હુમલાથી પગ-સાથળમાં ટાંકા લેવા પડયા હતાં. ફટાકડા સ્‍ટોલવાળાએ આ ત્રણેયના નામ કરણ, અર્જુન અને દેવો હોવાનું કહ્યું હતું.

વિનોદ સગરની ફરિયાદ પરથી લૂંટનો ગુનો

કરણ, અર્જુન અને દેવાએ ત્રીજો ગુનો જય જવાન જય કિસાન સોસાયટીમાં આચર્યો હતો. આ બનાવમાં પોલીસે ચામુંડા સોસાયટીમાં રહેતાં અને યાર્ડમાં મજૂરી કરતાં વિનોદ વાઘજીભાઇ કારેણા (સગર) (ઉ.૩૬)ની ફરિયાદ પરથી ત્રણેય જણા સામે આઇપીસી ૩૯૪, ૩૯૭, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્‍યો છે. વિનોદે જણાવ્‍યું હતું કે મેં જય જવાન જય કિસાન સોસાયટી-૩/૪ની વચ્‍ચે ખોડલ પાન પાસે મારા ભાણેજ અક્ષય પાથર સાથે ભાગીદારીમાં ફટાકડાનો સ્‍ટોલ કર્યો હોઇ રાતે સાડા દસ પછી સ્‍વીફટ ડીઝાયર કાર જીજે૧૧સીએચ-૧૩૭૮માં ત્રણ શખ્‍સોદ કરણ, અર્જુન અને દેવો આવ્‍યા હતાં. આ ત્રણેય મોરબી રોડ પર જમુના પાર્કમાં રહેતાં હોઇ હું ત્રણેયને ઓળખુ છું. જેમાં અર્જુનના હાથમાં છરી હત. મારી પાસે આવી ‘અહિ કોને પુછીને ફટાકડાનો સ્‍ટોલ રાખ્‍યો છે?' તેમ કહી ગાળો દઇ ઝપાઝપી કરી ઢડીકાપાટુ મારતાં મારો મિત્ર પરેશ રામભાઇ બોરીચા બચાવવા આવતાં તેને પણ માર માર્યો હતો. માણસો ભેગા થતાં આ ત્રણેય રૂા. ૩૦૦૦ના ફટાકડા લૂંટી ભાગી ગયા હતાં.

લૂંટનો ચોથો ગુનો હાર્દિક ચંદ્રોલા (પટેલ)એ નોંધાવ્‍યો

કરણ, અર્જુન અને દેવાની ત્રિપૂટીએ ચોથો ગુનો પણ લૂંટનો આચર્યો હતો. આ બનાવમાં જય જવાન જય કિસાન સોસાયટી-૪માં રહેતાં હાર્દિક ભરતભાઇ ચંદ્રોલા (પટેલ) (ઉ.૨૮)ની ફરિયાદ પરથી આઇપીસી ૩૯૪, ૩૯૭, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો દાખલ થયો છે. હાર્દિકે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પ્રાઇવેટ નોકરી કરુ છું. રાતે મારા પિતાજીની ક્રિષ્‍ના ફરસાણ નામની દૂકાન જે જય જવાન જય કિસાન સોસાયટી મેઇન રોડ પર છે. ત્‍યાં મેં તથા મારા ભાઇ પિયુષભાઇએ બહાર ફટાકડાનો સ્‍ટોલ કર્યો હોઇ અમે બંને બેઠા હતાં ત્‍યારે સ્‍વીફટ કારમાં કરણ, અર્જુન અને દેવશી ઉર્ફ દેવો આવ્‍યા હતાં અને ગાળો દઇ અહિ જકાતનાકામાંથી મને બાકીમાં ફટાકડા આપવાની કોણે ના પાડી હતી? તેમ કહી સ્‍ટોલમાંથી આશરે ૧૮ હજારના ફટાકડા લૂંટી પોટલુવાળી ગાડીમાં નાખી ભાગી ગયા હતાં. મારા ભાઇએ તેને અટકાવવા પ્રયાસ કરતાં ઝપાઝપી કરી હતી. તેમજ બેસવા માટેનું લોખંડનું ટેબલ મારા ભાઇના મિત્ર મહશે સંખાવરાને લાગી ગયું હતું. આ પછી ત્રણેય ભાગી ગયા હતાં.

ત્રિપૂટીએ ગૂંડાગીરી આચરી આતંક મચાવતાં એસીપી જે. એસ. ગેડમ, એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા, બી-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ, પીએસઆઇ એચ. એમ. જાડેજા, એએસઆઇ હિતેષભાઇ ગઢવી સહિતનો કાફલો તથા ક્રાઇમ બ્રાંચની ટીમોએ દોડી જઇ ત્રણેયને ઝડપી લેવા તજવીજ આદરી હતી. આરોપીઓ હાથવેંતમાં હોઇ તેની આગવી ઢબે પુછતાછ કરી કાયદાનું ભાન કરાવવા કાર્યવાહી કરવામાં આવશે. ઘાયલોને હોસ્‍પિટલમાં ખસેડાતાં મંત્રી અરવિંદ રૈયાણી પણ દોડી ગયાનું કહેવાય છે.

(12:18 pm IST)