Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

ડો. પ્રવીણ સેદાણી : વિવિધ ક્ષેત્રોમાં ‘‘પ્રવીણ'' વ્‍યક્‍તિત્‍વ

ડોકટર, કવિ, કાર્ટૂનિસ્‍ટ,ગાયક, સંગીતકાર, ફોટોગ્રાફર, નાટયલેખક અને અભિનેતા... : રાજકોટ-મોટી ટાંકી ચોકમાં વર્ષો સુધી તીબીબી પ્રેકટીસ કરી : કાવ્‍યો લખ્‍યા : જૂના ગીતોના સ્‍ટેજ કાર્યક્રમો હજુ ચાલુ : ૧૪૬૦ કાર્ટૂન ‘‘અકિલા''માં પ્રકાશિત થયા : અમેરિકા સ્‍થાયી થયા બાદ ૭૮ વર્ષની વયે તમામ પ્રવૃતિ ધમધોકાર

 અકિલાના મોભી શ્રી કિરિટભાઇ ગણાત્રા સાથે ડો. પ્રવીણ સેદાણી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

એકાદ ક્ષેત્રમાં મહારત્‍ન પ્રાપ્‍ત થાય તો વ્‍યકિતનું વ્‍યકિતત્‍વ વિશેષ બની જતું હોય છે, પરંતુ બહુવિધ ક્ષેત્રે મહારત પ્રાપ્‍ત હોય  તેવું વ્‍યકિતત્‍વ પ્રકૃતિનું અણમોલ સર્જન ગણાય. રાજકોટના ડો. પ્રવીણ સેદાણી  આવું અણમોલ  વ્‍યકિતત્‍વ ધરાવે છે. ‘પ્રવીણ' નામને તેઓએ સાર્થક કર્યું છે.  ‘પ્રવીણ' શબ્‍દનો અર્થ નિષ્‍ણાંત થાય. ડો પ્રવીણ સેદાણી વિવિધ ક્ષેત્રોમાં  ‘પ્રવીણ' છે.!

તેઓ લોકપ્રિય અને સફળ તબીબ છે, ઊંચા ગજાના મવિ છે, વ્‍યંગ્‍ય છેડનારા કાર્ટૂનિસ્‍ટ છે, સતત કાર્યક્રમો આપતા ગાયક છે... ,જેને ૩૦૦૦ જૂના ગીતો કંઠસ્‍થ છે, દરેક ઇન્‍સ્‍ટૂમેન્‍ટ વગાડનારા સંગીતકાર છે, સંગીત શીખવી પણ રહ્યાં છે, વર્ષો સુધી પ્રેસ ફોટોગ્રાફી કરી ચુક્‍યા છે, નાટયલેખન ખુદ કરે છે... ડો. પ્રવીણભાઇ સેદાણીને નિષ્‍ફળ જતા આવડતું નથી. જે ક્ષેત્ર પસંદ કરે તેમાં  સતત મથીને મહારત પ્રાપ્‍ત કરે છે.

હાલ અમેરિકા સ્‍થાયી થયેલા ડો. સેદાણી વતન રાજકોટ આવ્‍યા છે. ‘‘અકિલા'' સાથે તેઓનો વર્ષોનો નાતો રહ્યો છે. ‘‘અકિલા'' સાથેની વાતચીતમાંં તેઓએ અનેક પ્રેરક વાતો કરી હતી, જેની ઝલક માણીએ.

પ્રવીણભાઇનું મૂળ ગામ રાણપુર હતું. પિતાશ્રી વૃજલાલભાઇ ઝવેરચંદ મેઘાણી સાથે ‘ફૂલછાબ'માં કામ કરતા હતા. ‘ફૂલછાબ' રાજકોટથી શરૂ થયુ ત્‍યારે વૃજલાલભાઇ પણ પરિવાર સાથે રાજકોટ સ્‍થાયી થયા હતા. એ ૧૯૫૧ની સાલ હતી.

પ્રવીણભાઇના મોટાભાઇ ગુણવંતભાઇ સેદાણીને ફોટોગ્રાફીમાં રસ હતો. તેઓ ‘ફૂલછાબ'ના ફોટોગ્રાફર બન્‍યા. ડો. પ્રવીણભાઇ સેદાણીએ પણ ફોટોગ્રાફીમાં રસ લીધો. અભ્‍યાસ સાથે ૧૫ વર્ષ ફોટોગ્રાફી વ્‍યાવસાયમાં સહયોગ કર્યો. પ્રેસ ફોટોગ્રાફરથી માંડીને લગ્ન પ્રસંગોની ફોટોગ્રાફી અને પૂ. રણછોડદાસ બાપૂના કાર્યક્રમોની ફોટોગ્રાફી તેઓ કરી ચૂક્‍યા છે. ડો. પ્રવીણભાઇ સેદાણીની સ્‍મરણ શક્‍તિ પણ ગજબની છે. તેઓએ જણાવ્‍યું હતું કે, ૧૯૭૨ની સાલમાં છેલ્લો () ફોટો પાડયો હતો. ન્‍યારી ડેમનો સ્‍લેબ તૂટયો જેમાં એક વ્‍યકિતનું નિધન થયુ, એ ફોટો મેં પાડયો અને ‘‘ફૂલછાબ'' માં છપાયો હતો.

ડો. સેદાણીએ તબીબી ક્ષેત્રે પણ કમાલ કરી છે. તેઓએ જામનગર મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણ લીધુ હતું. એનેસ્‍થેટીસ બન્‍યા. રાજકોટમાં ૪૦ વર્ષ ધમધોકાર પ્રેકટીસ કરી એ સમયે રાજકોટમાં ૪૦ જેટલી હોસ્‍પિટલ હતી.

એક અઠવાડીયામાંમાં તેઓ ૩૨ હોસ્‍પિટલમાં સેવા આપતા હતા. ઉપરાંત મોટી ટાંકી ચોકમાં પ્રેકટીસ કરતા હતા. આ વિસ્‍તારનાં ૨૫-૩૦ ટકા  દર્દીઓને દવા પણ ફ્રીમાં આપતા હતા.

રાજકોટમાં એ સમયના વિખ્‍યાત તબીબી ડો. મધૂબેન શાહ, ડો. જશુબેન પંડયા, ડો. યશુબેન શાહ, ડો. નિરંજન પરીખ, ડો. પ્રતિમાબેન પરીખ,  વગેરે સાથે વર્ષો સુધી કાર્ય કર્યું હતું. તબીબ ક્ષેત્રની મજેદાર વાતો વર્ણવતા ડો. સેદાણી કહે છે કે, હું ઓપરેશન થિયટરના ગંભીર માહોલમાં પણ ગીત ગાતો રહેતો. વાતાવરણ હળવું થઇ જતું, ઘણી વખત તો દર્દી પણ મારી સાથે ગીતો ગાવા માંડતા હતા. લોકોના દર્દ સાથે સતત નાતો રહ્યો હતો. આ દર્દ ડો. પ્રવીણ સેદાણીના કાવ્‍યોમાં છલક્‍યું છે. ડો. સેદાણીએ ૧૧૦ ઉચ્‍ચ સ્‍તરીય  કાવ્‍યો સજર્યા છે.

ડો. પ્રવીણભાઇનું વ્‍યકિતત્‍વ  બિંદાસ અને પરમ આનંદીત રહ્યું છે. એક પ્રસંગ વર્ણવતા તેઓએ જણાવ્‍યું હતુ કે, સામાન્‍ય દર્દીની સેવા કરવાના ભયથી હું વિઝીટ જતો હતો. એક વખત રાજકોટના હરિજન વાસમાં ગયો હતો. વિઝીટ જઇએ ત્‍યારે આસપાસના લોકો પણ પોતાના દુઃખ દર્દ કહેતા હતા. દર્દીને સારવાર બાદ એક યુવાને આવીને કહ્યું,‘ સાહેબ, હું ભજન ગાઉં છું. પણ આજે મારૂ ગળુ બેસી ગયું છે.'

ડો. સેદાણીએ એમને દવા આપી અને કહ્યું કે હાર્મોનિયમ - તબલા લાવ મારી સામે ભજન ગા... એ દર્દીએ ભજન ગાયું. ડો. સેદાણીએ પણ લલકાર્યુ. અચાનક હાર્મોનિયમમાં ભજનની રમઝટ ચાલી. ડો. સેદાણી પણ ગાવા લાગ્‍યા.

અન્‍ય ઇમજન્‍સી ભુલાઇ ગઇ. ડો. સેદાણીને એનેસ્‍થેસિયા આપવા જવાનું હતું. તેમના પત્‍ની ઇલાબેન શોધતા હતા. ડો. સેદાણી હાર્મોનિયમમાં ભજન ગાવામાં મશગુલ થઇ ગયા હતા. આ ઘટના બાદ ઇલાબેન તેમને નરસિંહ મહેતા તરીકે સંબોધતા હતા.

ડો. સેદાણીએ રાજકોટમાં ૪૦ વર્ષ પ્રેકટીસ કરી. ૧૫૦૦૦ ગંભીર પ્રકારની પ્રસુત્તિઓ કરાવી. ડો. સેદાણીએ બાળકોના ટ્રીપલ પોલિયાના રસીનું કેન્‍દ્ર બનાવવાનસ ના પાડી દીધી હતી. તેઓ કહે છે, મને બાળકો બહુ ગમે. બાળપણમાં જ તેને ઇન્‍જેકશન આપીને દુશ્‍મન નથી બનાવવા. આ ભાવથી પોલિયોના ઇન્‍જેકશન આપતા નહતા. ડો. સેદાણીને મેજિક જાદુગરીનો પણ શોખ હતો. બાળકો સામે જાદુના ખેલ કરીને તેને મોજમાં રાખતા હતા.

તેઓએ મજેદાર વાત કરતા કહ્યું કે, મને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો. સમય ન હતો. બે ઓપરેશન વચ્‍ચે થોડો સમય મળે તો સ્‍કૂટર લઇને મેદાનમાં પહોંચી જઉં અને ક્રિકેટ રમતા બાળકોને કહું,‘એક ઓવર નાખવા દો ને.' આ રીતે ક્રિકેટનો શોખ પણ પૂરો કરતો હતો.

ઓપરેશન થિયેટરમાં પેટ ખુલ્લું હોય અને દર્દી પણ ડો. સેદાણી સાથે ગીત ગાવા માંડે તેવી ઘણી ઘટનાઓ બની છે. હાલ ડો. સેદાણી અમેરીકામાં પણ તબીબી સેવા આપે છે. તેઓ કહે છે કે,‘ મેં કયારેય પૈસાને પ્રાધાન્‍ય નથી આપ્‍યું. આનંદને જ મુખ્‍ય ગણ્‍યો છે.'

ડો.સેદાણી ફિલ્‍મી ગીતોના ગજબ શોખીન છે. શરૂઆતમાં તેઓ મન્નાડેના ગીતો ગાતા. મુકેશ - રફી - કિશોરના ગીતો પણ ગાવા માંડયા હતા. તેઓ કહે છે કે, હું મોજ કરવા અને મોજ કરાવવાના  ધ્‍યેયથી જ ગીતો ગાઉં છું. અસંખ્‍ય સ્‍ટેજ પ્રોગ્રામ આપ્‍યા, આપે છે, પણ આ ક્ષેત્રને પ્રોફેશનલ બનાવ્‍યું નથી. અમેરિકામાં પણ કાર્યક્રમો આપે છે. ડો. સેદાણીને ૩૦૦૦ ગીતો કંઠસ્‍થ છે. ગાયિકી સાથે સંગીત પણ શીખી ગયો છે. હાલ તેઓ અમેરીકામાં દરેક વાજિંત્રો વગાડે છે. અને રસ ધરાવનારને વગાડતા શીખવે પણ છે. કલાસીકલ મ્‍યુઝિક શીખ્‍યા છે.

ડ્રામા એટલે કે નાટય લેખનથી માંડીને અભિનયમાં પણ ડો. સેદાણીએ પ્રદાન કર્યુ છે. નાટક ખુદ લખે, ટીમ સાથે ભજવે. આવા અનેક નાટય શો તેઓ કરી ચુકયા છે.

હાલ ડો.સેદાણી અમેરીકાના ફલોરીડામાં સ્‍થાયી થયા છે. ૭૮ વર્ષની વયે વિવિધ ક્ષેત્રોમાં ફુલ સ્‍ફૂર્તિથી સક્રિય છે. યુગલ ગીતો કરાઓકેના માધ્‍યમથી ડો. પારસમણી આચાર્ય સાથે ગાય છે. કાર્યક્રમો આપે છે. તબીબી સેવા પણ ચાલે છે. ડો. સેદાણીના પુત્ર દર્શન સેદાણીએ ઈન્‍ટેલ મીડિયા કંપની સ્‍થાયી છે. હોલોગ્રાફીની માસ્‍ટરી છે. આ કંપનીના અમદાવાદ ખાતે ૧૩૦ કર્મચારીઓ છે. ન્‍યુ જર્સીમાં ડો.સેદાણીના દીકરી શ્‍વેતા સ્‍થાયી છે. ડો. સેદાણીના સાસુ લીલીબેન પણ અમેરીકામાં નજીક રહે છે. ૯૪ વર્ષની  વયે પણ લીલીબેન સૂચક ઉત્તમ સ્‍વાસ્‍થ્‍ય ધરાવે છે. જો કે ડો. સેદાણી કહે છે કે, જીવનસાથી ઇલા સંગાથ છૂટી ગયો છે, તેમની ઉર્જાનો અહેસાસ થતો રહે છે.

 

 

પૂ. રણછોડદાસ બાપુ સાથે ખૂબ ફર્યા

ઓરિસ્‍સા-બિહારમાં એક-એક મહિનો પૂ. બાપુ સાથે કેમ્‍પમાં ફોટોગ્રાફર તરીકે ડો. સેદાણી ગયા હતા

રાજકોટ,તા.૨૪ : ડો. પ્રવીણ સેદાણી કહે છે કે, હું બહુ ધાર્મિક માણસ નથી, પરંતુ સદ્દગુરૂ દેવ પૂ. રણછોડદાસજી બાપુ સાથે રહેવાનો ખૂબ મોકો મળ્‍યો છે. પૂ. બાપુ દ્વારા વિવિધ રાજ્‍યોમાં આરોગ્‍ય કેમ્‍પ થતા બિહાર અને ઓરિસ્‍સામાં એકએક મહિનો હું ફોટોગ્રાફર તરીકે ગયો હતો. ખૂબ ફોટો પાડયા અને વિડીયોગ્રાફી  પણ કરી હતી. પૂ. બાપુનો સેવાભાવ પ્રેરક છે.

એક મહિનો બિહારમાં રોકાઇને ફોટા પાડયા ત્‍યારે ડો. સેદાણી મેડિકલ અભ્‍યાસના ફાઇનલ વર્ષમાં હતા.

ડો. સેદાણી કહે છે કે, હું ધર્મથી અંજાતો નથી પણ પૂ. રણછોડદાસ બાપુનો મારી નજર સામે બનેલો પ્રસંગ મારી સમજ બહાર રહ્યો છે. રાજકોટમાં દ્વારિકાદાસજીના ઘેર પૂ. બાપુ ઉભડક પગે બેસીને ભોજન કરતા હતા. પૂ. બાપુએ ત્‍યાં ઉપસ્‍થિત મહાનેભાવોને કહ્યું કે, હું કાલે ઓરિસ્‍સા પહોંચુ છું, તમે ઝડપથી નીકળો. મહાનુભાવોએ કહ્યું કે, બાપુ ઓરિસ્‍સા દૂર છે, કાલે ન પહોંચી શકાય પૂ. બાપુએ કહે- હું પહોંચી જઇશ, તમે ઝડપથી નીકળજો.

આ સવાંદ બાદ મહાનુભાવો ઓરિસ્‍સામાં પહોંચ્‍યા ત્‍યારે પૂ. રણછોડદાસ બાપુ ત્‍યાં સેવામાં વ્‍યસ્‍ત હતા!!

 

 

૪૯ વર્ષના લગ્ન જીવન બાદ ઇલાબેનની અલવિદા

મારા જીવનસાથી સ્‍ટ્રોંગ લેડી હતા : ડો. પ્રવીણ સેદાણી : જર્નાલીઝમ કર્યુ, બ્‍યુટીપાર્લર ચલાવ્‍યું : હું તાલ ચુકુ ત્‍યારે પત્‍ની ટકોર કરતા : ડો. સેદાણી

રાજકોટ,તા.૨૪ : ડો. પ્રવીણ સેદાણીના પત્‍ની ઇલાબેન પણ વિવિધ ક્ષેત્રના માહેર હતા. ઇલાબેને જર્નાલીઝમનો અભ્‍યાસ કર્યો હતો. બ્‍યુટીપાર્લર પણ ચલાવ્‍યું હતું. દરેક તબક્કે ડો. સેદાણીને ઇલાબેનનો સંગાથ હતો.

ડો. સેદાણી કહે છે કે ,૪૯ વર્ષના લગ્ન જીવન બાદ ઇલાએ અલવિદા કહી દીધી. તેઓના સહયોગથી હું વિવિધ ક્ષેત્રે ખીલી શક્‍યો હતો. ડો. સેદાણી કહે છે કે, ઇલા સ્‍ટ્રોંગ લેડી હતા. હારે કે થાકે નહિ. અકિલામાં ૧૪૬૦ કાર્ટન છપાયા. હું  દરરોજ જ સવારે પેન્‍સિલથી કાર્ટૂન દોરતો. ઇલા તેના  પર પેન વર્ક કરીને લખાણ લખતા. દરેક કાર્ટૂનમાં ઇલાના અક્ષરો છે. તેમના  વિવિધ ક્ષેત્રોની સમજ હતી.

ડો સેદાણી કહે છે કે, હું સંગીતના ક્ષેત્રમાં તાલ-રાગ ચૂકી જાઉ ત્‍યારે ઇલા ટ્રેક પર આવવા ટકોર કરતા. આરોગ્‍ય ક્ષેત્રે પણ તેની ગજબ સૂઝ હતી. ઘણા દર્દીઓ મારી પાસેથી દવા લેવાને બદલે ઇલા પાસેથી દવા માંગતા. ઇલાને આરોગ્‍ય સેવામાં ખૂબ જ રસ હતો. આરોગ્‍ય ટ્રસ્‍ટ બનાવ્‍યું હતું, મેટોડામાં વિનામૂલ્‍યે નિદાન- સારવાર માટે અમે સંગાથે જતા હતા. ઇલાબેનની વિદાય અઢી વર્ષ પૂર્વે થઇ હતી.

 

ડો. પ્રવીણ સેદાણીનો સંપર્ક

- રાજકોટ -

મો. ૮૮૪૯૭ ૦૫૫૩૪

- અમેરિકા -

મો. ૫૬૨૮૩ ૩૦૬૭૭

ઇ-મેઇલ :

dr_sedani@yahoo.com

(4:03 pm IST)