Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

રાજકોટના બજારોમાં છેલ્લી ઘડીની ધૂમ ખરીદી :ગ્રાહકોની જબરી ભીડ

ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી અને પરા બજાર સહિતના બજારોમાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું

 રાજકોટમાં દિવાળીનો પર્વ મનાવવાનો ઉત્સાહ વધ્યો છે,છેલ્લા બે વર્ષથી કોરોનાકાળના લીધે દિવાળીનો પર્વ ધામધૂમથી લોકો ઉજવી શક્યા ન હતા. ત્યારે આ વર્ષે રાજકોટવાસીઓ દિવાળીની ઉજવણીમાં કોઇ કચાસ રાખવા માગતા નથી. જેથી રાજકોટના બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા પણ લોકોની ભીડ ઉમટી રહી છે.

રાજકોટમાં પણ દિવાળીના તહેવારને લઇ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. બજારોમાં તહેવારોની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસી ઉમટી પડ્યાં છે. શહેરના ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી અને પરા બજાર સહિતના બજારોમાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બજારમાં પગ મુકી એવી પણ જગ્યા બચી નથી. ત્યારે ખરીદી કરવા આવેલા લોકો પણ ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.

કોરોનાના બે વર્ષ બાદ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. બે વર્ષ બાદ બજારમાં તેજી આવતા વેપારીઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. એટલું જ નહીં કોરોના બાદ કેટલીક વસ્તુના ભાવમાં પણ વધારો થયો છે. ભાવ વધારો થયો હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યાં છે. જેને લઇ વેપારીઓને પણ સારો વેપાર થવાની આશા છે.

(12:06 pm IST)