Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ભંગાર-પસ્તીની ફેરી કરવા નીકળેલી હંસાડોસી ખુલ્લા ઘરમાં ઘુસી દાગીના ચોરી કરી ગઇ'તી

પ્ર.નગર પોલીસે રેસકોર્ષ રીંગ રોડ પર શ્રેયશ સોસાયટીમાં થયેલી ઘરફોડીનો ભેદ ઉકેલ્યોઃ પીએસઆઇ કે. ડી. પટેલ અને ટીમની કાર્યવાહીઃ કોન્સ. અક્ષય ડાંગર તથા મહાવીરસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૨૫: રેસકોર્સ રિંગરોડ પર શ્રેયસ સોસાયટીમાં રહેતા લત્તાબેન ભરતભાઈ ત્રિવેદી નામના વૃદ્ધાના ઘરમાં ઘુસી કોઇ અજાણી વ્યકિત સોનાનો પેન્ડન્ટ  સહિતનો ચેઇન અને પેન્ડન્ટ સાથેનું મંગલસુત્ર મળી રૂ. ૬૦૦૦૦ના સોનાના દાગીના ચોરી ગયું હતું. આ ચોરીનો ભેદ પ્ર.નગર પોલીસે કોન્સ. અક્ષયભાઇ ડાંગર તથા કોન્સ મહાવીરસિંહ જાડેજાની બાતમી પરથી ઉકેલી હંસા ચુનીભાઇ મનજીભાઇ સોલંકી (ઉ.વ.-૬૦, રહે. મનહરપરા મફતીયા પરા માધાપર ચોકડી) નામની ડોસીને પકડી મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આજુબાજુના સી.સી.ટી.વી ફુટેજ જોઇ શંકાસ્પદ ફુટેજ મેળવી હ્યુમન સોર્સીસના આધારે નામ સરનામુ મેળવી આરોપીને શોધી કાઢી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી.કે. દિયોરાની રાહબરીમાં પ્ર.નગરના ઇન્ચાર્જ પીઆઇ કે. પીએસઆઇ કે.ડી.પટેલ, એસ.આર. જોગરાણા, હેડકોન્સ દેવશીભાઈ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, વીમલેશભાઈ રાજપુત, કોન્સ.ફુલદીપસિંહ રાણા, અક્ષયભાઈ ડાંગર, મહાવીરસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ તથા હીરેનભાઈ ચાવડાએ આ કામગીરી કરી હતી. આરોપી હંસા ભંગાર પસ્તીની ફેરી કરવા રેંકડી લઇને નીકળી હતી. એ વખતે ખુલ્લુ ઘર ભાળી અંદર ઘુસી ગઇ હતી અને દાગીના ચોરી ગઇ હતી. બીજા કોઇ ગુના આચર્યા છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.

(2:55 pm IST)