Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

બરસો...રે... બરસો... મેઘા... બરસો...

ર૦ર૦માં રપ ઓગસ્ટ સુધીમાં ૩૮ ઇંચ વરસાદ હતો જયારે ચાલુ ર૦ર૧માં આજ સુધીમાં ર૪ ઇંચ જ છે : ૧૪ ઇંચની ઘટ

ર૦૧૬ અને ર૦૧૮માં પણ ઓગસ્ટ સુધીમાં ૧૭ થી રર ઇંચ વરસાદ હતો : વરસાદ ખેંચાતા : લોકોના જીવન અધ્ધર : હવે 'હાથિયો' મનમુકીને વરસે તેવી પ્રાર્થના

રાજકોટ, તા., ૨૫: ચાલુ ઓગષ્ટ મહીના સુધીમાં જોઇએ તેટલો વરસાદ નહી આવતા સૌ કોઇના જીવ અધ્ધર થઇ ગયા છે  કેમ કે છેલ્લા પાંચ વર્ષની સરખામણી કરતા ગત વર્ષે ર૦ર૦થી આ વર્ષે ૨૦૨૧ ના રપ ઓગષ્ટ (આજના દિવસે) સુધીમાં ૧૪ ઇંચ વરસાદની ઘટ પડી છે.

આ અંગે મનપાના વરસાદ અંગેના કંટ્રોલ રૂમના રેકર્ડમાં નોંધાયેલ વરસાદના આંકડા મુજબ રપ ઓગષ્ટ ૨૦૧૬ માં ૧૭.૮૩ ઇંચ, રપ ઓગષ્ટ ર૦૧૭માં ૪૮.પ ઇંચ (આજી ઓવરફલો થયેલ) અને રપ ઓગષ્ટ ર૦૧૮માં રર.૨૯ ઇંચ તથા રપ ઓગષ્ટ ર૦૧૯ના ૪૦ ઇંચ (ન્યારી ડેમ ઓવરફલો થયેલ) અને રપ ઓગષ્ટ ર૦ર૦ના ૩૮.પ૪ ઇંચ વરસાદ થયેલ. જયારે ચાલુ ર૦ર૧ની આજે રપ ઓગષ્ટ સુધીમાં ર૩.૯પ ઇંચ વરસાદ થયો છે.

આમ ગત વર્ષ કરતા આ વર્ષ રપ ઓગષ્ટ સુધીના કુલ વરસાદની સરખામણી કરીએ તો ૧૪ ઇંચ જેટલા વરસાદની ઘટ ગત વર્ષ કરતા છે.

જો કે એ નોંધનીય છે કે અગાઉ ર૦૧૬માં પણ રપ ઓગષ્ટ સુધીમાં માત્ર ૧૭.૮૩ ઇંચ વરસાદ હતો. અને ર૦૧૮માં પણ રપ ઓગષ્ટ સુધીમાં રર.ર૯ ઇંચ વરસાદ હતો.  અને આ વરસે પણ અત્યાર સુધીમાં ર૩ ઇંચ વરસાદ છે.

જો કે હજુ ચોમાસુ છે. વરસાદની આગાહી પણ છે. અને લોકવાયકા મુજબ 'હાથીયો' નક્ષત્ર બેસે ત્યારે પણ વરસાદની સંભાવના ખુબ વધારે હોય છે. આથી સૌ કોઇ મેઘરાજાને વરસવા માટે પ્રાર્થના કરી રહયા છે. 

(3:45 pm IST)