Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

પોલીસે મૃતદેહનું પંચનામુ કરી લીધું એ પછી તબિબને શંકા જતાં રિપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યો

ઇન્કવેસ્ટ ભરવા ગયેલા હેડકોન્સ્ટેબલ સદ્દનસિબે મૃતદેહને અડ્યા નહોતાં, પણ એકદમ નજીક જઇ તપાસ કરી હતીઃ શંકાસ્પદ મૃત્યુમાં પોલીસને જોખમમાં ધકેલી દેવાની નીતિ સામે કચવાટ

રાજકોટ તા. ૨૫: શહેરના નવા થોરાળા વિસ્તારના એક આધેડ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને મૃત જાહેર કરાયા હતાં. આ બનાવને એમએલસી કેસ જાહેર કરી તબિબે પોલીસ ચોકીમાં જાણ કરતાં થોરાળા પોલીસનો સ્ટાફ ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કાર્યવાહી માટે આવ્યો હતો. આ કાર્યવાહી થઇ ગયા બાદ તબિબને શંકા જતાં મૃતકનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતાં તે પોઝિટિવ આવતાં મૃતદેહને સ્ટ્રેચરમાંથી ઉઠાવી પોસ્ટ મોર્ટમ રૂમના ઓટા પર મુકનારા સ્વજનો તથા મૃતદેહની સાવ નજીક જઇ પંચનામાની કાર્યવાહી કરનાર પોલીસ કર્મચારીઓ ફફડી ગયા હતાં.

થોરાળા અવધ પાર્ક-૨માં રહેતાં કાંતિભાઇ ખેંગારભાઇ પરમાર (ઉ.વ.૪૪) બે દિવસથી બિમાર હોઇ થોરાળામાં સ્થાનિક ડોકટરને ત્યાંથી દવા લીધી હતી. એ પછી રિપોર્ટ કરાવવા માટે ઘરેથી કાંતિભાઇને લઇને પંચનાથ લેબોરેટરીએ લઇ જવામાં આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં જ બેભાન થઇ જતાં સીધા સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. અહિ તબિબે તપાસી મૃત જાહેર કર્યા હતાં અને સ્વજનોએ પોસ્ટમોર્ટમ કરાવવાની વાત કરતાં પોલીસને જાણ કરાઇ હતી.

થોરાળા પોલીસ મથકના હેડકોન્સ. જયંતિભાઇ ગોવાણી અને ધર્મેશભાઇ કાર્યવાહી માટે પોસ્ટ મોર્ટમ રૂમે પહોંચ્યા હતાં. જયંતિભાઇએ મૃતદેહની સાવ નજીક જઇ તેમના સગાની મદદથી મૃતદેહને ચકાસ્યો હતો અને જરૂરી નોંધ કરી કાગળો તૈયાર કરી પોસ્ટ મોર્ટમ માટે ડોકટરને આપ્યા હતાં. પરંતુ એ પછી મૃતકને કોરોના હોવાની શંકા ઉપજતાં તબિબે તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ જાહેર થયો હતો.  આ કારણે મૃતકના સંપર્કમાં આવેલા તમામ લોકો ફફડી ગયા હતાં. પોલીસ કર્મચારીઓમાં એવો કચવાટ ઉભો થયો હતો કે મૃતકને કોરોના હોવાની શંકા હોય તો શા માટે તબિબે પહેલા પોલીસને જાણ ન કરી? સદ્દનસિબે પોલીસ કર્મચારીઓ મૃતદેહને સ્પર્શ કર્યો નહોતો.  મૃતકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ફાયર બ્રિગેડ ટીમને અંતિમવિધી માટે સોંપવા તજવીજ થઇ હતી. તેઓ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:10 pm IST)