Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

જેલમાં મોબાઇલઃ વધુ એક કેદી સાવન ઉર્ફ લાલીની ધરપકડઃ હત્યાના ગુનાનો કેદીઃ બે દિ'ના રિમાન્ડ

જેલના સ્ટાફે આ કેદીને બરમુડામાં મોબાઇલ છુપાવી ફરતો પકડી લીધો હતો : ફોન કયાંથી આવ્યો? તે અંગે કાચા કામનો કેદી પાક્કી વાત કરતો નથી

રાજકોટ તા. ૨૫: સેન્ટ્રલ જેલમાંથી મોબાઇલ ફોન મળવાના બનાવોનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રચેલી સીટની ટીમે અગાઉ એક ગુનાનો ભેદ ઉકેલી ત્રણ કેદીઓની ધરપકડ કરી હતી. હવે બીજા ગુનામાં વધુ એક કેદી સાવન ઉર્ફ લાલી સંજયભાઇ વાઘેલા (રહે. રાજકોટ, જામનગર રોડ)નો જેલમાંથી કબ્જો મેળવી કોર્ટમાં રજુ કરતાં બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

જેલમાં તા. ૪/૬/૨૦ના રોજ સ્થાનિક જડતી સ્કવોડની તપાસમાં સાવન ઉર્ફ લાલી પોતે પહેરેલા બરમુડાના ખિસ્સામાં મોબાઇલ ફોન લઇને ફરતો ઝડપાઇ ગયો હતો. આ ગુનામાં સીટની ટીમે આઇએમઇઆઇ નંબર ઉપરથી સીડીઆર મેળવી તપાસ કરી સાવન ઉર્ફ લાલીની ધરપકડ કરી છે. આ શખ્સે વર્ષ ૨૦૧૫માં જંકશન પ્લોટ વિસ્તારના નિર્દોષ લોહાણા યુવાનની હત્યા કરી હતી.  આ શખ્સે જામીન પર છુટવા તથા પરિવારના સભ્યોના હાલમાં કોરોના અંતર્ગત ખબર અંતર પુછવા ફોનથી વાત કર્યાનું કબુલ્યું છે. જો કે ફોન જેલમાં કયાંથી આવ્યો? તે અંગે કાચા કામના આ કેદીએ કોઇ પાક્કી વાત કરવાને બદલે ગોળગોળ વાતો કરી છે.

બે દિવસના રિમાન્ડ મંજુર થતાં પોલીસ કમિશન મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં એસીપી પી. કે. દિયોરાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા વિશેષ તપાસ કરે છે.

(4:10 pm IST)