Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

૪ ઓગષ્ટે 'ખાસ' કારોબારી : બીજા દિવસે અધ્યક્ષના કેસની 'ઓનલાઇન' સુનાવણી

કે.પી. પાદરિયા ૧૯-૯-ર૦૧૮ થી ર૬-૧૧-ર૦૧૮ સુધી જેલમાં રહ્યાનું પ્રકરણ ધગ્યુ

રાજકોટ, તા. રપ : જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ કિશોર પી. પાદરિયાએ ૪ ઓગષ્ટે ખાસ કારોબારી બેઠક બોલાવવા માટે નોંધ મુકી છે. વહીવટી તંત્ર દ્વારા તે મુજબ એજન્ડા બહાર પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કારોબારી બેઠકમાં તડાફડીની શકયતા નકારાતી નથી. કારોબારીના બીજા જ દિવસે પાદરિયા સામેના કેસની વિકાસ કમિશનર સમક્ષ ઓનલાઇન (ગુગલ મીટ) સુનાવણી થનાર છે. જિલ્લા પંચાયતમાં કોઇ પદાધિકારીને લગતા પ્રકરણની ઓનલાઇન સુનાવણી થાય તેવું પ્રથમ વખત બનશે વિકાસ કમિશનરે તેમને હોદા પરથી હટાવવા માટે નોટીસ આપી છે. તા. ૩૦ સુધીમાં લેખિત રજુઆત કરવાની છે. મૌખિક સુનાવણી માટે પ ઓગષ્ટ બપોરે ૧ર.૩૦ વાગ્યાનો સમય નકકી થયો છે. કારોબારી અધ્યક્ષ અને તેમના અધિકૃત પ્રતિનિધિ જિલ્લા પંચાયત ખાતેથી આધુનિક ટેકનોલોજીની મદદથી વિકાસ કમિશનર સમક્ષ પોતાની રજુઆત કરી શકશે. સુનાવણી બાદ કોઇપણ દિવસે વિકાસ કમિશનર પોતાના ચુકાદો જાહેર કરી શકે છે.

પંચાયતના વર્તુળના જણાવ્યા મુજબ તા. ૧૯-૦૯-ર૦૧૮ના દિવસે લાંચ લેવાના આરોપમાં એ.સી.બી. પોલીસે તેમની ધરપકડ કરેલ. તા. ૧૦-૧૧-ર૦૧૮ના પોલીસે ચાર્જશીટ રજુ કરેલ. તા. ર૬-૧૧-ર૦૧૮ના રોજ તેમના જામીન મંજુર થયેલ. તેઓ ૬૮ જેટલા દિવસો જેલમાં રહેલ. સમગ્ર પ્રકરણનો અહેવાલ જિલ્લા પંચાયત તંત્રએ વિકાસ કમિશનરને મોકલ્યો હતો. ગંભીર આરોપને ધ્યાને રાખીને વિકાસ કમિશનરે તેમને અધ્યક્ષ પદ પરથી શા માટે ન હટાવવા ? તે અંગે નોટીસ આપી છે. તાજેતરમાં જ કોરોનાના મૃત્યુ આંકના મુદ્દે પાદરિયા અને જિલ્લા ભાજપના સુકાનીઓ વચ્ચે પણ નિવેદન યુદ્ધ થયું હતું.

જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય ચૂંટણી પછી પ્રથમ અઢી વર્ષ અર્જુન ખાટરિયા કારોબારી અધ્યક્ષ પદે રહેલ. ત્યારપછી રેખાબેન પટોળિયા અધ્યક્ષ પદે આવેલ. તેમની સામે બળવો થતા પાદરિયા  અધ્યક્ષ બન્યા હતા. હવે પંચાયતની સામાન્ય ચૂંટણી નજીક જ છે ત્યારે તેમના અધ્યક્ષ પદ પર પણ લટકતી તલવાર છે. જિલ્લા પંચાયતમાં પાદરિયાને લગતા વિવાદ બાબતે જુદી જુદી ચર્ચા થઇ રહી છે.

(4:11 pm IST)