Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

કોરોનાના દર્દીઓ માટે મંગળવારથી હોમ આઇસોલેશનની સુવિધા

માઇલ્ડ કોરોનાં દર્દીને હોમ આઇસોલેશનમાં રાખી ઘરેથી જ સારવારની સુવિધાઃ શહેરમાં લીફટનો ઉપયોગ સરકારનાં નિયમ મુજબ જ કરવા અનુરોધઃ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કોરોનાંની ગંભીર સ્થિતિ કાબુમાં લેવા અનેકવિધ પગલાઓ લેવાનાં શરૂ

રાજકોટ તા. રપ :.. શહેરમાં હવે કોરોનાનાં દર્દીઓ વધવા લાગ્યા છે ત્યારે માત્ર અત્યંત ગંભીર હાલતવાળા દર્દીઓને જ હોસ્પીટલે સારવાર આપવા અને માઇલ્ડ કોરોનાં દર્દીઓ એટલે કે માત્ર થોડા લક્ષણો ધરાવતાં દર્દીઓને આવતા મંગળવારથી 'હોમ આઇસોલેશન' એટલે કે ઘરે રહીને સારવારની સુવિધા શરૂ થનાર છે.

આ અંગે મ.ન.પા.નાં કમિશનર ઉદિત અગ્રવાલે આપેલા નિર્દેશ મુજબ હાલમાં કોરોનાનાં જે દર્દીઓ નોંધાયેલ છે તેમાંથી મોટા ભાગનાં દર્દીઓ માઇલ્ડ કોરોનાં વાળા એટલે કે સામાન્ય લક્ષણો ધરાવનારા હોય છે. ત્યારે તેઓને ઘરેથી જ સારવાર મળી રહે તેવી હોમ આઇસોલેશનની સુવિધા રાજય સરકારનાં ધારા - ધોરણ મુજબ ઘરે રહીને જ સારવાર અપાશે.

આવા કિસ્સામાં દર્દીનાં ઘર ઉપર હોમ આઇસોલેશનનું સ્ટીકર મારી દેવાશે. અને દર્દી પોતે ઇચ્છે તે ડોકટર કે હોસ્પીટલ પાસેથી પોતાની સારવાર કરાવી શકે તેવી સુવિધા અપાશે.

આમ હવે મુંબઇ, અમદાવાદ જેવા શહેરો બાદ હવે રાજકોટમાં પણ કોરોનાના માઇલ્ડ દર્દીઓને હોમ આઇસોલેશનની સુવિધા મળશે.

લીફટનો ઉપયોગ અંગે એસ. ઓ. પી. ને અનુસરવા અપીલ

રાજકોટ શહેરમાં લીફટના ઉપયોગ અંગે હાલ સોશિયલ મીડિયામાં વહેતા થયેલા અહેવાલ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે, મ્યુનિ. કમિશનરશ્રીએ માત્ર એટલું કહયું છે કે, લીફટનો ઉપયોગ અંગે સરકારશ્રીની માર્ગદર્શિકા  (એસઓપી - સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર) ને સૌ નાગરીકોએ અનુસરવું  જોઇએ. માટે સૌને નિયમોનું પાલન કરવા જાહેર અપીલ  છે. 

એન્ટીજન કીટ આવી ગયા બાદ મંદિરો-મસ્જીદોની ભીડમાં કોરોનાં ટેસ્ટ

અમદાવાદની જેમ રાજકોટમાં પણ ટેસ્ટ શરૂ કરવા વિચારણા

રાજકોટ : હાલમાં કોરોનાં સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે પોઝીટીવ લોકોને શોધવા અમદાવાદમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા મંદિરો અને મસ્જીદોમાં જયાં ભીડ હોય ત્યાં કોરોના ટેસ્ટીંગ શરૂ થયુ છે. આજ પ્રકારે રાજકોટમાં પણ આગામી દિવસોમાં ભીડવાળા મંદિરો અને મસ્જીદોમાં કોરોનાં ટેસ્ટ શરૂ કરવા તંત્રની વિચારણા છે.

જો કે આ માટે એન્ટીજન કીટ જોઇએ આ એન્ટીજન કીટ આવી ગયા બાદ આ પ્રકારે કોરોનાં ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઇ શકે તેવો નિર્દેશ મ્યુ. કમિશનરશ્રીએ આપ્યો હતો.

(4:08 pm IST)