Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

ઠેબચડામાં જમીનના વિવાદમાં લખધીરસિંહ જાડેજાની હત્યાના ગુનામાં ફરાર ત્રણ શખ્સો ઝડપાયા

અગાઉ ૧૬ શખ્સો પકડાયા'તા : ક્રાઇમ બ્રાંચના એએસઆઇ બળભદ્રસિંહ, હેડ કોન્સ. મહીપાલસિંહ અને ચેતનસિંહની બાતમી : પોપટ વાઢેર, કેશુ વાઢેર, ચના વાઢેરની ધરપકડ

રાજકોટ, તા. રપ : ભાવનગર રોડ ઠેબચડા ગામ ખાતે આવેલી જમીનના વિવાદમાં દરબાર પ્રૌઢની થયેલી હત્યામાં આજી ડેમ પોલીસે ૧૬ શખ્સોને ઝડપી લીધા હતાં. આ પ્રકરણમાં છેલ્લા છ માસથી ફરાર વધુ ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતાં.

મળતી વિગત મુજબ ભાવનગર રોડ પર આવેલા આજીડેમ પોલીસ મથક હેઠળના ઠેબચડા ગામમાં ખીજડાવાળી તરીકે ઓળખાતી જમીન પર જમીન માલિક ક્ષત્રિય કુટુંના ભાઇઓ આટો મારવા ગયા ત્યારે વર્ષોથી આ જમીન મામલે વિવાદ ઉભો કરનારા ગામના જ કોળી કુટુંબના ર૦ જેટલા લોકોએ પૂર્વયોજીત કાવત્રાના ભાગરૂપે મંડળી રચી તલવાર, ધારીયા, પાવડા, કોદાળી, દાંતરડા, કુહાડી જેવા હથીયારોથી ત્રણ ભાઇઓ પર હુમલો કરી દેતા ત્રણેયને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં પ૭ વર્ષના લખધીરસિંહ નવુભા જાડેજાની હત્યા થઇ હતી. આ બનાવની ક્રઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવતા અગાઉ ૧૬ આરોપીની ધરપકડ કરી હતી અને ચારની શોધખોળ આદરી હતી.

દરમ્યાન શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ એએસઆઇ બળભદ્રસિંહ જાડેજા, હેડ કોન્સ. મહિપાલસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ જાડેજા અને પ્રતાપસિંહ મોયા સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે એએસઆઇ બળભદ્રસિંહ, મહિપાલસિંહ અને ચેતનસિંહને મળેલી બાતમીના આધારે ઠેબચડામાં થયેલી ક્ષત્રિય યુવાનની હત્યાના ગુનામાં છ માસથી ફરાર ઠેબચડા ગામના પોપટ વશરામભાઇ વાઢેર (ઉ.વ.૬૩), કેશુ વશરામભાઇ વાઢેર (ઉ.વ.૪૯) અને ચના વશરામભાઇ વાઢેર (ઉ.વ.૬૦)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:06 pm IST)