Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

પોલીસ કર્મચારીઓને 'કોવિડ બ્રેવહાર્ટ ઓફ રાજકોટ' અને 'ફિટનેસ ચેલેન્જ'નો એવોર્ડ એનાયત કરતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

અનલોકમાં સારી કામગીરી અને ફિટનેસ ચેલેન્જમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ૧૯ને સન્માનિત કરવામાં આવ્યા

રાજકોટઃ કોરોના વાયરસની મહામારીમાં અનલોક દરમિયાન સરકારની માર્ગદર્શિકાનું પાલન કરાવવા જાહેરનામા ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમજ ફિટનેસ ચેલેન્જ ગ્રુપમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા શહેર પોલીસમાં ફરજ બજાવતાં ૧૨ પોલીસ કર્મચારીઓનું આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 'કોવિડ બ્રેવહાર્ટસ ઓફ રાજકોટ'નો એવોર્ડ એનાયત કરી તેમજ પ્રશંસાપત્ર પાઠવી સન્માન કર્યુ છે. આ તમામે અનલોક દરમિયાન જીવના જોખમે ફરજ બજાવી શહેરમાં સુરક્ષા, સાવચેતી અને શિસ્ત જળવાઇ રહે તેવી કામગીરી કરી હોઇ તે બદલ આ સન્માન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જેમણે કોરોના મહામારીના સમયમાં નિષ્ઠા અને ખંતથી ફરજ બજાવી હોઇ તેવા પોલીસ કર્મચારીઓનું સન્માન કરવાનો વિચાર કર્યો હતો અને અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી આ માટેનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ એવોર્ડ-સન્માનપત્ર અપાયા હતાં. સાથોસાથ હેડકવાર્ટર ખાતે હાલમાં પીટી પરેડનું આયોજન થઇ શકતું ન હોઇ શ્રી અગ્રવાલે દરેક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ પીટી પરેડથી દૂર રહીને પણ ફિટનેસ પ્રત્યે સજાગ રહે તે માટે 'એકસરસાઇઝ ફ્રોમ હોમ'નો અભિગમ અપનાવ્યો હતો. જેમાં જે તે અધિકારી કર્મચારીઓને પોતે કસરત કરતાં હોય તેનો વિડીયો બનાવી પોલીસ કમિશનરશ્રીના નેજા હેઠળના ફિટનેસ ચેલેન્જ ગ્રુપમાં મુકવાનો હતો. પોલીસ કમિશનરે પોતે આ વિડીયો નિહાળતા હતાં અને ફિટનેસમાં કોણ શ્રેષ્ઠ છે તે નક્કી કરતાં હતાં. આવા સાત કર્મચારીઓને શ્રેષ્ઠ ફિટનેસ બદલ ફિટનેસ ચેલેન્જ સન્માન પત્ર પાઠવવામાં આવ્યું છે.  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, પીઆઇ વી. કે. ગઢવી સહિતના અધિકારીઓએ એવોડ-સન્માનપત્ર એનાયત કર્યા હતાં. જે તસ્વીરોમાં જોઇ શકાય છે.

 

અનલોકમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનીત

જેનું સન્માન કરવામાં આવ્યું છે તેમાં એ-ડિવીઝનના એએસઆઇ ધર્મેશભાઇ ભરતભાઇ ખેર, બી-ડિવીઝનના એએસઆઇ વિરમભાઇ જસાભાઇ ધગલ, કુવાડવા રોડના લોકરક્ષક રઘુવીરભાઇ અજીતદાન ઇશરાણી, ભકિતનગરના હેડકોન્સ. રણજીતસિંહ ગણેશભાઇ પઢારીયા, આજીડેમના હેડકોન્સ. ઇન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા, થોરાળાના હેડકોન્સ. ભુપતભાઇ રામજીભાઇ વાસાણી, પ્ર.નગરના હેડકોન્સ. દેવશીભાઇ કાનાભાઇ ખાંભલા, ગાંધીગ્રામના ખોડુભા વખતસિંહ જાડેજા, ગાંધીગ્રામ-૨ના પીએસઆઇ ભાવેશભાઇ જી. ડાંગર, માલવીયાનગરના હેડકોન્સ. સૂર્યકાંતભાઇ ભગુભાઇ પરમાર, તાલુકાના એએસઆઇ ઋષીરાજસિંહ ભગવતસિંહ જાડેજા અને મહિલા પોલીસ મથકના એએસઆઇ વિજયભાઇ રઘુભાઇ સોલંકીનો સમાવેશ થાય છે.

ફિટનેસ ચેલેન્જમાં શ્રેષ્ઠતા બદલ સન્માનીત

ફિટનેસ ચેલેન્જમાં જે શ્રેષ્ઠતા સાબિત કરી શકયા છે અને જેનું સન્માન થયું છે તેમાં મહિલા પોલીસ સ્ટેશનના કોન્સ. બંસીબેન રમેશભાઇ, આજીડેમના પીએસઆઇ એમ. એમ. ઝાલા, સાયબર સેલના હેડકોન્સ. સંજયભાઇ જયંતિલાલ, ગાંધીગ્રામના લોકરક્ષક અર્જુનભાઇ ધીરૂભાઇ, તાલુકાના કોન્સ. રસુલભાઇ સિદ્દીકભાઇ, ગાંધીગ્રામના કોન્સ. લખનભાઇ રાજાભાઇ અને બી-ડિવીઝનના હેડકોન્સ. ધર્મરાજસિંહ હેતુભાનો સમાવેશ થાય છે.

(4:02 pm IST)