Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

ઇંગ્લીશ દારૂની હેરફેર કરવાના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી રદ

રાજકોટ તા. રપઃ રાજકોટમાં દારૂની હેરફેર કરવા વાહનની વ્યવસ્થા કરી ટ્રાન્સપોર્ટ મારફત આવેલ દારૂના કેરબાઓ છોડાવીને ઇંગ્લીશ દારૂ મંગાવવા અંગેના પ્રોહિબીશનના ગુનામાં અહીંના રામનાથપરા શેરી નં. ૧૮ માં રહેતા ડ્રાઇવીંગના ધંધાર્થી સીરાજ યુસુફભાઇ મુલીયાએ સંભવિત ધરપકડ સામે આગલોતરા જામીન મેળવવા કરેલ અરજીને ન્યાયમૂર્તિશ્રી પી. એમ. ત્રિવેદીએ રદ કરી હતી.

આ બનાવમાં અન્ય આરોપીઓ અનિલ તથા રીન્કુભાઇએ દિલ્હી ખાતેથી દુર્ગા કેમીકલનાં ઇંગ્લીશ દારૂની બોટલો ભરેલા કેરબાઓ રાજકોટથી મોકલી દારૂની હેરફેર કરતાં અને તે માટે વાહનની વ્યવસ્થા કરી આપી ટ્રાન્સપોર્ટમાંથી કેરબાઓ છોડાવીને ગુનો કરતાં પ્રોહીબીશન એકટ અન્વયે ગુનો નોંધાયો હતો.

આ ગુનામાં આરોપીએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા અરજી કરતાં સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ રજુઆત કરેલ કે, હાલનો આરોપી બનાવ બાદ નાસતો ફરે છે. ગુનાનું ચાર્જશીટ થઇ ગયેલ છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, આરોપીની કસ્ટડી બાકી હોય આગોતરા જામીન આપી શકાય નહિં.

ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને અદાલતે આરોપીની આગોતરા જામીન અરજીને રદ કરી હતી. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી બિનલબેન રવેશીયા રોકાયા હતાં.

(3:58 pm IST)