Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

શહેરના ફિઝીશયનોની હોસ્પિટલોમાં પણ ૨૦૦ બેડ મળી રહે તેવી તંત્રને આશા : સોમવારે રિપોર્ટ બાદ નિર્ણય

રાજકોટ જિલ્લા મેળા યોજતી તમામ સંસ્થા - રાજકીય આગેવાનો સાથે દરેક પ્રાંત અધિકારીએ મીટીંગ યોજી તાકીદ કરી : સમરસ હોસ્ટેલમાં ઇયળ નિકળી પડતા રાત્રે જ પ્રાંત અધિકારી દોડી ગયા : ત્રણ મહિનામાં પહેલી વખત ઘટના બની છે : સમરસ હોસ્ટેલના રસોઇ સંચાલકને કડક ચેકીંગ કરવા - શાકભાજી સ્વચ્છ રાખવા સૂચના : સ્ટાફ પણ વધારી દેતુ તંત્ર

રાજકોટ તા. ૨૫ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને ગઇકાલે સાંજે શહેરના ફીઝીશયનો સાથે મીટીંગ યોજી તેમની બેડ ધરાવતી હોસ્પિટલો અંગે વિગતો જાણી હતી.

આ અંગે વિગતો આપતા એડીશનલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, શહેરમાં ૨૫૦ જેટલા ફીઝીશયનો છે, અને તેમાંથી કેટલા બેડ ધરાવતી હોસ્પિટલો ધરાવે છે, તેની વિગતો સાથેનો રિપોર્ટ સોમવારે તંત્રને મળી જશે.

તેમણે જણાવ્યું હતું કે, સંભવતઃ આપણને ૨૦૦ જેટલા બેડ તો મળી જશે કે જેમાં કોરોના દર્દી માટે એન્ટ્રી - એકઝીટ પોઇન્ટ અલગ-અલગ જ હોય.

તેમણે જણાવ્યું હતું કે, સોમવારે ફીઝીશયનોનો રીપોર્ટ આવી ગયા બાદ જરૂર પડયે આ નાની ૧૦ થી ૨૦ બેડ ધરાવતી હોસ્પિટલો પણ ઉપયોગમાં લેવાશે.

મેળા અંગે એડીશનલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ ઉમેર્યું હતું કે, દરેક પ્રાંતને સૂચના આપ્યા બાદ આ તમામ પ્રાંતે પોતાના વિસ્તારમાં - દરેક તાલુકામાં સામાજીક - ધાર્મિક મેળા યોજતી સંસ્થા - રાજકીય આગેવાનો સાથે મીટીંગ યોજી મેળા નહી કરવા અંગે તાકિદ કરી છે, સરકારની ગાઇડ લાઇન અંગે પણ સૂચના અપાઇ છે.

ગણેશ મહોત્સવ અંગે તેમણે જણાવ્યું હતું કે, સરકારની ગાઇડ લાઇન બાદ તેનું જાહેરનામુ જિલ્લા માટે બહાર પડાશે.

સમરસ હોસ્ટેલમાં ગઇકાલે કોરોન્ટાઇન કરાયેલ લોકોને અપાયેલ રસોઇમાં ઇયળ નીકળી પડી અને ભારે દેકારો મચી ગયો તે અંગે એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, છેલ્લા ૩ મહિનાથી આપણે રસોઇ આપીએ છીએ, આવું પહેલી વખત બન્યું છે, રાત્રે જ રૂરલ પ્રાંત શ્રી સરયુ જનકાંત સમરસ હોસ્ટેલ દોડી ગયા હતા અને રસોઇ કરનારા સંચાલકને સ્ટાફ વધારવા, શાકભાજી વિગેરે ચોકસાઇથી ધોવા - સાફ કરવા સૂચના આપી હતી, ત્યાં સ્ટાફ વધારવા પણ સૂચના અપાઇ છે અને બીજી વખત કયારેય આવું ન બને તેની તકેદારી રાખવા પણ આદેશો કરાયા હતા

(3:57 pm IST)