Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

હમીર ઝાલાએ ઘરના સોફામાં ચોરખાના બનાવી સંતાડેલો ૧.૧૯ લાખનો ૮૧ બોટલ દારૂ ઝડપાયો

રૈયા રોડ પર રૈયારાજ સોસાયટી શેરી નં. ૨માં યુનિવર્સિટી પોલીસનો દરોડો : હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા અને અજયભાઇ ભુંડીયાની બાતમીઃ લોકડાઉનમાં ડ્રાઇવીંગના ધંધામાં મંદી આવતાં દારૂ વેંચવાનું ચાલુ કર્યાનું રટણ

રાજકોટઃ રૈયા રોડ પર સેલસ હોસ્પિટલ પાછળ રૈયારાજ સોસાયટી શેરી નં. ૧માં રહેતાં હમીર મારકીભાઇ ઝાલા (આહિર) (ઉ.વ.૩૦) નામના શખ્સના ઘરમાં દારૂનો જથ્થો છુપાવેલો હોવાની ચોક્કસ બાતમી યુનિવર્સિટી ડી. સ્ટાફના હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા તથા અજયભાઇ ભુંડીયાને મળતાં દરોડો પાડવામાં આવતાં ઘરમાં કંઇ મળ્યું નહોતું. પણ દારૂનો જથ્થો આવ્યો જ હોવાની પાક્કી માહિતી હોઇ પોલીસે ખાખાખોળા કરતાં બે મોટા સોફાઓ પાછળ બનાવેલા ચોરખાનાઓમાંથી રેડલેબલ, ટીચર્સ, બ્લેક એન્ડ વ્હાઇટ, બ્લેક ડોગ, વેટ ૬૯, સિગ્નેચર સહિતની બ્રાન્ડનો રૂ. ૧,૧૯,૨૮૦નો ૮૧ બોટલ દારૂ મળતાં તે તથા મોબાઇલ ફોન કબ્જે કરી હમીરની અટકાયત કરી હતી. પુછતાછમાં તેણે એવું રટણ કર્યુ હતું કે પોતે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. પરંતુ લોકડાઉનમાં આ કામ ઠપ્પ થયું હોઇ દારૂ વેંચવાના રવાડે ચડ્યો હતો. રાજસ્થાની સપ્લાયરનો વાયા વાયા સંપર્ક કરી આંગડિયાથી પૈસા મોકલતાં રાજસ્થાની શખ્સ આ દારૂ આપી ગયો હતો. જો કે હમીરનું આ રટણ સાચુ છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. વી. રબારી, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, જયંતિગીરી ગોસ્વામી, મુકેશભાઇ ડાંગર, પુષ્પરાજસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કૃષ્ણદેવસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી. તસ્વીરમાં ઝડપાયેલો શખ્સ અને સોફામાં બનાવેલા ચોરખાના તથા કબ્જે થયેલી બોટલો જોઇ શકાય છે.

(12:55 pm IST)