Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

માધાપર ચોકડીએ ટેન્કર કાળ બન્યું: એકટીવાને ઉલાળતાં પિતાની નજર સામે ૧૭ વર્ષના પુત્રનું મોત

વિનાયક વાટીકામાં રહેતાં રાજેશભાઇ પરમાર (ઉ.વ.૪૭)એ એકટીવામાં બેસાડી પુત્ર દર્શન (ઉ.વ.૧૭) મુકવા માધાપર ચોકડીએ મુકવા આવ્યો'તોઃ એકટીવા ઉભુ રાખતાં જ પાછળથી ટેન્કરની ટક્કર લાગીઃ પ્રજાપતિ પરિવારમાં કલ્પાંત

તસ્વીરમાં ઘટના સ્થળે દર્શન પરમારનો નિષ્પ્રાણ દેહ, તેનું એકટીવા, ટેન્કરના વ્હીલ પાસે લોહીનુ ખાબોચીયુ, ઘટના સ્થળે લોકોના ટોળા અને કાળ બનેલુ ટેન્કર જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૫: માધાપર ચોકડીએ જીવલેણ અકસ્માતમાં પિતાની નજર સામે જ ૧૭ વર્ષના પુત્રનું મોત નિપજ્યું હતું. વિનાયક વાટીકામાં રહેતાં પ્રજાપતિ આધેડને કામે જવું હોઇ તેમને ૧૭ વર્ષનો પુત્ર એકટીવામાં બેસાડી માધાપર ચોકડીએ મુકવા આવ્યો હતો. તેણે એકટીવા ઉભુ રાખ્યું ત્યાં જ પાછળથી ટેન્કરે ટક્કર મારતાં પિતા-પુત્ર બંને ફંગોળાઇ ગયા હતાં અને પુત્રનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પિતાને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્યા મુજબ માધાપર ચોકડીએ ટેન્કર નં. જીજે૦૩એવી-૩૩૩૦ના ચાલકે એકટીવા નં. જીજે૦૩ડીએલ-૯૭૮૭ને ઠોકરે લેતાં બે વ્યકિતને ઇજા થયાની જાણ થતાં ૧૦૮ના નિલેષભાઇ તથા અશ્વિનભાઇ પહોંચ્યા હતાં. પરંતુ તપાસ કરતાં ૧૭ વર્ષના દર્શન રાજેશભાઇ પરમાર (રહે. વિનાયક વાટીકા, જામનગર રોડ)નું ઘટના સ્થળે જ મોત થયાનું માલુમ પડતાં પોલીસને જાણ કરી હતી. જ્યારે દર્શનના પિતા રાજેશભાઇ બચુભાઇ પરમાર (પ્રજાપતિ) (ઉ.વ.૪૭)ને ઇજા પહોંચી હોઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામના હેડકોન્સ. ઘેલુભાઇ શિયાર તથા મહેશભાઇએ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દર્શન બે ભાઇમાં નાનો હતો અને ધોરણ-૧૨ની બીજી વખત પરિક્ષા આપી હતી. તેના પિતા રાજેશભાઇ પરમાર ઇમિટેશનનું કામ કરવા જતાં હોઇ પુત્ર દર્શને તેને માધાપર ચોકડી સુધી એકટીવામાં બેસાડી મુકવા આવ્યો હતો. એકટીવા ઉભુ રાખ્યું ત્યાંજ ટેન્કર કાળ બન્યું હતું.

અકસ્માત સર્જી ટેન્કર મુકીને ચાલક ભાગી ગયો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

(12:54 pm IST)