Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

પૂ. પુનિત મહારાજ : કુલીથી સંત સુધીની જીવનયાત્રા

આર્થિક સ્થિતિ ખરાબ હતી : રેલવે સ્ટેશને મજૂરી કરીને ફૂટપાથ પર સૂઇ જતા : સોમવારે પુનિત મહારાજની પુણ્યતિથિ : મેગેઝિનથી પાર્ટટાઇમ શિક્ષક સુધી નોકરીઓ કરી, શરીર ક્ષણ થયું : રામ નામ જાપથી જીવન પલટાયું : રાધેશ્યામ મહારાજે 'પુનિત' બિરૂદ આપ્યું : 'શું તમે એમ માનો છો કે એક ખુણામાં બેસીને માળા ફેરવવાથી જ ઇશ્વર મળી જશે? શું માત્ર મૂર્તિઓ સાથે રોજ રમત કરવાથી જ ભકિતભાવ પ્રગટશે ? જો કોઇ આમ સમજતું હોય તો તે ભ્રાંતિ છે. એવી ભકિત પણ ભ્રાન્તભકિત છે. તેનું પરિણામ શૂન્યમાં જ આવે ભકતનું હૃદય તેનું સમગ્ર જીવન શુધ્ધ, પવિત્ર, નમ્ર, નીરક્ષીર પરખવાળુ બનવું જોઇએ અને આ સદ્ગુણોનો માનવ સેવા દ્વારા જ વિકાસ થઇ શકે.'

આધ્યાત્મિક તેજથી સભર એવી ભારતીય સંસ્કૃતિ અને તેના જ એક ભાગરૂપ એવા ગુજરાતમાં પણ શુધ્ધ ધર્મની સ્થાપના માટે દિવ્યાત્માઓનું અવતરણ થયું છે. ગુજરાતના આદિ કવિ નરસૈયાએ કૃષ્ણ પ્રેમના ભાવમસ્તી સભર કાવ્યો આપ્યા છે તો વળી જરૂર પડી ત્યારે વેદાંતિ કવિ અખાએ ધર્મશુધ્ધિનું આંદોલન પણ ચલાવ્યું હતું. ભોજા ભગતના ચાબખા પણ આજ સંદર્ભમાં સુપ્રસિધ્ધ છે. 'બહુરત્ના વસુંધરા' જેવી ગુર્જર ભૂમિમાંથી દયાનંદ સરસ્વતી, પ્રકાશાનંદજી જેવા અદભૂત અને અવધૂત રત્નો સાંપડયા છે.

ગુજરાતની એવી જ એક દિવ્ય વિભૂતિ સંતશ્રી પુનિત મહારાજ જેને આજ આબાલ વૃધ્ધ સહુ કોઇ પિછાને છે. જેણે અણિસુધ્ધ રીતે રામનામનો વ્યાપાર માંડયો હતો. એવા મહારાજશ્રીનો પરિચય આપવાનો અહીં પ્રયાસ કર્યો છે. એક એવો સંત આપણને સાંપડયો હતો કે જેણે પોતાના આગવા માર્ગ કે સંપ્રદાય સ્થાપવાની કયારેય ખેવના રાખી નહોતી. તેમણે તો સર્વ ધર્મ અને સંપ્રદાયોના સમન્વયરૂપ કાર્યો જ કર્યા છે. એમનો ઇષ્ટદેવ દરિદ્રનારાયણમાં વસતો હતો. એમણે પ્રથમ જનસેવાને મહત્વ આપ્યું છે અને પછી પ્રભુનું નામ લેવાનું સૂચવ્યું છે. તેમનો જીવન મંત્ર હતો.

સેવાને સ્મરણ જગમાં કરવાના બે કામ

સેવા તો જન સેવા કરવી લેવું રામનું નામ

મહારાજશ્રીના જીવનમાં કોઇ ચમત્કારી ઘટના બની નથી. ચમત્કાર એ સંતનું લક્ષણ નથી. જે શાંતિ અપાવે તે સંત અને આ દ્રષ્ટિએ જોતા લાખો માનવોએ સંત પુનિત મહારાજનું શરણું શોધી તેમની પ્રબોધેલી જીવન રાતિને અનુસરી પૂર્ણ શાંતિ મેળવી છે અને આજે પણ મેળવી રહ્યા છે.

આવો ! એ સંતને નયન ભરીને નિરખી લઇએ અને તેમના જીવન - પરિચયનું અમૃતપાન કરીએ.

મૂળ ધંધુકાના પણ આજીવિકાર્થે જૂનાગઢ વસતા પરમ ભકત વાલમ બ્રાહ્મણ દંપતિ ભાઇશંકરભાઇ અને લલિતાબેનને ત્યાં સંવત ૧૯૬૪ વૈશાખ વદ-બીજ, સને ૧૯૦૮માં ૧૯મી મે એ જન્મેલા બાળકનું નામ બાલકૃષ્ણ હતું. કુટુંબીજનો તેને બાલુ એવા લાડભર્યા નામથી બોલાવતા હતા.

પોતાના ગાઢમિત્રની સલાહથી, પિતા ભાઇશંકરભાઇ કોલંબો કમાવા ગયા પરંતુ ત્યાંની હવા માફક ન આવી. પરિણામે અસાધ્યરોગના ભોગ બન્યા અને શરીરનું તેજ દિવસે દિવસે ઓસરવા માંડયું, કેટલીય દવા કરી, બધી જ કમાણી બિમારીમાં હોમાઇ ગઇ, આખરે હતાશ થઇ ધંધુકા પાછા ફર્યા. બીમારી વધતી જતી હતી. એક દિવસ સુશ્રુષા કરતા વ્હાલસોયા પુત્રને માથે હાથ ફેરવતા પ્રેમાળ પિતાએ ભાંગતા અવાજે બોલવા માંડયું. -'દીકરા ! આ મારી છેલ્લી શિખામણ સાંભળી લે. બેટા ! તારી નિરાધાર માંને એક માત્ર તારોજ આધાર છે. કોઇ દિવસ એનું દિલ દુભાવતો નહિ. માતા એ તો પ્રથમ પ્રત્યક્ષ - જીવંત ઇશ્વર છે, એની સેવામાં જ તારૃં શ્રેય છે.'

આટલા શબ્દો કહેતાની સાથે, પલંગ સામેની ભીત પરની શ્રીકૃષ્ણની તસ્વીર સામે મીટ માંડી થોડી ક્ષણોમાં જ નટખટ નંદકિશોરને નયન વાટે હૃદયમાં ઉતારી મહાપ્રર્યુણ આદર્યો. છ વર્ષનો બાલુ તો એમ માનતો હતો કે પિતાજી બોલતા બોલતા થાકી ગયા હોવાથી સુઇ ગયા છે. પણ માતાની હૃદય ભેદક ચીસે નાના બાળકને પળભરમાં મૃત્યુનું સ્વરૂપ સમજાવી દીધું. મા દિકરાની ઓથ મહાકાળે ઝુંટવી લીધી.

પણ પોતાના તેજસ્વી પુત્રને જોતાં જ લલિતામાનું અર્ધુ દુઃખ હળવું થઇ જતું હિન્દુધર્મમાં વિધવા સ્ત્રી માટે પ્રભુસ્મરણ અને ભકિતપરાયણ જીવન એ જ માત્ર એક આદર્શ છે. મા કથામાં જતી, સાથે આંગળી પકડી 'મા, તું જરાય ચિંતા કરીશ નહિ' એવા ભાવ દર્શાવતો બાલુ પણ તેને સથવારો આપતો. નાનકડો બાલુને બીજુ કાંઇ તો ન સમજાતું પણ કથાકાર જ્યારે ભગવાન શ્રી રામચંદ્રની સ્તુતિ કરતા કરતા 'સીયાવર રામચંદ્રની જય, પવનસુત હનુમાનની જય, બોલોભાઇ સબ સંતન કી જય' બોલાવતા ત્યારે બાલુ નાચી ઉઠતો. તેણે તો આ પંકિતઓ મોઢે જ કરી લીધી. આખો દિવસ હોય તેમ તેનું રટણ ચાલ્યા કરતું કથામાં કરતાલ સાથે જય બોલતા કથાકારને જોઇ, ઘરના છાપરા પરથી બે નળીયા ઉતારી, ખુબ ઘસી એકદમ લીસા અને સપાટ બનાવી બાલૂએ તાલમાં વગાડતા વગાડતા 'સીયાવર રામચંદ્ર કી જય' પુરા જોશથી શરૂ કરી દીધી. નિશાળે જઇ ભણવું અને નવરાશ મળતા સાથીદારોને એકઠા કરી 'સપાટ નળીયાની કરતાલ સાથે' સીયાવર ધુન મચાવવી એ બાલુનો રોજીંદો ક્રમ બની ગયો. આ ધુન કાર્યથી બાલુ સમગ્ર ગામમાં હવે બાલુ તરીકે નહિ પણ સીયાવર તરીકે ઓળખાવા લાગ્યો.

બાલ્યાવસ્થાથી જ અંતરંગ પ્રતિ વળી ગયેલા બાલુને 'સીયારામ'ની ધૂને અજબની મોહની લગાડી દીધી હતી. એક દિવસ મેડાની બારીએ ઉભા ઉભા ધુન બોલતો બાલુ ભાવ સમાધીમાં લયલીન બની ગયો. મેડા પર બીજું કોઇ નહોતું શરીરનું ભાન સંપૂર્ણપણે ભૂલાઇ ગયું. માત્ર એક ડગલું ભરતાની સાથે નીચે ગબડી પડાય તેવી પરિસ્થિતિ સર્જાતી રામભકતને રામના રખોપા ન હોય તો બીજા કોને હોય ? કોઇ કામ અંગે મેડા પર આવેલા લલિતાબાનું ધ્યાન અચાનક બાલુ તરફ જતાં, દોડીને દિકરાને ઉઠાવી હૃદય સરસો ચાંપી દીધો. માના સ્પર્શ સાથે જાગૃત થયેલ બાલુને માતાએ મીઠો ઠપકો આપ્યો - દિકરા ! જરા ભાન તો રાખ તું પડી ગયો હોત તો તારી એકલવાઇ માનું શું થાત ? રામભકત બાલુના મોમાંથી તરત શબ્દો સરી પડયા 'તો પછી આપણા માથે રામના રખોપા શા ખપના?' દિકરાના આ અતૂટ શ્રધ્ધાસભર શબ્દોએ માની આંખમાં હર્ષાશ્રુ ભરી દીધા તેણે પુત્રને ફરી હૃદય સાસો ચાંપ્યો.

એક વખત કોઇ એક જ્યોતિષ લલિતાબાના આંગણે ચડી આવ્યા. બાલુની હસ્તરેખાઓ જોઇ ભાવિ ભાખતા કહ્યું કે 'મા ! આ કોઇ સામાન્ય જીવ નથી પણ ભવિષ્યમાં મહામાનવ થવા સર્જાયેલો યોગભ્રષ્ટ યોગીનો આત્મા છે, જેણે અધુરી સાધનાને પુરી કરવા માટે જ જન્મ ધારણ કર્યો છે.'

પરંતુ નવમા વર્ષે, નવમા માસે અને નવમા દિવસે તેના પર ભયંકર ઘાત ઝઝુમી રહી છે જો એ સમય પસાર થઇ જશે અને તારો પુત્ર જીવતો રહેશે તો જગતભરમાં તેની યશોગાથા ગવાશે, લાખો લોકો તેના ચરણે મસ્તક મુકી પોતાની જાતને સમર્પિત કરી દેશે આટલી આગમવાણી ભાખી જ્યોતિષિ ચાલ્યા ગયા.

કુટુંબની આર્થિક હાલત તો અગાઉ કરતાંયે વધુ કથળી ગઇ હતી. એ સમયમાં લાંબા વાળનાં ઝુલ્ફા માત્ર નાટકવાળા અને ભવાઇનો વેશ ભજવનારાજ રાખતા, સમાજમાં એ તરગાળા તરીકે ઓળખાતા અને નાટકનો વ્યવસાય ધૃણાસ્પદ ગણાતો. ખરેખરી નાણાભીડમાં ફસાઇ ગયેલા લલિતાબા પાસે બાલુને વાળ કપાવવા માટે પૈસા આપવાની પણ ત્રેવડ નહોતી ત્યાં માથામાં તેલ નાખવાની તો વાત કયાં કરવી? એક વખત ભજનના કાર્યક્રમમાં બાલુને કોઇએ ટપાર્યો કે બાલુ, વાળ વધાર્યા છે. તે કયાંક નાટકિયો તો નથી બની જવાનો ને ?

આ સાંભળીને અવાક બની ગયેલા બાલુની આંખ ભરાઇ આવી, માને વાત કરી પણ ઘરમાં તો કાણી કોડીએ નહોતી. આખરે રડતા ખડયાં વાસણોમાંથી ત્રાંબાનો ઘડો વેચી નાખી તેમાંથી પૈસા આપી, વાળ કપાવીને મેણું ભાંગ્યું.

હવે બાલકૃષ્ણ હાઇસ્કુલમાં દાખલ થયો સદ્નશીબે શાળામાં શાંતિમીયા જેવા આદર્શ ગુરૂની છાયા મળી, પરિણામે વાંચન વધવા લાગ્યું. જોડકણા જોડતો બાલુ પોતાને આવડે તેવી કવિતાની રચના પણ કરતો, પણ સ્વભાવે શરમાળ હોવાથી કોઇને બતાવે નહિ.

બાળ લગ્નોનાં એ યુગમાં તેર વર્ષની વયે બાલકૃષ્ણના લગ્ન થયા. પણ ખર્ચને પહોંચી વળવા ઝુંપડી સરખું ઘર ગીરવે મુકવું પડયું.

વાંચનનાં બેહદ શોખ અને બાળ સહજ બેદરકારીને પરિણામે આંખો નબળી પડી બે ત્રણ વર્ષ નભાવ્યું, પણ મેટ્રીકના વર્ષ દરમિયાન જ આંખોમાં એટલી નબળાય આવી કે ચશ્મા વિના ચાલે તેમ નહોતું. સ્કુલમાં પાણી ફીના બે પૈસા પણ બાલકૃષ્ણ વતી શિક્ષક ભરતા હતા, ત્યાં ચશ્મા કે પેન, પેન્સીલ, લેવાની વાત કયાં રહી ? આખરે અભ્યાસ અટકાવી દઇ, નોકરીની શોધ શરૂ કરી. થોડા પ્રયાસો બાદ સૌ પ્રથમ ધંધુકા પોષ્ટ ઓફિસમાં પટાવાળાની બદલી મળવા માંડી પ્રથમ પગાર આવતા જ હર્ષઘેલા બાલકૃષ્ણે માતાની સલાહ પ્રમાણે એ પ્રભુ મંદિરમાં સમર્પિત કર્યો. થોડા વખત પછી બદલી મળતી બંધ થતાં પ્રથમ અમદાવાદ અને પછી જુનાગઢ જઇ, એક સ્નેહીને ત્યાં વસવાટ કર્યો. તાર ખાતામાં અનુભવ લઇ તેની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પસાર કરી અમદાવાદ પાછા ફર્યા એકાદ બે નાની નોકરી બાદ ફરી તાર ટપાલ ખાતામાં જોડાણા, માએ વહુને પીયરથી તેડાવી વીસમે વર્ષે શ્રીમંતનો અવસર - વહુનું સોનાનું પલ્લુ વેંચી ઉકેલ્યો, બે વર્ષ પછી આ કામચલાવ નોકરી પણ મુકી દેવી પડી.

હવે બે નહીં ચાર જીવનું પોષણ કરવાનું હતું. બાલકૃષ્ણ બહાવરો બની રોજી રોટી માટે ચોતરફ ભટકતો હતો. એક વખત રસ્તા પર બોજ ઉંચકી પસાર થતા મજૂરને જોઇ તેને થયું અરે ! હું પણ શું કામ આ રીતે રોજી ન મેળવું ! અને ત્યારથી બાલકૃષ્ણે સ્ટેશનમાં જઇ મજુરી શરૂ કરી, દિવસ આખો મજુરી અને રાત્રે ફૂટપાથ પર સુવું - આ ક્રમ એક મહિના સુધી ચાલ્યો.

ત્યાર પછી એક વૈદ્યના દવાખાનામાં થોડો અનુભવ લઇ બાલકૃષ્ણ પ્રખર રાષ્ટ્રભકત શ્રી જી.કે.માવલંકરના પ્રેસમાં પ્રથમ કારકુન અને પછી ખબરપત્રી તરીકે જોડાયા. એ સમય હતો મહાત્મા ગાંધી પ્રેરીત રાષ્ટ્રીય ચેતનાનો, સમગ્ર દેશમાં સત્યાગ્રહ, અસહકાર તેમજ સવિનય કાનુનભંગની હવા ફેલાઇ ગઇ હતી. માવલંકરના બે વર્તમાનપત્રો 'શકિત પ્રેસ' અને 'ગર્જના'માં બ્રિટીશ સરકારની વિરૂધ્ધમાં કડક લખાણો આવવા માંડયા પ્રેસ જપ્ત થયો, માવળકર જેલમાં ગયા અને બાલકૃષ્ણ ફરી નોકરી વગરના બની ગયા. ત્યારબાદ પુત્રના અવસાનનો કારમો ઘા સહી ન શકતા - માવલંકરે આ પ્રકાશનો બંધ કર્યા.

હવે બાલકૃષ્ણે જી.કે.શાહ નામના એક સદ્ગૃહસ્થના પ્રેસમાં જોડાઇ માસિક 'લલિત' અને સાપ્તાહિક 'વીણા'માં કામ શરૂ કર્યું. સાથે એક સ્કુલમાં પાર્ટ ટાઇમ શિક્ષક કમ કલાર્કની નોકરી મેળવી. 'લલિત' અને 'વીણા'ની સફળતાથી પ્રેરાઇને બીજી બે વ્યકિતઓની ભાગીદારીમાં વર્તમાનપત્ર શરૂ કર્યું પણ કોઇ કાનુની ગુંચ આવતા મામલો અદાલતે પહોંચ્યો. બાલકૃષ્ણના નામનું સમન્સ નીકળ્યું. કોર્ટનો સમન્સ આવતા જ મકાન માલિકે અડધી રાતે મકાન ખાલી કરાવ્યું. પ્રેસને તો તાળા લાગી જ ગયા હતા.

ફરી ભરણપોષણનો પ્રશ્ન ઉપસ્થિત થયો પણ હિંમત હાર્યા વગર બાલકૃષ્ણે સ્ટેશન પર જઇ ફરી મજુરી કામ શરૂ કરી દીધું. પરંતુ બેહદ શારીરિક શ્રમથી શરીર ખખડી ગયું. બાલકૃષ્ણ હવે રાજરોગ ક્ષયના ભોગ બન્યા. હોસ્પિટલમાં નિદાન કરતા ડોકટરે સ્પષ્ટપણે જણાવી દીધું, કે હવે કોઇ દવા લાગુ પડે તેમ નથી ચાર - પાંચ મહિનામાં શરીરનો ખેલ પુરો થશે છતાં કોઇ હિલ સ્ટેશન પર આરામ કરો અને દવા લખી આપું છું તે દૂધ સાથે લેવાનું શરૂ કરો.

ડોકટરના શબ્દોથી દિગ્મુઢ બનેલા બાલકૃષ્ણમાં નહોતી દવાનો કાગળ લેવાની હામ કે નહોતી આગળના શબ્દો સાંભળવાની જાગૃતિ. સભાનાવસ્થામાં જ ચાલ્યા જતા ચરણો કોઇ મંદિરમાં જઇ અટકી ગયા અને કાન જાણે અજાણે રામનામનો મહિના સાંભળવા લાગ્યા.

બીજા દિવસથી શ્રીરામ જય રામ જય જય રામનું રટણ ચાલુ થઇ ગયું. મનને કોઇ અજબની શાંતિ મળી. જોગાનુજોગ જી.કે.માવલંકરની ભલામણથી સાત દિવસમાં જ ઘેર બેઠાં નોકરી મળી, સાથે બાલકૃષ્ણની ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા પણ અતૂટ બની.

એક વખત મિત્રની સાથે બાલકૃષ્ણ છોટાલાલ સુરતીના ભજનમાં ગયા. ત્યાં જાહેરમાં સૌ પ્રથમ 'દુનિયા તો દવાખાનુ' એ ભજન મીઠી હલકથી ગાઇ સહુને પ્રભાવિત કર્યા. ત્યાર પછી તો વિવિધ સ્થળે ભજનોમાં જવાનો નિયમિત ક્રમ બની ગયો. એક દિવસ આગલોડવાળા શ્રી રાધેશ્યામ મહારાજે પોતાની સાથે ગાદી પર બેસાડી 'પુનિત' મહારાજનું બિરૂદ આપ્યું. આમ બાલકૃષ્ણ હવે પુનિત મહારાજ બન્યા.

મીઠો કંઠ, સાદી છતાં ભાવસભર વાણીથી કોઇ અજબની આધ્યાત્મિક અસર સર્જનાર પુનિત મહારાજે ભજનનો પણ અનોખો વ્યાપાર માંડયો તેમણે અન્યની જેમ ભેટમાં પૈસા ન સ્વીકારતા રામનામ લખવાનું સૂચવ્યું જે પાંચ હજાર રામનામ મંત્રો લખે તેને ત્યાં ભજનો ગોઠવાય કોઇ ગરીબ ભકત ભજન કાર્યક્રમનો પ્રાથમિક ખર્ચ પણ ન ઉપાડી શકે તો મહારાજશ્રી તેને કહેતા - 'ભાઇ ! પ્રભુનું નામ લેવું છે ને ? શું કામ ચિંતા કરે છે ? હું મારા ઘરનો દીવો પાથરણું અને પ્રસાદ લઇને ભજન કરવા આવીશ' તેમના આવા નિસ્પૃહી છતાં પ્રેમાળ વ્યવહારથી ભજનો માટે એટલા બધા આમંત્રણો આવતા કે બે બે વર્ષ અગાઉથી કાર્યક્રમો નોંધાવવા પડતા. આ ઘસારાને ખાળવા તેમણે ભકતોને સુચવ્યું કે જેમને મારા ભજનો ગોઠવવા હશે તેમણે હવે પાંચ હજાર નહિ પણ પાંચ લાખ રામ નામ મંત્ર લખવા પડશે આમ સંખ્યા વધારવા છતાં ઘસારો તો એવો જ રહ્યો એ મહારાજશ્રીએ આરતીમાં પણ પૈસા લેવાનું બંધ કર્યું.

એ વખતે ચોમાસુ બેસી ગયું હતું. પણ મેઘરાજા ધરતી પર રીઝયા નહીં, ઘાસચારાની તંગી જણાવા લાગી. ખેડૂતોએ ઢોરને છોડી મૂકયા. ઠેરઠેર દુબળી ગાયો અનાથશી આથડવા લાગી, મહારાજશ્રી માટે આ પરિસ્થિતિ અસહ્ય બની. એક વખત ભજનનાં કાર્યક્રમમાં પોતાની વેદની ઠાલવતા કહ્યું 'એક બાજુએ મારી ગૌમાતા દુબળી પડતી જાય છે અને બીજી બાજુ મેઘરાજા કોપ્યા છે. અરે ! હું કયા મુખે ભજનો ગાઇ શકું ? ગાયોના ખખડધજ દેહને જોતાની સાથે જ મારી આંતરડી કકળી ઉઠે છે.' મહારાજશ્રીની આ મનોવેદનાએ સહુમાં ગાયો પ્રતિ અનુકંપા જગવી સહુ પોતાનો ફાળો નોંધાવા માંડયા. બે-ચાર દિવસમાં ચારસો રૂપિયા એકઠા થઇ ગયા, તેનું ઘાસ ખરીદી જુદા - જુદા લતામાં જઇ ગાયોને નીર્યું. મહારાજશ્રીના જાહેર સેવા કાર્યોનું આ પ્રથમ મંગલાચરણ હતું. થોડા દિવસોમાં વરસાદ વરસતા ઘાસચારાનું કાર્ય આટોપી લીધું પણ એ નાનકડા કાર્યનો આર્થિક હિસાબ તેમણે એવો તો ચોખ્ખો રાખ્યો કે સહુ કોઇને તેમના ઉપર પૂર્ણ શ્રધ્ધા બેસી ગઇ. ત્યાર પછી તો માનવહિતના ઘણા કાર્યો માટે તો પૈસા ભજનોમાંથી એકઠા કર્યા. આ અરસામાં ભકિતપંથના સાથીદારો અને અનુયાયીઓની સંખ્યા વધતી ગઇ, તેમના ભકિતભાવને સચેત કરવા ડાકોર સંઘ પણ લઇ ગયા. ડાકોર સંઘ લઇ જવાની પ્રણાલિકા સવંત ૧૯૯૬થી ૨૦૦૧ સુધી ચાલુ રહી. ૨૦૦૨માં દ્વારકા પણ પગપાળા સંઘ કાઢયો.

સવંત ૧૯૯૯માં મોટી પુત્રી તારાના લગ્નનો અવસર આવ્યો. ભજનના કાર્યક્રમોના ઠેરઠેર આમંત્રણો અપાયા. રોજ સાતસોની રસોઇ હતી. એક વ્યકિતએ વિરોધ કર્યો કે, એક બાજુએ સાદાઇની વાતો અને બીજી તરફ આ ભભકો ! આ સાધુના નહિ દંભીના લક્ષણો છે અને ધંધુકાના લોકોને ઉશ્કેરવા જાહેર સભા ભરી.

એ જાહેરસભામાં એક આશ્ચર્યજનક ઘટના બની પેલી વિરોધ કરનારી વ્યકિત બોલવા ઉભી થઇ અને તે એક શબ્દ પણ બોલી ના શકી. મહારાજશ્રીને આ ખબર પડતાં જ ભગવાનને પ્રાર્થના કરી. તે ભાઇને ચરણામૃત આપ્યું જેથી જીભ ખુલ્લી ગઇ.

પુનિત મહારાજનો મહેરવેશ એકદમ સાદો સફેદ ધોતીયું અને સફેદ બંડી એક વખત ભર શિયાળે ભજનોની હેલી વરસતી હતી. કોઇ ભકતને ઉમળકો ચડી આવ્યો અને મહારાજશ્રીને પોતાની નવી ગરમ શાલ ઓઢાડી, પણ હું તો સંસારી છું 'અધિકારી તો આ સાધુઓ કે જેમણે તમામ પ્રભુને અર્પી દીધું' હોય એમ કહેતા એ શાલ પડખે બેઠેલા એક સાધુને ઓઢાડી દીધી.

પ્રભુ સ્મરણ અને સંસારિક વ્યવહાર બંને એકી સાથે નભાવતા મહારાજશ્રીને સંસારનો બેજો સ્વાભાવિક રીતે જ અકળાવનારો લાગતો હતો. તેમને થતું કે, ભજનોમાં તો સહુને ઉપદેશને આચારમાં ઉતારવામાં ઉણો નથી પડતો ને ? તો પછી સંસાર ત્યાગી સન્યાસી શું કામ ન થવું ? પણ જો સાધુ થઇશ તો મારૃં એકનું જ શ્રેય સધાશે - અન્યનું શું ? સ્વાર્થ ત્યાગવાની વાત કરનાર શું હું જ ખુદ સ્વાર્થી બનું ? શું સંસારના વ્યવહારને નિર્મળ ન બનાવી શકાય ? શું સંન્યાસ એ જ એક માત્ર માર્ગ છે ? તો પછી સંસારીજન કયારેય ઇશ્વરપ્રાપ્તિના પ્રયાસો ન કરે ? એમને માટે કોઇ માર્ગ જ નથી ?

આવા અનેક મંથનો પછી મહારાજશ્રીએ સાધુ બનવા કરતાં સંસારમાં રહી સીધા બનવાનો દૃઢ સંકલ્પ કર્યો તેમને તો દુનિયાને સંસારી સાધુનો આદર્શ પુરો પાડવો હતો.

આ દિવસોમાં જ હરિશ્ચંદ્રભાઇ રામોલીયાએ મહારાજશ્રીને ચરણે ૧૦૦૦ વાર જમીનની ભેટ ધરી. મહારાજશ્રીએ તુરંત જ એ જમીન જાહેર જનતાના ઉપયોગાર્થે આપવાની જાહેરાત કરતા જણાવ્યું કે આ જમીન પર મારા વંશવારસોનો કોઇપણ પ્રકારનો હક્ક હિસ્સો રહેશે નહિ. પછી તો ભકતોએ દૃષ્ટ બનાવી ફંડ ભેગું કરી એ જમીન પર 'પુનિત સેવાશ્રમ'ની રચના કરી જે આજે પણ અમદાવાદ ખાતે મણિનગરમાં મહારાજશ્રીના ત્યાગ કથાના પ્રતિક રૂપે ખડો છે.

આશ્રમની સ્થાપના સાથે માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ પણ વધવા લાગી. ફુટપાથ પર સૂઇ રહેતા ભૂખ્યા દુઃખ્યા દરીદ્રનારાયણ માટે કંઇક કરવું જોઇએ. એમ લાગતા મહારાજશ્રીએ જાહેર કર્યું કે આજ સુધી તો રામનાથ લઇ ભજનાનંદ માણ્યો પણ હવે સવામણની ભાખરી લઇને ભજન કરીશ. આ સાથે ગરીબોને ભાખરી પહોંચાડવા સાયકલ પર ફરનારા યુવાનો તૈયાર કર્યા સાથે ભજનોના કાર્યક્રમમાં ધાબળા ઉઘરાવી અન્નદાન સાથે ધાબળા પણ પહોંચાડવા માંડયા. ત્યાર પછી તો રાહત કાર્યોની સરવાણી શરૂ થઇ ગઇ. અકસ્માતમાં બેહાલ બની જતા પીડિતો અને ગરીબો માટે પ્રથમ રાહત કેન્દ્ર મણીનગરમાં શરૂ કર્યું અને ગામે ગામના ભકતોએ પોતાના વિસ્તારોમાં પણ આવા રાહત કેન્દ્રો શરૂ કર્યા. ૧૯૪૭માં દેશના ભાગલા પડયા ત્યારે નિરાશ્રીતો માટે ફંડ શરૂ કર્યું. બંગાળના દુષ્કાળની વિગતો જાણી તાત્કાલીક રૂ. ૧૦૦૧ મોકલી આપ્યા આ બધા કાર્યોની સાથે રામનાથ મંત્ર લખવાની પ્રવૃત્તિ તો ચાલુ જ હતી. વધવા લાગી તેમજ ભજનો માટેના આમંત્રણો પણ મળ્યા.

પૂ. પુનિત મહારાજે કરેલા કાર્યો

સને ૧૯૫૬માં ભારતીય સંસ્કૃતિ, વૈદિક હિન્દુ ધર્મ અને રામનામના પ્રચાર અર્થે પૂ. મહારાજશ્રી પૂર્વ આફ્રીકાના પ્રવાસે ગયા, છ માસના ટુંકા પ્રવાસ દરમિયાન ત્યાં રામનામનો ખુબ સારો પ્રચાર થયો અને ત્યાં પણ ભજન મંડળની સ્થાપના થઇ. વિદેશ પાછા ફરતી વખતે પ્રવાસ દરમિયાન એકઠી થયેલી છ લાખ રૂપિયા જેની માતબર રકમ દાનમાં મળી. ત્યાંના ભકતોના અનેક આગ્રહ છતાં પૂ. મહારાજશ્રીએ ભાડાની રકમથી એક પણ પાઇ વધુ ન લીધી અને મળેલી રકમ ત્યાંના જ સ્થાનિક કાર્યકરોને માનવ કલ્યાણર્થે વાપરવા માટે પરત કરી. ત્યારે લોકોના મસ્તક આ નિસ્પૃહી સંતના ચરણોમાં ઝૂકી પડયા.

આફ્રીકાથી પાછા ફર્યા બાદ મહારાજશ્રીએ સંસારિક કાર્યોથી અલિપ્ત રહેવાના નિર્ણય સાથે ગાયત્રી પુરશ્ચરણ કરવાનું વિચાર્યું આ માટે ગુજરાતમાં નર્મદામૈયાના વિશાળ પટાંગણ પાસે આવેલ મોટી કોરલ ગામે પંચકુબેરેશ્વર મહાદેવની જગ્યા પસંદ કરી. આ વાનપ્રસ્થ આશ્રમ ત્રણ વર્ષ માટેનો હતો. ભજન ખંડ, ભોજન ખંડ તેમજ નાની નાની આશરે ૫૦ કાચી કુટીરો તૈયાર કરવામાં આવી ભકતો સાથે મહારાજશ્રીનું ભગવાન ભજન પણ શરૂ થયું. ત્રણ વર્ષના વસવાટ દરમિયાન ત્રણ ગાયત્રી પુરશ્ચરણ યજ્ઞ, મહારૂદ્ર યજ્ઞો, જ્ઞાનયજ્ઞો, દંત્તયજ્ઞો અને ૧૦૦૮ સમુહ સત્યનારાયણની કથા તેમજ અનેક નાના મોટા ધાર્મિક ઉત્સવો ત્યાં ઉજવાતા અને ગામ બહારગામ તેમજ પરદેશથી પણ ભાવિકો ખૂબ જ મોટી સંખ્યામાં આ ઉત્સવોમાંના ભજન અને ભોજનનો આનંદ માનવા એકઠા થતાં. ત્રણ વર્ષના વસવાટમાં અનેક આધ્યાત્મિક પ્રવૃત્તિઓના પરિણામે પંચકુબેરેશ્વરની જગ્યા પરમતીર્થ ધામ બની ગઇ.

પૂ. મહારાજશ્રીએ રામાયણ લખવાનો નિર્ધાર કર્યો હતો. 'મા સરસ્વતીની કૃપાથી મારા રામના ગુણોનું વર્ણન કરીશ અને એ ગુણોનું વર્ણન સૌ પ્રથમ ડાકોરના રાજા રણછોડને ચરણે ધરીશ.' પોતાના આ સંકલ્પ અનુસાર સંગીતમય રામાયણ લખી અને લેખનકાર્ય પૂર્ણ થતાં વિશાળ ભકત સમુદાય સાથે પગપાળા સંઘ લઇ ડાકોર ગયા અને નવ દિવસ રાજા રણછોડના ચરણે બેસી સ્વરચિત 'પુનિત રામાયણ'નું વાંચન કર્યું.

યોગેશ્વર શ્રી કૃષ્ણને ગ્રંથ સમર્પિત કર્યા બાદ નક્કી કર્યું કે હવેથી મોટા શહેરોમાં એક વર્ષ રહીશ અને સંસ્કાર સિંચનનું કાર્ય કરીશ. આ નિર્ણયનો અમલ તેઓશ્રીએ મુંબઇથી શરૂ કર્યો ત્યારબાદ સુરત પણ એક વર્ષ રહ્યા પછી વડોદરા આવ્યા.

એ અરસામાં એક પ્રસંગ બની ગયો. ભકત સમુદાય સાથે સત્સંગ ચાલતો હતો. વાતચીત દરમિયાન એક ભાઇએ સૂચન કર્યું કે હવે આપે એક જગ્યાએ બેસી શાંતિથી ભગવાનનું નામ લેવું જોઇએ. અને આ બધી પ્રવૃત્તિથી પર રહેવું જોઇએ. મહારાજશ્રીએ મંદ હાસ્ય સાથે જવાબ આપતા કહ્યું 'શું તમે એમ માનો છો કે એક ખુણામાં બેસીને માળા ફેરવવાથી જ ઇશ્વર મળી જશે? શું માત્ર મૂર્તિઓ સાથે રોજ રમત કરવાથી જ ભકિતભાવ પ્રગટશે ? જો કોઇ આમ સમજતું હોય તો તે ભ્રાંતિ છે. એવી ભકિત પણ ભ્રાન્તભકિત છે. તેનું પરિણામ શૂન્યમાં જ આવે ભકતનું હૃદય તેનું સમગ્ર જીવન શુધ્ધ, પવિત્ર, નમ્ર, નીરક્ષીર પરખવાળુ બનવું જોઇએ અને આ સદ્ગુણોનો માનવ સેવા દ્વારા જ વિકાસ થઇ શકે.' અને પછી સહેજ મોટે અવાજે મહારાજશ્રીએ ઉમેર્યું. 'ભાઇ મને નામ સ્મરણ તો ગમે છે જ પણ પ્રથમ મારે આ જીવતા ઇશ્વરોની પુજા કરવાની છે. મારે માટે પ્રથમ જનસેવા અને પછી નામસ્મરણ ભલે મને નર્ક મળે દરિદ્રનારાયણની અવગણના કરી સ્વર્ગ નથી જોઇતું.'

એ પ્રસંગ પછી બે મહિના બાદ વિશ્વ કલ્યાણ અર્થે ભવ્ય વૈદિક યજ્ઞની યોજના ઘડી, પૂર્વ તૈયારીઓ શરૂ થઇ ગઇ. પણ મહાકાળનો સંકેત કંઇક જુદો જ હતો. એક રાતે ભજનના કાર્યક્રમમાંથી પાછા ફર્યા બાદ પથારીમાં સુતા. ક્ષણવારમાં હૃદયમાં દુઃખાવો શરૂ થયો. તુરંત જ તબીબને બોલાવ્યા. તબીયત કથળી બ્લડપ્રેસર ઘટીને ૧૦૦ જેટલું થઇ ગયું. પરિસ્થિતિ ગંભીર બની. મહારાજશ્રીના માંદગીના સમાચાર ચોમેર પ્રસરી ગયા. ભકત સમુદાય એકત્રિત થવા લાગ્યો. રામ ધુન શરૂ થઇ. જાણે પ્રભુના તેડાં આવ્યા હોય તેમ છેલ્લી ઘણા સુધી સચેત રહેલા મહારાજ શ્રીએ સંવત ૨૦૧૮ના અષાઢ વદી ૧૧ શુક્રવાર તા. ૨૭-૭-૧૯૬૨ના રોજ રાજા રણછોડને નજર સમક્ષ રાખી હે રામ કહી પંચભુતાત્મક નશ્વર દેહનો ત્યાગ કર્યો. જીવ શિવમાં લીન થઇ ગયો. ગુજરાતના વિશાળ જન સમુદાય અને ભકત સમુદાયે પૂ. શ્રી પુનિત મહારાજશ્રીને અશ્રુભીની આંખે વિદાય આપી.

: આલેખન :

જયેશભાઇ નાનજીભાઇ નથવાણી

પ્રમુખશ્રી, પુનિત સદ્ગુરૂ ભજન મંડળ,

જલારામ ટ્રેડીંગ એજન્સીઝ, ઘીકાંટા રોડ, રાજકોટ

મો. ૯૭૧૪૧ ૯૮૯૭૦

(11:57 am IST)