Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

કાકાથી કારની બ્રેકને બદલે લિવર પર પગ દેવાઇ ગયોઃ પાંચ વર્ષની ભત્રીજીનું ચગદાઇ જતાં મોત

કાર બરાબર આવડતી નહોતી, પણ ગાડુ આવતું હોઇ નડતી હોવાથી અંદર રોડ પરથી ફળીયામાં લેતી વખતે બનાવ : કુકાવાવના બાટવા દેવળીમાં બનાવઃ ગઇકાલે જ સેકન્ડમાં 'કાર' લીધી અને માસુમ બાળા માટે 'કાળ' બની

રાજકોટ તા. ૨૫: ઘણીવાર વિચીત્ર અકસ્માત સર્જાતા હોય છે. કુંકાવાવના બાટવા દેવળી ગામે આવી જ એક ઘટનામાં પાંચ વર્ષની બાળકી કાર નીચે ચગદાઇ જતાં પ્રાણ નીકળી ગયા હતાં. પટેલ પરિવારે ગઇકાલે જ સેકન્ડમાં કાર ખરીદી હતી જે ઘર બહાર રાખી હતી. ગાડુ આવી રહ્યું હોઇ તેને કાર નડતર રૂપ હોઇ પટેલ યુવાન કાર ચાલુ કરી ઘરના ફળીયામાં લઇ રહ્યો હતો. તેને બરાબર કાર ફાવતી નહોતી, બ્રેકને બદલે લિવર પર પગ દેવાઇ જતાં અને એ વખતે જ ફળીયામાં પાંચ્ વર્ષની ભત્રીજી દોડીને સામે આવી જતાં આ માસુમ માટે કાર કાળરૂપ બની ગઇ હતી.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ બાટવા દેવળી ગામે રહેતાં નિલેષભાઇ મોવલીયાની દિકરી જીનલ (ઉ.વ.૫) ગઇકાલે સાંજે ફળીયામાં તેના જ કાકા રિપનભાઇ બાબુભાઇ મોવલીયાની કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચકોીના સ્ટાફે આ અંગે વડીયા પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર જીનલ બે બહેનમાં નાની હતી. પિતા નિલેષભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે હજુ ગઇકાલે જ અમે સેકન્ડમાં કાર ખરીદી હતી અને ઘર બહાર રોડ પાર્ક કરી હતી. સાંજે હું ઘરે નહોતો. એ વખતે ગાડુ આવતું હોઇ કારને કારણે તે પસાર થઇ શકે તેમ ન હોઇ મારા ભાઇ રિપને કાર ફળીયામાં લેવા પ્રયાસ કર્યો હતો. તેને બહુ ડ્રાઇવીંગ ફાવતું નથી. તે ધીમે-ધીમે કાર અંદર લઇ રહ્યો હતો એ વખતે જ મારી દિકરી જીનલ કારમાં બેસવા માટે ઓસરીમાંથી દોટ મુકી સીધી કાર સામે આવી ગઇ હતી.

આ વખતે ભાઇ રીપન ગભરાઇ ગયો હતો અને બ્રેક દબાવવાને બદલે લિવર પર પગ દબાવી દેતાં જીનલને ઠોકર લાગતા ફેકાઇ ગઇ હતી અને કાર તેને ચગદી ઓસરીમાં ચડી ગઇ હતી.

વડીયા પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી. લાડકવાયીના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:55 am IST)