Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

લોહાણા મહાપરિષદની ૧ જુલાઈના યોજાયેલી કારોબારી સમિતિમાં મારો વાંધો છે અને છે,...

વારંવાર આંગળી ઊંચી કરવા છતાં અમોને કોઈએ બોલવાનો કે પૂછવાનો મોકો પણ આપ્યો નથી : અમુક મુદ્દા એજન્ડામાં ન લેવાયા તે આશ્ચર્ય જનક : માતૃ સંસ્થાના પૂર્વ પ્રમુખશ્રીએ ઉદબોધન ન કર્યું હોય તેવી સો વર્ષના ઇતિહાસમાં પ્રથમ ઘટના

પ્રતિ, પ્રમુખ શ્રી લોહાણા મહાપરિષદ

જય જલારામ સાથે જણાવવાનું કે છેલ્લા ત્રણ, ચાર વર્ષથી શ્રી લોહાણા મહાપરિષદનો વ્યકિતગત મહત્વાકાંક્ષાઓને લઈને થતો વહીવટ અમોને ખૂબ દુઃખી કરે છે અને અમે ભારે મને આ બધું જોયા કરતા હતા, પરંતુ જયારે હદથી પણ ખરાબ પ્રવૃત્તિઓ વધે ત્યારે અમારે કારોબારીમાં આવવું પડયું અને અમારે અમારી રજૂઆત કરવાની હતી. પરંતુ વારંવાર આંગળી ઊંચી કરવા છતાં અમોને કોઈએ બોલવાનો કે પૂછવાનો મોકો પણ આપ્યો નથી એટલે મહેરબાની કરી અને સર્વાનુમતેના ઢોલ પીટવાના બદલે મારા અને બીજા પણ ઘણા બધા સભ્યોના જે પણ વાંધાઓ આવે છે તેનો જવાબ આપવા વિનંતી.  કારોબારી સમિતિમાં લેવાયેલા નિર્ણય સામે મારો સખત વાંધો છે જે રેકોર્ડ પર લેવા વિનંતી.

મારા નીચે મુજબના પાંચ પ્રશ્નોનો જવાબ આગામી સાત દિવસમાં આપશો તો હું આપનો આભારી થઈશ.

(૧) રઘુકુળ વિશ્વમાં છપાયેલ ફોટાઓમાં દેખાય છે તે મુજબ અગાઉની ૧૦ કારોબારીઓમાં ૪૦૦ ૫૦૦ સભ્યો હતા તો આ મીટીંગંમાં કેમ આ તમામ આમંત્રિતો તથા મોટા ગજાના હોદ્દેદારો તથા પ્રતાપભાઈ જેવા મોટા ગજાના દાતાઓને પણ બાકાત રાખવામાં આવ્યા?

(૨) નિયમ પ્રમાણે જે મુદ્દાઓ કારોબારીમાં હોવા જોઈએ જેમ કે સ્કોલરશીપનો અહેવાલ કે નાણાકીય હિસાબો કે વિભાગીય ઉપપ્રમુખોની રજૂઆત... આવા કોઈ મુદ્દાઓ એજન્ડામાં ન લેવાયા તે આશ્ચર્ય પમાડે છે.

(૩) મહારાષ્ટ્રની આટલી ભયંકર પરિસ્થિતિ અને જાણવા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના આમંત્રણ પેન્ડિંગ હોવા છતાં છેક ડિસેમ્બર મહિનાની મીટીંગ મુંબઈમાં આટલી વહેલી જાહેરાત કયાં અગમ્ય કારણોસર કે કયા ભયથી કરી દીધી ?

(૪) અન્ય હોદ્દેદારોને તો છોડો, પૂર્વ પ્રમુખ તરીકે શ્રી યોગેશભાઇ લાખાણીને આટલો ગંભીર સમય ચાલતો હોવા છતાં તેમને તેમની લાગણી રજૂ કરવાની પણ તકના આપવામાં આવી કે આપ તરફથી તેમને બે શબ્દો કહેવા માટે પણ ન જણાવાયું તે વિસ્મય ઉપજાવે છે. ફકત સમાજની સહાનુભૂતિ લૂંટવા યોગેશભાઈને રાજીનામું આપવા વિનંતી કરી. માતૃ સંસ્થાના પૂર્વ પ્રમુખશ્રીએ ઉદબોધન ન કર્યું હોય તેવી સો વર્ષના ઇતિહાસમાં આ ઘટના પ્રથમ વાર જ આ કદાચ હશે.

(૫) આપે સૌરાષ્ટ્ર-ગુજરાત કચ્છની ધરાર અવગણના તો કરી જ, સાથે આપના ઉદબોધનમાં કહ્યું કે હું છ મહિના - બાર મહિના... યોગ્ય સમયે કોઈને સોંપી દઈશ તો આપે એ ખુલાસો ન કર્યો કે આપે છ-બાર મહિના શા માટે રીપીટ થવું છે? આ પછી જયારે આપની ઇચ્છા થાય ત્યારે રાજીનામું આપો ત્યારે ફરીથી લાખો રૂપિયાનું આંધણ કરી મધ્યસ્થ મહાસમિતિ બોલાવવાની?

આશા રાખું છું કે આપ મારા પત્રનો સંતોષકારક જવાબ આગામી એક સપ્તાહમાં આપશો.

સમાજના હિતમાં..

- નાનજી ખીમજી ઠક્કર (થાણા વાલા)

કારોબારી સભ્ય, શ્રી લોહાણા મહાપરિષદ

(11:53 am IST)