Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

સમરસ હોસ્ટેલના ભોજનમાં ઇયળ નીકળતા હોબાળો

હવે શુધ્ધ અને સાત્વિક ભોજન આપવા એડી.કલેકટરની કોન્ટ્રાકટરને તાકીદ

રાજકોટ,તા.૨૫: શહેરનાં યુનિવર્સિટી રોડ પર આવેલ સમરસ હોસ્ટેલમાં ચાલતા કોવિડ કેર અને કોરોન્ટાઇન સેન્ટરમાં ભોજનમાં ઇયળ નિકળતા હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ એડી.કલેકટરને થતા તેઓએ પોલીસને મોકલી તપાસ કરાવી હતી અને હવે શુધ્ધ અને સાત્વિક ભોજન આપવા કોન્ટ્રાકટરને તાકીદ કરી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ અહિંના યુનિ. રોડ ઉપર કોરોના દર્દીના સંપર્કમાં આવેલા નજીકના લોકોને ફેસેલીટી કોરન્ટાઇન માટેની સમરસ હોસ્ટેલમાં ગઇરાત્રે ભોજનમાં ઇયળ નીકળી પડતા કોરન્ટાઇન રહેલા લોકોએ ધમાલ મચાવી હતી અને એડીશ્નલ કલેકટરને ફરીયાદ કરી ભોજનમાં આરોગ્ય સાથે ચેડા થઇ રહયાના આક્ષેપો કર્યા હતા. આથી કલેકટરએ તાત્કાલીક પોલીસ મોકલી તપાસ કરાવી હતી અને ભોજન પીરસનાર કોન્ટ્રાકટરને તાકીદ કરી હતી કે ભોજનમાં કોઇપણ જાતની ક્ષતી ન રહે. તે માટે અનાજ શાકભાજી વગેરે શુધ્ધ અને ગરમ પાણીમાં ધોઇ પછી જ ભોજન બનાવવું. એડી. કલેકટરશ્રીએ આ તકે જણાવેલ કે છેલ્લા ૨ મહિનાથી અહિ લોકોને આરોગ્ય પ્રદ ભોજન અપાઇ રહયું છે. આ પ્રકારની ફરીયાદ અત્યાર સુધી આવી નથી.

(3:37 pm IST)