Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

SKSE સીકયુરીટી મોરબીની સોનમ કવાર્ટસને વેચવાની સેબી સહિતનાની મંજુરી

સેબી ઉપરાંત એનએસઇ, બીએસઇ, સીડીસીએલ સહિતનાની મંજુરી મળતાં ૧૧.૨૫ કરોડના સોદાને બહાલી : એક મહીનામાં બોર્ડની મીટીંગ બોલાવી બાકીની વિધી પતાવાશેઃ સ્ટોકના ૩૪૮ સભ્યોને અંદાજે ૩-૩ લાખ મળવાનો માર્ગ મોકળો થયો

રાજકોટ તા.૨૫: શેર બજારમાંથી એકઝીટ લેનાર સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્ષચેન્જની સબસીડીયરી એવી એસકેએસઇ સીકયુરીટી મોરબીની સોનમ કવાર્ટસને વેચવાના નિર્ણયને સેબી ઉપરાંત એનએસઇ, બીએસઇ, સીડીસીએલ સહિતનાની મંજુરી મળી જતાં આગામી દિવસોમાં સ્ટોકના ૩૪૮ સભ્યોને અંદાજે ૩-૩ લાખ મળવાનો માર્ગ મોકળો થયો હોવાનું જાણવા મળે છે.

આ અંગે આધારભૂત વર્તુળોએ જણાવ્યુ હતુ કે સીકયુરીટીને મોરબીની સોનમ કવાર્ટસને ૧૧.૨૫ કરોડમાં વેંચવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ મંજુરી માટે મોકલવામાં આવેલ. જેને હવે મંજુરી મળી ગઇ છે. મંજુરી મળી જતાં એકાદ મહીનામાં ઉપલા બોર્ડની મીટીંગ બોલાવી જરૂરી વિધી પુરી કરવામાં આવશે. મળતી વિગતો અનુસાર મંજુરી મળી જતા હવે શેર્સ સોનમ ગ્રુપને ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને જેના બદલામાં મળનાર રકમ સ્ટોકના ૩૪૮ સભ્યો વચ્ચે વહેંચી દેવામાં આવશે જે અંતર્ગત દરેકને અંદાજે ૩-૩ લાખ મળે તેવી સંભાવના છે.

અત્રેએ નોંધનીય છે કે ગયા વર્ષે યોજાયેલી સાધારણ સભામાં નફો કરતી સીકયુરીટીને વેચી દેવા નિર્ણય લેવાયો હતો અને બદલામાં ટોકન પેટે ૧ કરોડ પ્રાપ્ત થયા હતા અને અગાઉ પણ ૫ કરોડ મળ્યા હતા. હવે ટુંક સમયમાં સોદાનો અંતિમ હપ્તો પણ મળી જશે અને પછી સભ્યોને વહેચવાની કાર્યવાહી થશે.

જાણવા મળ્યા મુજબ સોનમ ગ્રુપ સીકયુરીટીનું નામ પણ બદલાવશે અને તે હરિહર ચોક વિસ્તારમાં જ કોઇ બિલ્ડીંગમાં કાર્યરત થશે. સીકયુરીટીની જગ્યા ખાલી થયા બાદ સ્ટોક એક્ષચેન્જનું મકાન વેચવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા છે.

(3:41 pm IST)