Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

મિત્રોએ રૂપિયા સલવાડી દેતા નાનજીભાઇ રાઠોડે પોલીસ સ્ટેશનમાં ફિનાઇલ પી લીધું

દલિત વૃધ્ધે માલવીયાનગર પોલીસ મથકમાં પગલુ ભરતાં સારવાર હેઠળઃ વિજય ભરવાડ સહિતના લોકો લેણા નીકળતાં ૧૦ા લાખ પાછા આપતા ન હોઇ કંટાળી ગયાનું કથન

રાજકોટ તા. ૨૫: ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતાં નાનજીભાઇ દેવશીભાઇ રાઠોડ (ઉ.૬૩) નામના દલિત વૃધ્ધે સવારે પોણા અગિયારેક વાગ્યે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આવી ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મિત્રો પૈસા ખાઇ ગયા હોઇ અને પાછા આપતાં ન હોઇ કંટાળીને આ પગલું ભર્યાનું તેમણે જણાવ્યું હતું.

નાનજીભાઇ રાઠોડ નામના વૃધ્ધે પોલીસ મથકમાં આવી ફિનાઇલ પી લેતાં દોડધામ મચી ગઇ હતી. તેમને તાકીદે પોલીસ કર્મચારી આર. એન. જાડેજા સહિતે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. વૃધ્ધ નાનજીભાઇ છુટક મજૂરી કરે છે. તે બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના છે તથા સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણે જણાવ્યું હતું કે ત્રણ-ચાર વર્ષ પહેલા તેણે મિત્ર વિજય લામકા-ભરવાડ તથા હીરા ભરવાડ, મુકા ભરવાડ, કાળા ભરવાડ, હકા ભરવાડ સહિતને મિત્ર મંડળમાંથી ૧૬ લાખ લઇને ધંધા માટે આપ્યા હતાં. સમય જતાં મિત્રોએ રૂ. ૫.૭૫ લાખ પાછા આપી દીધા હતાં. પરંતુ બાકીના ૧૦ા લાખ તે પાછા આપતાં નથી.

થોડા સમય પહેલા ૯ લાખ અને ૧૦ લાખના ચેક આપ્યા હતાં. આ ચેક પણ રિટર્ન થઇ ગયા હતાં. અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં પોતાના પૈસા પરત આપવામાં આવતાં ન હોઇ કંટાળીને ફિનાઇલ પી લીધાનું વધુમાં નાનજીભાઇએ જણાવતાં તેનું નિવેદન નોંધવા તજવીજ થઇ હતી.

(3:41 pm IST)