Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

નવજ્યોત પાર્કમાં ઘરના રૂમમાં કેમિકલથી પ્રયોગ કરતી વખતે પટેલ યુવાન વિનાયક સંઘાણીનું મોત!

શ્વાસમાં કેમિકલ ચડી ગયાની શકયતાઃ સવારે પિતા જગાડવા ગયા ત્યારે બેભાન મળ્યોઃ પત્નિ ડિલીવરી કરવા માવતરે ગયા છેઃ બે મહિના પહેલા જ પિતા બનેલા યુવાનના મોતથી પરિવારમાં અરેરાટીઃ મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટ મોર્ટમ રિપોર્ટની જોવાતી રાહ

રાજકોટ તા. ૨૫: મવડી ૧૫૦ રીંગ રોડ પર ગિરીરાજ હોસ્પિટલ પાછળ નવજ્યોત પાર્ક-૨માં રહેતાં પટેલ યુવાનનું પોતાના રૂમમાં કેમિકલથી પ્રયોગ કરતી વેળાએ શ્વાસમાં કેમિકલ ચડી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પિતા સવારે જગાડવા ગયા ત્યારે તે રૂમમાંથી બેભાન મળ્યો હતો. હોસ્પિટલમાં ખસેડાતાં તબિબે તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ નવજ્યોત પાર્કમાં રહેતાં વિનાયક પ્રવિણભાઇ સંઘાણી (ઉ.૩૧) નામના પટેલ યુવાનને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેને તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં વિનાયક તેના રૂમમાં કેમિકલથી કોઇ પ્રયોગ કરતો હતો ત્યારે શ્વાસમાં કેમિકલ ચડી જતાં તે બેભાન થઇ ગયાની અને મોત નિપજ્યાની શકયતા દર્શાવાઇ હતી. આ મુજબની નોંધ તાલુકા પોલીસને કરાવવામાં આવી હતી. મૃત્યુ પામનાર વિનાયક બે ભાઇમાં નાનો હતો અને મવડીમાં પેકેજીંગ બોકસનું કારખાનુ ધરાવતો હતો. તેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. પત્નિનું નામ કૃપાબેન છે. તેણીએ બે માસ પહેલા જ દિકરાને જન્મ આપ્યો છે અને હાલમાં માતવરે છે. રાત્રે વિનાયક તેના રૂમમાં હતો. સવારે પિતા જગાડવા ગયા ત્યારે તે બેભાન મળ્યો હતો. રૂમમાં તે અવાર-નવાર કેમિકલથી પ્રયોગો કરતો હતો. આજે પણ રૂમમાં કેમિકલની બોટલો મળી હતી. રાત્રે કોઇ પ્રયોગ વખતે શ્વાસમાં કેમિકલ ચડી ગયા બાદ બેભાન થઇ જતાં મોત નિપજ્યાની શકયતા પરિવારજનોએ દર્શાવી હતી. જો કે મોતનું સાચુ કારણ જાણવા પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. યુવાન દિકરાના અણધાર્યા મૃત્યુથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(3:39 pm IST)