Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કોરોનાની બીજી લહેરઃ બાળકો ઉપર અસર

હાલમાં જે કોરોનાની પરિસ્થિતિ (બીજી લહેરમાં) તેમાં બાળકોમાં પણ મોટાની જેમ જ ખૂબ જ પ્રમાણ છે. ઘરમાં કોઇને હોય તો બાળકોમાં ૭૦ થી ૮૦ ટકા કોરોના થવાની શકયતા હોય છે.

બાળકોમાં લક્ષણો જોઇએ તો ચિડિયાપણું, તાવ, ઠંડી, માથું દુઃખવું, શરીર ટૂટવું, ઉધરસ, શ્વાસ, પેટમાં દુઃખાવો, ઉલ્ટી, ઝાડા વગેરે થઇ શકે છે.

બાળકોમાં રોગ ગંભીર થવાની શકયતા ઓછી જોવા મળે છે. બાળકોમાં ઓકિસજન ઓછો થવો અથવા તકલીફ થવાની શકયતા ખૂબ જ ઓછી હોય છે પરંતુ બે કે છ અઠવાડિયા પછી થતું MIS-C/PIMC જેમાં સિસ્ટમ ફેફસા, હૃદય, આંતરડા, ચામડી, લોહીની નળીઓ, કિડની વગેરેમાં અસર થાય તો જોખમ થઇ શકે.

MIS-C/PIMC (મલ્ટી સિસ્ટમ્સ ઇન્ફલામેટરી સિન્ડ્રોમ) અને તેના લક્ષણો જોઇએ તો કોરોના અથવા તેના એન્ટિબોડીના કારણે શરીરની દરેક સિસ્ટમ્સ પર અસર થાય છે. ખૂબ જ તાવ, શરીરમાં લાલ ચકામા, આંખો તથા જીભ લાલ થવી, ઝાડા-ઉલ્ટી, પેટમાં દુઃખાવો, શ્વાસ ચડવો વગેરે થઇ શકે.

આના નિદાનમાં જોઇએ તો લોહીમાં CRP વધી શકે તથા કોરોના એન્ટિબોડીઝ લોહીમાં દેખાઇ, બે કે ત્રણ અઠવાડિયા પહેલા કોરોનાની હિસ્ટ્રી જાણવા મળે અથવા ઘરમાં કોઇને કોરોના હોય તો પણ થઇ શકે.

બાળકોને કોરોના થાય ત્યારે ઇમ્યુનોગ્લોબુલિન, સ્ટીરોઇડ તથા શરીરને પોષણ મળે અને ડિહાઇડ્રેશન ન થાય તે પ્રમાણે જરૂર પડયે દાખલ કરીને સારવાર કરવી પડે છે.

વાઇરસમાં મ્યુટેશન થાય છે તેથી બાળકોમાં અસર વધુ થાય છે. આ મ્યુટેશન શું ? તે પ્રશ્ન ખૂબ પૂછાય છે. વાઇરસ કે કોઇપણ સૂક્ષ્મ જીવ પોતાના શરીરમાં એ પ્રમાણે ફેરફાર કરે કે દવાઓ એન્ટિબોડીઝ અથવા વેકિસન સામે લડી શકે તથા વધારે ફેલાય શકે અને ગંભીર સ્વરૂપ લઇ શકે.

આવા મ્યુટેશન હાલમાં બ્રાઝિલ, સાઉથ આફ્રીકા તથા યુ.કે. જોવા મળે છે એમાં પણ ઘણા બધા ફેરફાર જોવા મળે છે.

બીજી લહેરની ગંભીરતા વધી તેના કારણોમાં વાયરસમાં થયેલ મ્યુટેશન, લોકોમાં ખોટા આત્મવિશ્વાસ, સાવચેતીના પગલા ઓછા લેવાયા તથા રસીકરણનું પ્રમાણ પણ ઓછું હોવાના કારણે બીજી લહેર ગંભીર થઇ.

ત્રીજી લહેરમાં વાયરસનું પ્રમાણ વધુ ઝેરી થઇ શકે છે. બાળકોમાં પ્રમાણ વધી શકે છે, વધારે ફેલાય શકે છે, બાળકોમાં પ્રાણ વધી શકે. ખાસ કરીને સાવચેતી જો ના રાખવામાં આવે, રસીકરણ પૂરતુ ન થયું હોય તો જોખમ વધારે છે.

આનાથી બચવા માટે બને એટલું વહેલું રસીકરણ, સાવચેતીના પગલાઓ વધારવા અને લહેર ગયા પછી પણ સતત સાવચેત રહેવું.

સાવચેતી તરીકે છ ફૂટનું ડિસ્ટન્સ રાખવું, ડબલ માસ્ક પહેરવું અથવા N-95 માસ્ક પહેરવું, હાથ સાબુથી વારંવાર ધોવા, ખુલ્લા વાતાવરણમાં રહેવું, પોષ્ટીક તથા ઘરનો ખોરાક લેવો, બધી જ જાતના મેળાવડા બંધ કરવા, મળવું - હળવું નહિ.

રોગ થયો હોય તે બાળકોને બંને એટલું અલગ રૂમમાં રાખવું. બારી, દરવાજા, ખુલ્લા રાખવા. અંગત વપરાશની વસ્તુઓ કપડા, રૂમાલ, ચાદર, ટુવાલ વગેરે અલગ રાખવા, ઘરમાં પણ N-95 માસ્ક પહેરી રાખવું, પૂરતો સમય ૧૦ થી ૧૪ દિવસ કવોરન્ટાયન રાખવું, એક જ કેરટેકર રહે, જે બાળકોના સંપર્કમાં આવે તો PPE કિટ પહેરી રાખે.

હાલ ઉપલબ્ધ રસીમાં કોવિડશિલ્ડ અને કોવાકિસન બંને રસી સારી જ છે. નવી સ્પુટનીક-વી પણ લગભગ સરખી જ અસરકારક છે.

બે ડોઝ વચ્ચે ૧ થી ૩ મહિનાનું અંતર રાખવું જોઇએ. પણ એનાથી પણ મોડી અપાય તો પણ વાંધો નથી.

૧૮ વર્ષથી નીચેના એ જ ગ્રુપમાં રસીકરણનો અભ્યાસ હજી ચાલુ છે. જેના પરિણામે આવ્યા પછી એટલે લગભગ ૨ થી ૩ મહિનામાં બાળકોમાં પણ રસીકરણ ચાલુ થઇ શકે.

માતાને ધાવણ ચાલુ હોય કે ગર્ભાવસ્થા દરમિયાન રસી ન આપી શકાય પરંતુ ધાવણ આપતી માતા હવે રસી લઇ શકે છે.

કોરોના સામે તો કોઇ અકસીર દવા છે જ નહિ પરંતુ ઓકિસજન લેવલ ઓછું સર્જાય તો સ્ટીરોઇડ આપી શકાય febipivir બાળકોમાં આપતી નથી, ઇન્વરમેકટીન, કલોરોકવીન, મીથીલીન બ્લુ વગેરેના પણ નેશનલ માર્ગદર્શિકા (ગાઇડ લાઇન)માં ઉલ્લેખ નથી.

વિટામિન-સી, ઝીંક, વિટામિન-બી, રોગપ્રતિકાર શકિત સારી રહે તે માટે આપી શકાય. બીજા ચેપ ઇન્ફેકશન થવાની શકયતા હોય તો એન્ટિબાયોટીક આપી શકાય.

નવજાત શિશુને કે માતાને કોરોના હોય તો માતા પીપીઇ કિટ પહેરીને બાળકને ફિડીંગ આપી શકે છે. બંને અલગ આઇસોલેશનમાં રહે તે જરૂરી છે. બીજાને ચેપ ન લાગી જાય તેનું ધ્યાન રાખવું જોઇએ.

આ લેખ માત્ર જનજાગૃતિ માટે છે માટે આપના તબીબ, સરકારી નિર્દેશો તથા WHOનું માર્ગદર્શન આ બાબતે અંતિમ રહેશે.

  • ત્રીજી લહેરમાં બાળક 'સેફ' રહે તે માટે

   બાળક બીજા બાળકો સાથે શેરીમાં ફળિયામાં કે એપાર્ટમેન્ટમાં ન રમે તેનું ધ્યાન રાખવું

   એકિટવિટી કે કલાસીસમાં જવાનું ટાળવું

   પોષણયુકત ખોરાક લેવા તથા એકસરસાઇઝ અને પ્રાણાયામ કરતા રહેવું.

   બીજા બાળકો સાથે પેન, પેન્સિલ કે બુક અને રમકડાની અદલાબદલી ના કરવી.

   એકબીજાના રૂમાલ, ટુવાલ વગેરે અલગ રાખવા

   રસીકરણ ચાલુ થાય કે તરત રસી અપાવી દેવી.

: આલેખન :

ડો. મેહુલ મિત્રા

એમ.ડી. (પેડ) યુનિવર્સિટી ફર્સ્ટ, બાળરોગના નિષ્ણાંત,

કોટેચા ચોક, રાજકોટ.

ફોન : ૦૨૮૧ - ૨૪૪૭૧૨૭

(4:12 pm IST)