Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

સિવિલ કોવિડ હોસ્પિટલમાં કોરોના મૃતકોનો ખોવાઈ ગયેલો સામાન પરત મેળવવા ૩૫ અરજી આવતાં કમિટી બનાવાઇ

મોબાઇલ સહિતની ચીજવસ્તુઓ પરત આપવાની તંત્રએ કરી કાર્યવાહી

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં કોરોનામાં મૃત્યુ પામનાર દર્દીનાં ખોવાઈ ગયેલો સામાન પરત આપવા ૩૫ જેટલી અરજીઓ આવતાં આ માટે હોસ્પિટલ તંત્ર દ્વારા એક કમિટી બનાવાઇ છે. આ કમિટી જે અરજીઓ આવી છે એ અરજદારને બોલાવી કોવિડ વોર્ડમાંથી જે સામાન બિનવારસ મળ્યો છે એ એકઠો કરી તે બતાવીને ખાત્રી કરી જે તે અરજદારને તે પરત કરવાનું કામ કરે છે. જેમાં મોબાઇલ, ચાર્જર, દાગીના સહિતની ચીજવસ્તુઓ સામેલ છે. કોરોનાની સારવાર વખતે મૃત્યુ પામનારા દર્દીઓનો રહી ગયેલો આ સામાન વહિવટી તંત્રએ સાચવીને રાખ્યો હતો. ૩૫ પરિવારને બોલાવી મુદામાલ પરત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર. એસ. ત્રિવેદી દ્વારા કિંમતી વસ્તુ દર્દીના પરિવારને પરત  કરવા કમિટી બનાવવામાં આવી હતી. જેમાં ડો. ગૌરવી ધ્રુવ, ડો.નિકુંજ નર્સિગ સુપ્રિન્ટેન્ડન્ટ હિતેન્દ્ર ઝાખરીયા અને વહીવટી અધિકારીનો સમાવેશ થાય છે. આ કમિટી દ્વારા અરજી કરનાર દર્દીના પરિવારજનોને આજે બોલાવવામાં આવ્યા હતા અને મોબાઈલ સહિતના કિંમતી સામાનની રજીસ્ટર મુજબ ચકાસણી કરી પરત કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન અનેક પરિવારજનો દ્વારા તેમની વસ્તુઓ મળી ન હોવાનું જણાવી રોષ ઠાલવ્યો હતો. જો કે વોર્ડમાં કોઇપણ કિમતી વસ્તુઓ કે મોબાઇલ લઇ જવાની મનાઇ પહેલેથી જ ફરમાવાઇ હતી. આમ છતાં દર્દીઓને આવી ચીજવસ્તુ સાથે મોકલવામાં આવતાં હતાં.

(4:04 pm IST)