Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

સમગ્ર વિશ્વને કોરોનાથી મુકિત મળે તે હેતુથી

લોહાણા મહાપરીષદ દ્વારા કાલથી વર્ચ્યુઅલ ભાગવત સપ્તાહનો ભવ્ય પ્રારંભ

કોરોના દરમ્યાન જે જ્ઞાતિજનોના પરિવારજનો દુઃખદ અવસાન પામ્યા છે તેઓના મોક્ષાર્થે -આત્માની શાંતિ માટે અલૌકિક આયોજન : મહાપરીષદના પ્રમુખ સતીષભાઇ વિઠ્ઠલાણીના માર્ગદર્શન હેઠળ મધ્યભારત ઝોન-૧૧ (મધ્યપ્રદેશ તથા છતીસગઢ) દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણઃ સમગ્ર વિશ્વના રઘુવંશીઓ ભાવપૂર્વક જોડાશે : આજે સાંજે ૪-૩૦ થી ૬ દરમ્યાન નૃસિંહ ભગવાનના પ્રાગટય દિનની અવતાર કથા 'ભકત વત્સલ ભગવાન'

રાજકોટ તા. રપ :.. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ છેલ્લા દોઢેક વર્ષથી કાળોકેર વર્તાવ્યો છે અને કરોડો લોકો સંક્રમિત થયા છે તથા લાખો લોકોના મૃત્યુ પણ થયા છે. સાથે સાથે કરોડો લોકો કોરોનાને હરાવીને સાજા પણ થઇ રહ્યા છે.

સમગ્ર વિશ્વને વહેલાસર કોરોનામાંથી મુકિત મળે અને કોરોના દરમ્યાન જે જ્ઞાતિજનોના પરિવારજનોના દુઃખદ અવસાન  થયા છે તેઓના મોક્ષાર્થે તથા આત્માની શાંતિ - સદ્ગતિ માટે લોહાણા મહાપરિષદ દ્વારા આવતીકાલ તા. ર૬ મે, ર૦ર૧ થી તા. ૧ જુન ર૦ર૧ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર વિશ્વના રઘુવંશીઓની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના પ્રમુખશ્રી સતિષભાઇ વિઠ્ઠલાણીના માર્ગદર્શન હેઠળ મધ્યભારત ઝોન ૧૧ (મધ્યપ્રદેશ તથા છતીસગઢ) તથા આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્રના સંયુકત ઉપક્રમે યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં સમગ્ર વિશ્વના રઘુવંશીઓ ભાવપૂર્વક જોડાશે. આવતીકાલે પૂર્ણિમા ના પવિત્ર દિવસથી શરૂ થતા શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમાં જે જ્ઞાતિજનોના પરિવારજનો કોરોના (કોવિડ-૧૯)ને કારણે પ્રભુને પ્યારા બન્યા છે તેઓનો કે પિતૃદેવનો ફોટો સામે રાખીને તેનું સ્મરણ કરીને તેઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના  કરવાની છે. સ્વર્ગસ્થને મોક્ષ મળે, સદ્ગતિ મળે અને ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી વહેલાસર કોરોના વિદાય લઇ લે તે માટે નિઃશુલ્ક ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય બપોરે ૩.૩૦ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રહેશે. નિઃશુલ્ક યજમાનોને પુજન માટે ઓનલાઇન બેસવાનો સમય સવારે ૧૦ થી ૧૦.૪પ વાગ્યે રહેશે.

વર્ચ્યુઅલ ભાગવત કથાનું પ્રસારણ ઝુમ (zoom) પ્લેટફોર્મ ઉપર મીટીંગ આઇ.ડી. ૯૯૦૯૯ ૯૯૩૦૮, પાસ કોડ :  LMP દ્વારા માણી શકાય છે. ઉપરાંત ફેસબુક લાઇવ www.facebook. com/shreelmp/live તથા યુ-ટયુબ લાઇવ  Shree Lohana Mahaparishad Official  ઉપર પણ કથાનું રસપાન કરી શકાય છે.

વર્ચ્યુઅલ ભાગવત સપ્તાહનો સમગ્ર વિશ્વના રઘુવંશીઓને આધ્યાત્મિક, અલૌકિક, ધાર્મિક, અસામાન્ય અને ભકિતમય વાતાવરણમાં લાભ મળે તે માટે મહાપરિષદના પ્રમુખશ્રી સતીષભાઇ વિઠ્ઠલાણી, વરિષ્ઠ ઉપપ્રમુખો જીતુભાઇ ઠક્કર, જીતુભાઇ લાલ તથા ધર્મેશભાઇ હરીયાણી, માનદ મંત્રીઓ હરિશભાઇ ઠકકર  તથા ડો. સુરેશભાઇ પોપટ, મધ્ય-ભારત ઝોન-૧૧ ના ઝોનલ પ્રમુખ કિશનભાઇ મીરાણી, આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્રના પ્રમુખશ્રી ગીરીશભાઇ ડ્રેસવાલા, મહાપરિષદના મહિલા પાંખના અધ્યક્ષ શ્રીમતી રશ્મિબેન એસ. વિઠ્ઠલાણી સહિતના હોદેદારો ભારે જહેમત ઉઠાવી  રહ્યા છે.

વિખ્યાત ભાગવતાચાર્ય શ્રી મગનભાઇ રાજયગુરૂ (પૂ. બાપજી) ના સુપુત્ર અને યુવા કથાકારશ્રી નરેશભાઇ રાજયગુરૂ (મુંબઇ - ભાયંદરવાળા) કથા વાચક તરીકે સર્વે શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. સાથે સાથે શ્રી હરેશભાઇ રાજયગુરૂ સંગીતમય આનંદ કરાવશે.

દરમ્યાન આજરોજ રપ મે, મંગળવાર સાંજે ૪.૩૦ થી ૬ વાગ્યા દરમ્યાન નૃસિંહ ભગવાનના પ્રાગટયના શુભ દિને નૃસિંહ અવતારની કથા  '' ભકત વત્સલ ભગવાન'' નું પણ લાઇવ પ્રસારણ  (ઝૂમ તથા ફેસબુક લાઇવ) મહાપરિષદ દ્વારા કરવામાં આવશે. જેમાં વકતા તરીકે બ્રજ રાધિકા (ભાવના ઠકકર) રહેશે તથા સંચાલન ગ્રીષ્મા રેલીયા (ઠક્કર) દ્વારા કરવામાં આવશે.

(4:03 pm IST)