Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

જય જવાન જય કિસાન સોસાયટીમાં ૧૦ ચોપડી ભણેલો હિરેન દવાખાનુ ખોલીને બેઠો'તોઃ એસઓજીએ દબોચ્યો

અગાઉ જુદી જુદી હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર હતોઃ હવે 'નકલી ડોકટર' બની ગયો'તો

તસ્વીરમાં નકલી ડોકટર, બાજુમાં કલીનીક અને દવાઓ નજરે પડે છે

રાજકોટ, તા. ૨૫ :. મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ૧૦ ચોપડી ભણેલા નકલી ડોકટરને એસઓજીની ટીમે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં એક શખ્સ મેડીકલની કોઈપણ જાતની ડીગ્રી વગર કલીનીક ચલાવતો હોવાની એસઓજીના કોન્સ. રણછોડભાઈ આલને બાતમી મળતા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જોઈન્ટ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા મનોહરસિંહ જાડેજાની સૂચનાથી ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.વી. બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.વાય. રાવલ, કોન્સ. રણછોડભાઈ આલ, કોન્સ. કિશોરભાઈ ધુધલ તથા કૃષ્ણસિંહ જાડેજા સહિતે જય જવાન જય કિસાન સોસાયટી મેઈન રોડ પર આવેલ 'રઘુવંશી કલીનીક' નામના દવાખાનામાં દરોડો પાડી મેડીકલની કોઈપણ જાતની ડીગ્રી વગર દવાખાનુ ચલાવતો માત્ર ૧૦ ચોપડી ભણેલો હિરેન મહેશભાઈ કાનાબાર (ઉ.વ. ૩૫) (રહે. મોરબી રોડ જકાતનાકા સામે અક્ષરધામ સોસાયટી શેરી નં. ૪માં ગોવિંદભાઈ જાદવના મકાનમાં ભાડે મૂળ માળીયાહાટીના જી. ગીર સોમનાથ)ને પકડી લીધો હતો. પૂછપરછમાં તેણે ૨૦૦૧માં ધોરણ ૧૦ પાસ કરેલ છે. ત્યાર બાદ અલગ અલગ હોસ્પીટલોમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો.

છેલ્લા બે વર્ષથી પોતે કલીનીક ચલાવતો હોવાની કબુલાત આપી હતી. પોલીસે કલીનીકમાંથી મેડીકલના સાધનો, એલોપથીક દવાઓ, ઈન્જેકશન મળી કુલ રૂ. ૧૯૭૯૭નો મુદામાલ કબ્જે કર્યો હતો અને હીરેન વિરૂદ્ધ આઈ.પી.સી. કલમ ૪૧૯ તથા મેડીકલ પ્રેકટીશ્નર એકટની કલમ ૩૦ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(4:02 pm IST)