Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મ્યુકોરમાઈકોસીસમાં આખો ખેલ ઈમ્યુનિટીનો જ છેઃ ડો.મેહુલ ખાખરિયા

પહેલા આ રોગ એચ.આઈ.વી એઇડ્સ વાળાને કે અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તેમને જ થતો : કોરોના કાળ પહેલા ગુજરાતમાં આખા વર્ષમાં ૮ થી ૧૦ કેસ જ થતા : બીજી લહેરમાં કોરોનાએ પેટર્ન બદલાવી માણસની રોગપ્રતિકારક શકિતને તોડી નાખતા મ્યુકોરમાઈકોસીસ ના કેસોમા વધારો જોવા મળ્યો : ઇમ્યુનિટી વધારવા માટે હેલ્ધી ફુડ, હેલ્ધી ડાયટ, પૂરેપૂરી રાતના નીંદર, પોઝીટીવ થીંકીંગ, સ્ટ્રેસ દૂર કરવો ખુબ જરૂરી : મ્યુકોરમાઈકોસીસનો એક જ ગુરૂ મંત્ર છે કે વહેલું નિદાન અને વહેલી સારવાર : મ્યુકોરમાઈકોસીસ ૨૦ થી ૨૫ ટકા કેસમાં મૃત્યુની શકયતા રહે છે : મ્યુકોરમાઈકોસીસનો સૌથી મોટો પ્રોબ્લેમ ઇન્ફેકશન લાગે ત્યારે માત્ર પંદર દિવસથી એક મહિનામાં જ તે મગજ સુધી પહોંચી જાય છે

કોરોના મહામારીબાદ બ્લેક ફંગસ તરીકે ઓળખાતા મ્યુકોરમાઇકોસીસ નામના રોગોના કેસો વધી રહ્યા છે. બ્લેક ફંગસ તરીકે ઓળખાતો આ રોગ ચેપી નથી અને સાવધાની તેમજ સમયસરની યોગ્ય સારવારથી તે મટી શકે છે. કોરોનાની જેમ આ નવા જન્મેલા મ્યુકોરમાઇકોસીસ રોગ વિશે અનેક પ્રશ્નો લોકોમાં ઉદભવ્યા છે ત્યારે તાજેતરમાં જામનગરના ડેન્ટલ સર્જન ડો. મેહુલ ખાખરિયાની મ્યુકોરમાઇકોસીસ વિશેની એક ઓડિયો કિલપ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ. આ અંગે મ્યુકોરમાઇકોસીસ નું ઓપરેશન નહીં પણ માત્ર નિદાન કરતા ડો. મેહુલ ખાખરિયા સાથે ટેલીફોનિક વાતચિત દરમિયાન તેઓએ મ્યુકોરમાઇકોસીસ વિશે ઘણી મહત્વની જાણકારી આપી હતી.

કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેરમાં મ્યુકોરમાઈકોસીસના કેસ ખૂબ જ વધુ આવ્યા તેનું કારણ શું? ડો. મેહુલ ખાખરિયાએ કહ્યું કે, કોરોનાની પહેલી લહેરમાં મ્યુકોરમાઈકોસીસના કેસ આવેલા પણ ખૂબ જ ઓછા આવેલા. મારી કિલનિકમાં ગઈ લહેરમાં મેં લગભગ સાતથી આઠ કેસ નિદાન કરેલા. સ્વાભાવિક રીતે જ પ્રથમ દાંતના ડોકટર પાસે જ આ કેસ આવતા હોય છે. તે દરેક દર્દીઓની હિસ્ટ્રી એ હતી કે તેઓ કોરોનાવાળા હતા અને હોસ્પિટલમાં દાખલ થયેલા. દર્દીઓને ડાયાબિટીસ હતું અથવા તો સ્ટીરોઈડ ને હિસાબે ડાયાબિટીસ ૪૦૦ થી ૫૦૦ સુધી વધી ગયેલું.

મ્યુકોરમાઈકોસીસએ ઓપોર્ચ્યુનિટી ઇન્ફેકશન છે. પહેલા આ રોગ એચ.આઈ.વી એઇડ્સ વાળાને કે ઓર્ગન એટલે કે અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તેમને થતો. એચ.આઈ.વી વાળાની ઇમ્યુનિટી હંમેશા ઓછી જ રહે છે. અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય ત્યારે ડોકટરો તેને ઇન્યુનો સપ્રેસિવ ડ્રગ્સ આપતા હોય છે જેથી શરીરમાં નવું અંગ બેસાડ્યું હોય તે શરીર નવા અંગને તુર્ત જ સ્વીકારી લે. જેનાથી ઇમ્યુનીટિ ઘટતા આ કારણથી ઘણાને મ્યુકોરમાઈકોસીસ થતું. એ જ રીતે કોરોના કાળ પહેલા જે લોકોને ડાયાબિટીસ કંટ્રોલ બહાર રહેતું તે લોકોમાં પણ આ મ્યુકોરમાઈકોસીસના કેસ જોવા મળતા. એ વખતે આખા ગુજરાતમાં આખા વર્ષમાં ૮ થી ૧૦ કેસ થતા.

હવે કોરોના ની પહેલી વેવ આવી તેમાં ઇમ્યુનિટી ડાઉન થઈ, કોરોના સાથે ડાયાબિટીસ ૪૦૦- ૫૦૦ ની ઉપર જતા એ લોકોને આ રોગ લાગુ પડ્યો. પણ બહુ ઓછા કેસ આવ્યા. આ વખતે જ્યારે મારી પાસે સાતથી આઠ કેસ મ્યુકોરમાઈકોસીસના આવ્યા તેમાં નવાઈની વાત એ હતી કે કોરોનાના ૬ નવા કેસ આવ્યા કે જેઓ હોસ્પિટલમાં દાખલ થયા નહોતા, માત્ર હોમ આઇસોલેટ થયા હતા એટલું જ નહીં તેને ડાયાબિટીસ પણ ન હોતું તેને મ્યુકોરમાઈકોસીસ થયો. એટલે કે બીજી લહેરમાં કોરોનાએ એક પેટર્ન બદલાવતા તે ઇમ્યુનિટી તોડી નાખે છે એટલે કે માણસની રોગપ્રતિકારક શકિતને તોડી નાખતા મ્યુકોરમાઈકોસીસના કેસોમા વધારો જોવા મળ્યો છે.

મ્યુકોર એટલે કે ફુગ જે ઘરમાં પણ હોય, બ્રેડ ઉપર પણ હોય, ઝાડ પાનમાં પણ હોય, માટીમાં હોય બધે જ હોય. દરેક વ્યકિત મ્યુકોરના સંપર્કમાં આવતી જ હોય છે. પણ આપણી ઇમ્યુનિટી સારી હોય તે આપણને નુકસાન કરતી નથી. આ વખતની પેટર્નમાં આ રોગ સીધો ઇમ્યુનિટી પરજ વાર કરે છે. જેનું કારણ શોધવું તે સંશોધનનો વિષય છે.

ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શકિત તે દરેક માણસની અલગ અલગ હોય જેને ગોડ ગિફ્ટ પણ કહી શકાય. તેને કસરત કરીને, હેલ્ધી લાઈફ, પ્રાણાયામ કરી થોડી ઘણી વધારી પણ શકાય. ઇમ્યુનિટી વધારવા માટે હેલ્ધી ફુડ ખાવ, ડાયટ લ્યો, પૂરેપૂરી રાતના નીંદર કરો, પોઝીટીવ થીંકીંગ કરો, સ્ટ્રેસ નહીં લો તે ખુબ જરૂરી છે. મ્યુકરમાઈકોસીસ જેવા અનેક રોગો વાતાવરણમાં છે પણ જેવા આપણે નબળા પડ્યા કે તે તુરતજ આપણા ઉપર એટેક કરી દે છે. આ આખો ખેલ ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શકિતનો જ છે. એક ફાયદો એ છે કે કોરોના જે છે તે થોડા સમય માટે જ ઇમ્યુનિટી ડાઉન કરે છે એટલો સમય એટલે કે બે મહિના ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ સમય ડર્યા વિના ધ્યાન રાખો તો મ્યુકોરમાઈકોસીસ થવાના ચાન્સ નથી રહેતા. મ્યુકોરમાઈકોસીસનો એક જ ગુરૂ મંત્ર છે કે વહેલું નિદાન અને વહેલી સારવાર.

મ્યુકોરમાઈકોસીસમાં મૃત્યુની શકયતા જો તાત્કાલિક સારવાર કરાવીએ તો ઓછી છે પરંતુ તેમ છતાં ૨૦ થી ૨૫ ટકા કેસમાં મૃત્યુની શક્યતા રહે છે. એટલેજ તો સરકારે રાજ્યમાં આને મહામારી તરીકે જાહેર કરવી પડી છે. કોઈ વ્યકિતએ ઓપરેશન કરાવ્યું તો મ્યુકોરમાઈકોસીસ જતું રહે તેવું નથી. ઘણીવાર કોઈ કેસમાં ઉથલો પણ મારતો હોય છે. સામાન્ય રીતે ફૂગ નાકની આજુબાજુના ભેજવાળા એટલે કે સાયનસના એરિયામાં જ લાગતી હોય છે. જે મ્યુકોરમાઈકોસીસ ત્યાં ખૂબ ઝડપથી ફેલાય છે. મ્યુકોરમાઈકોસીસ નો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જ્યારે પણ ઇન્ફેકશન લાગે ત્યારે માત્ર પંદર દિવસથી એક મહિનામાં જ તે મગજ સુધી પહોંચી જાય છે.

  • કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓને બ્લેક ફંગસનો ખતરો વધુ!

કોરોનાના રોગમાંથી સાજા થયેલા દર્દીને કમ-સે કમ ૧૨ અઠવાડિયા સુધી બ્લેક ફંગશનો ખતરો સૌથી વધુ રહે છે. સીવીયર ડાયાબિટીસ, વેન્ટીલેટર પરના દર્દીને પુરક ઓકિસજન લેવા સહિતના પરિબળોના કારણે આ રોગની શકયતા રહે છે. કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં રોગપ્રતિકારક શકિત ખુબજ ઘટી ગઇ હોવાથી મ્યુકોરમાઇકોસીસ થવાની શક્યતા વધી જાય છે. આ ખતરનાક મ્યુકોરમાઈકોસીસ રોગથી ડરવાની જરૂર નથી તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણેના કોઈપણ પ્રાથમિક લક્ષણ જરાપણ જણાય તો તરત જ નિદાન-સારવાર કરાવી લેવા જોઈએ. આ રોગ અંગે, તેનાથી બચવાના ઉપાયો અને જરૂરી માર્ગદર્શન માટે આપના ડેન્ટીસ્ટ, ઈએનટીની સલાહ લેવી હિતાવહ છે.

વધુ માહિતી માટે જામનગરના ડેન્ટલ સર્જન ડો. મેહુલ ખાખરિયા દ્વારા મ્યુકોર માઈકોસીસ વિશે પોસ્ટ કરાયેલ વીડિયો તેમના યુટ્યુબ પેઇજ https://www.youtube.com/watch?v=dKNxmVtJckA પર જોઇ શકાશે.  માધવ કિલનીક, ક્રિકેટ બંગલા સામે, જામનગર ખાતે થઇ શકશે.

  • મ્યુકોરમાઈકોસીસ કોને થઇ શકે?

ડો. મેહુલ ખાખરિયા કહે છે, જેમને કોરોનાના સંક્રમણના સમયગાળામાં પણ કોરોના થયો નથી તેમને મ્યુકોરમાઈકોસીસ રોગ થવાની શક્યતા નથી. ઘણીવાર હળવા લક્ષણો સાથે કોરોના થઈ ગયો હોય અને ખબર પણ ન પડી હોય તેવા સંજોગોમાં રોગપ્રતિકારક શકિત ઘટી ગઈ હોવાથી તેવી વ્યકિતને મ્યુકોર માઈકોસીસ થવાની શક્યતા રહે છે. જેમને કોરોનાના સંક્રમણના સમયગાળામાં પણ કોરોના થયો નથી તેમને મ્યુકોર માઈકોસીસ રોગ થવાની શક્યતા નથી. આ રોગના પ્રાથમિક લક્ષણોમાં નાક ઉપરાંત પેઢા કે દાંતમાંથી લોહી નીકળે છે, જેમાં નાક બંધ થઈ જવું, નાક કે આંખની આજુબાજુ દુખાવો કે લાલ થઈ જવું, તાવ, માથાનો દુખાવો, આવું થાય કે તરત જ ડોકટરનો સંપર્ક કરવો જરૂરી છે.

  • મ્યુકોરમાઈકોસીસથી બચવા શું સાવચેતી રાખવી ?

મ્યુકોરમાઈકોસીસથી બચવા માટે વ્યકિતએ શું સાવચેતી રાખવી અને કાળજી લેવી તે અંગે ડો. ખાખરિયાએ જણાવ્યું છે કે, ઘરમાં બ્રેડ ન રાખવી, તેમાંય બીજા દિવસે તો ન જ રાખવી, રોટલી ડબ્બામાં રાખવાથી બીજા દિવસે તેનાં ઉપર ફુગ ચડી જાય છે. બગીચાના કામ ટાળવા, મ્યુકોર એટલે ફુગ (ફંગસ) ઘરની બહાર માટીમાં, ઝાડ-પાનમાં ફુગ બધી જગ્યાએ હોય છે. જો ઈમ્યુનિટી ઓછી હશે તો આ ફુગ એટેક કરશે અને રોગ લાગુ પડી શકે છે. ફ્રીઝમાં મૂકેલી વસ્તુઓ જેમ કે કેરી, શાક, રોટલી વગેરે સુંઘવા નહીં, કારણે તેનાંથી ફુગ હશે તો સીધી નાક વાટે અંદર ઘૂસી જશે. ખાસ કરીને નાકની આસપાસ હાથ ફેરવી જોઈ લેવું... જો દુઃખાવો થાય તો શક્યતા હોય શકે છે...! ઘણીવાર કોરોનાના દર્દી નાસ લે ત્યારે પહેલા પાણીને ૧૦-૧૫ મીનિટ ઉકાળી લેવાનું તે પાણી ઉકળે પછી સ્ટીમ મશીનમાં નાંખી નાસ લેવો જોઇએ. આ રોગના જરાપણ લક્ષણ દેખાય કે તરત જ માત્ર ડેન્ટલ જ નહીં પણ નાક-કાન-ગળા (ઈએનટી)ના ડોકટરની સલાહ લેવી જોઈએ.

પ્રશાંત બક્ષી

મો.૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:20 pm IST)