Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

સોરઠના પુરૂષસિંહ સંત ડુંગરસિંહ : સદ્ગુરૂદેવ પૂ. પારસમુનિ મા.સા.

રાજકોટ તા. ૨૫ : સૌરાષ્ટ્રની ભૂમિનું નામ સાંભળતા જ સૌને નિર્મળ પુરૂષોની જન્મધરાનું સ્મરણ થઈ આવે છે. ભારતવર્ષનાં પશ્ચિમ ખૂણામાં આવેલ, આ નાનકડા પ્રદેશમાંથી જ્ઞાનની પરમ તેજસ્વી પ્રભા પ્રગટી છે. માનવજાતિને મુકિતના મહાસંદેશા પણ અહિંયા થી મળ્યા છે. પવિત્રભૂમિની સુમધુર ગોદમાં વીરતાના ઘાવણ ધાવી, ભારતવર્ષના અનેક રત્નો અને જિનશાસનનાં તેજસ્વી નક્ષત્રો પાકયા છે.

સ્વ. કવિ ત્રિભુવન વ્યાસનાં શબ્દોમાં કહુ તો 'ભારતી ભોમની વંદુ તનયા વડી, ધન્ય હો..ધન્ય સૌરાષ્ટ્રધરણી.'

અહિંયા કવિએ ભારતમાતાની લાડલી મોટી દીકરી તરીકે સૌરાષ્ટ્રને ગણાવી છે. સેોરાષ્ટ્રની ભૂમિ એટલે સંત , શૂરવીર અને સાવજની ભૂમિ.. જતી-સતિ અને જોગીઓની ભૂમિ.. વિશ્વ પ્રસિધ્ધ ગરવાગિરનારની તળેટીથી આઠ કોષ દૂર મહેન્દ્રપુર નામનું નગર જે હાલમાં મેંદરડા નામે પ્રખ્યાત છે. તે સમયે મેંદરડામાં જૈન કુટુંબોની સારી સંખ્યા હતી. 'બદાણી' કુટુંબના 'કમળશી ધારશીભાઈ બદાણી'' નામના જૈનગૃહસ્થ સામાન્ય વ્યાપારથી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા. તેમના ધર્મપત્ની 'હીરબાઇ' વાસ્તવમાં જ જવાહિર સમાન જયોતિર્મય હતા. જે સદગુણી, સુશીલ અને સત્સંગી આત્મા હતા. પ્રેમપૂર્વક ગૃહસ્થાશ્રમ ચલાવતા હતા.

કમળશીભાઈ એ પણ ભાગ્યના વિકાસ માટે અનૂકુળ ક્ષેત્ર પ્રાપ્ત કરવા માટે આશ્રય બદલવો પડ્યો. મેંદરડા થી પ્રસ્થાન કરી માંગરોળ બંદરે ઝવેરચંદભાઈ ભણશાળીના મકાનમાં આવીને વસ્યા. નવરત્નની જન્મભૂમિ માંગરોળ બંદર જ બનવા નિર્માણ થયેલ. એક રાત્રિએ આકાશમાં તારા ઝળકી રહેલ, મંદમંદ પવનની લહેરો લહેરાતી હતી. વાતાવરણ શાંત હતુ. હીરબાઈ નિદ્રાધીન બનેલ. પરોઢીયે માતા હીરબાઈ ને મહાસ્વપ્ન આવ્યું. હરિયાળો સુંદર મનોરમ્ય પર્વત દેખાયો અને એ પર્વતમાળામાં શુભ પગલા ભરતો હાથીને હંકાવનાર મહાકાય 'વનકેસરી'ને આનંદપૂર્વક ડોલતો ડોલતો પોતાના તરફ આવતો, અને મુખમાં પ્રવેશ કરતો જોયો. પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં નિદ્રામુકત બનીને પંચપરમેષ્ઠિનું ધ્યાન કર્યું. પતિને પ્રણામ કરીને દિવસ ધન્ય માન્યો. રાત્રિના સ્વપ્નની હકીકત પતિદેવને રજૂ કરી. કમળશીભાઈ વિધિના મર્મને સમજી ગયા. ને મનમાં માન્યુ કે મારા રાંકને ઘેર રત્નની પ્રાપ્તિ થશે. ખાણની ભૂમિ જેમ રત્નને ધારણ કરે તેમ માતા હીરબાઈ એ ગર્ભધારણ કર્યો. નવમાસ વ્યતીત થયા બાદ શુભદિને, શુભતિથીએ, શુભનક્ષત્ર અને ગ્રહોના યોગે તંદુરસ્ત રાજકુમાર સમ સ્વરૂપવાન પુત્રરત્નને વિક્રમ સંવત ૧૭૯ર ચૈત્ર સુદ પૂનમ માં જન્મ આપ્યો. સમગ્ર કુટુંબ તેમજ પાડોશીઓમાં આનંદનું વાતાવરણ સર્જાયું.

સૌથી મોટા પુત્રી વેલબાઈ પછી ચરિત્રનાયક શ્રી ડુંગરશીભાઈ પછી નાનો પુત્ર સંઘજી પછી પણ ત્રણ પુત્રી આમ માતા હીરબાઈએ છ સંતાનોને જન્મ આપ્યો જેમાંથી બે સંત થયા.

'જનેતા તે જ કહેવાય જનમ જે સંતને આપે'.... મોટા પુત્રી વેલબાઈ દીવબંદરે રતનશી શેઠ સાથે લગ્નગ્રંથી થી જોડાયા. તેને બે સંતાન થયા. પુત્ર હીરાચંદ અને પુત્રી માનકુંવર વિધીની વક્રતા માનવીના સુખના સ્વપ્ન કયારેય પૂર્ણ થવા દેતી નથી.. ભાવિના ગર્ભને માનવી જાણી શકતો નથી. માનવી હસતો રમતો હોય ત્યારે કુદરત તેને રોવડાવવાનો પ્રયત્ન કરે છે. અચાનક વેલબાઈ પર વજ્રઘાત થયો. પતિ જીવલેણ બિમારીમાં અવસાન પામ્યા. પુત્રી વેલબાઈને પણ મદદરૂપ થઈ શકાય તેવા ભાવથી કમળશીભાઈ એ દીવબંદર આવીને વસવાટ કર્યો.

પૂજય શ્રી ડુંગરશી સ્વામી જ્ઞાતિ એ દશાશ્રીમાળી વણિક બદાણી કુટુંબના મૂળ મેંદરડા પછી વેપાર અર્થે માંગરોળ પછી દીવ બંદરમાં રહેતા અને ત્યાં પૂજય રતનશી સ્વામીથી વૈરાગ્ય પામેલા.

શ્રાવકસંઘને ધર્મોપદેશ આપી આત્માને ભાવિત કરતાં, ગ્રામાનુગ્રામ ઉગ્ર વિહાર કરી જનસમાજને ધર્માભિમુખ બનાવતા, પૂજય રતનશી સ્વામી આદિ ચાર મુનિરાજો સેોરાષ્ટ્રની ધરતીને પાવન કરતા કરતા વિ.સં. ૧૮૧૪ નાં જયેષ્ઠ વદ ત્રીજના ઉન્નતપુરી પધાર્યા. જે હાલમાં 'ઉના'ના નામથી ઓળખાય છે. ઉનાનગરી પાવન બની. સંતો નાં આગમનથી ઉનાનગરીમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ સર્જાયુ. તેમની ઓજસ્વી વાણીથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતા. ત્યાંથી દીવબંદરથી ઉતર તરફના ભાગમાં ખાડીના કાંઠે વસેલા ઘોઘલા ગામમાં પધાર્યા છે. દીવના શ્રાવક-શ્રાવિકાઓને જયારે ખબર પડ્યા કે, પૂજય રતનશી સ્વામી આદિ ઠાણા ૪ ગ્રામનુગ્રામ વિહાર કરતાં ઘોઘલા પધાર્યા છે. ત્યારે ગામના થોડા આગેવાન શ્રાવક- શ્રાવિકાઓ સમૂહમાં શ્રી રતનશી સ્વામીનાં દર્શને ઘોઘલા આવ્યા. તેઓએ મુનિશ્રીને સવિધિ વંદન કરી ધર્મોપદેશ સાંભળવાની જિજ્ઞાસા બતાવી. પોતાની ઓજસ્વી વાણીમાં મુનિશ્રીએ જૈન ધર્મનું રહસ્ય સંક્ષેપમાં સમજાવ્યું. ધર્મશ્રવણ કરવાથી શ્રોતાઓમાં ઉત્સાહ અને આનંદની વૃધ્ધિ થઈ.

દીવના શ્રાવકોનાં પ્રતિનિધિઓએ પૂજયશ્રીને ચાતુર્માસ કરવાની વિનંતી કરી. ઘણી જગ્યાના આમંત્રણ હોવા છતાં-બીજે સ્થળે ચાતુર્માસ જવાની ભાવના હતી તે બદલાવીને દીવબંદર શ્રીસંઘની ધર્મ પ્રત્યેની અતિ શ્રધ્ધા, લાગણી અને અત્યાગ્રહને વશ થઈ દીવબંદરમાં ચાતુર્માસ માટેની આગ્રહભરી વિનંતીને કારણે વિ.સં. ૧૮૧૪નુું ચાતુર્માસ દીવબંદર પૂજય રતનશી સ્વામી એ માન્ય રાખ્યું. ઝ તે સમયે ઉના તથા તેની આસપાસના અનેક ગામોમાં જૈનધર્મના ઘણા અનુયાયીઓ હતા. આજે પણ ઉના આદિ ગામોમાં દશાશ્રીમાળી વણિકનાં સંખ્યાબંધ ઘરો છે. તેઓ બધા ચોથી પેઢી ઉપર જૈનધર્માનુયાયી હતા. ત્યારે આશરે સ્થાકવાસી જૈનનાં ૩૦૦ ઘર દીવબંદર માં હતા. એટલે તે નાધેર પ્રદેશનાં ગામોમાં પૂજય રતનશી સ્વામીને ચાતુર્માસ કરવા માટે અનેક સ્થાને વિનંતી થઈ હોય એ સ્વાભભાવિક છે. પહેલા નાં સમય માં સાધુ-સાધ્વીઓનાં ચાતુર્માસ અમુક માસ-તિથિએ નિશ્ચિત નહિ થતાં હોય એમ આ ઉપરથી જણાય છે. પૂજયશ્રીના દર્શન કરી શ્રીસંઘ નું પ્રતિનિધિ મંડળ દીવ આવ્યું અને પૂજયશ્રીનું ચાતુર્માસ અહીં થવાનું છે, તે શુભ સમાચાર દીવ ગામમાં ફેલાતા, દીવવાસીઓના ઉત્સાહનો પાર ન રહ્યો.

સૌએ પૂજયશ્રીને સવિધિ વંદન નમસ્કાર કરી સુખશાતા પૂછી અને પછી ઘણા જ ભકિત ભાવપૂર્વક પૂજયશ્રી તથા બીજા સંતોને નગરમાં પ્રવેશ કરાવ્યો. પૂજયશ્રી નગરમાં પધાર્યા. ધર્મસ્થાન નજીક આવતાં શય્યાતરની અનુજ્ઞા મેળવી તે ધર્મસ્થાનકમાં ઉતર્યા.

એક દિવસ ડુંગરશીભાઈ એ માતા-પિતા અને મોટીબેન સમક્ષ પોતાના અંતરનાં ભાવો રજૂ કર્યા કે પૌદગલિક સુખ નો સાચો આધાર પુણ્ય, અને આધ્યાત્મિક સુખ નો સાચો આધાર ધર્મ છે. વ્યકિત તો સ્વયં જ નિરાધાર છે , તો તે કેવી રીતે કોઈનો આધાર બની શકે , માટે તમોને સાચો આધાર તમારા ભાગ્યનો જ છે. મને જો આધારભૂત માનતા હો તો હું તમોને ધર્મ માર્ગના આધારરૂપ જરૂર બનાવી શકુ કે જેથી મારૂ તમારૂ બધાનું કલ્યાણ થઈ શકે અને અંતે ડુંગરશીભાઈ, માતા હીરબાઈ, બેન વેલબાઈ, ભાણેજ હીરાચંદભાઈ અને ભાણેજી (બેનની સુપુત્રી) માનકુંવરબાઈ આમ પાંચ આત્માઓ સંયમ લેવા તૈયાર થયા. ઉપર લખ્યા પાંચ આત્મા અને પૂજય ડુંગરશી સ્વામીના પરિવારના મેંદરડા નિવાસી રતનબાઈ, તેમનાં પુત્રી બાળબ્રહ્મચારિણી કડવીબાઈ તથા દીકરાની વહુ નાથીબાઈ એ ત્રણ એટલે કુલ ૮ પુણ્યાત્માઓ એ દીક્ષા અંગીકાર કરી. રતનબાઈ, કડવીબાઈ અને નાથીબાઈને સંયમના ભાવ થયાં બાદ ઘણા દિવસ સુધી તેમનાં પરિવારજનોએ એક ઓરડી (રૂમ) માં પુરી રાખેલાં અને પરીષહ આપેલા એક સમયે તેઓ મોકો મળવાથી ઓરડીમાંથી ભાગી બહાર નીકળી ગયાં અને માવાણી કુટુંબની સહાય મળી. ગીરમાં નેસડામાં ચારણને ત્યાં ત્રણ દિવસ રહ્યા પછી પરિવારે દીક્ષા ની આજ્ઞા આપી અને દીક્ષા લીધી.

કમળશીભાઈએ ઉત્સાહપૂર્વક દીક્ષાની આજ્ઞા આપી. શ્રીસંઘ સમક્ષ વિધિવત અનુજ્ઞા આપવામાં આવી અને વિ.સં. ૧૮૧પનાં કારતક વદ ૧૦(દશમ) નાં શુભ દિવસે શુભ સમયે દીક્ષા નક્કી કરવામાં આવી.

દીવબંદરથી થોડે દૂર મહાસતીજી ચાતુર્માસ બિરાજતા હતા. પૂજયશ્રીએ તેને સંદેશો પાઠવતા. તે પણ દીવબંદર પધાર્યા. વૃધ્ધ પરંપરા પ્રમાણે અનંત અનંત ઉપકારી આચાર્યદેવ પૂજય શ્રી ધર્મદાસજી સ્વામી નાં સુશિષ્ય પૂજય શ્રી મૂળચંદજી સ્વામી ના આજ્ઞાનુવર્તી બાલબ્રહ્મચારીણી પૂજય શ્રી આર્યા રાયકુંવરબાઈ તથા આર્યા શ્રી રૂપકુંવરબાઈ નાં પરિવારનાં આર્યા શ્રી રૂપબાઈ દીવબંદર પધારેલ.

વિ.સ.૧૮૧પ કાર્તિક કૃષ્ણા દશમીનાં મંગલકારી શુભદિને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનાં યોગે બપોર સમયે દીક્ષા અંગીકાર કરી. એક જ ઘરના પાંચ પાંચ આત્માઓ સંસારના સંબંધો, સાધનો, સંપતિનો ત્યાગ કરી રત્નગુરૂના શરણે આવ્યા અને રત્નત્રયના આરાધક બન્યા.

સંયમ ગ્રહણ કરવો તે સાધનાની પૂર્ણાહુતિ નથી પણ પ્રારંભ છે. પરિહાર્યનો ત્યાગ કર્યો અને અપરિહાર્ય ગુરૂચરણે સમર્પિત કર્યું. 'ગુરૂ બિન કૌન બતાવે વાટ' ગુરૂ આજ્ઞામાં જીવન જોડી દીધું. સાધના, સ્વાધ્યાય અને સમભાવનુ જીવંત સ્વરૂપ બની ગયા. વિનય, વિવેક અને વિરકિત તેના તાંતણે તાંતણે વણાઈ ગઈ. સ્મરણશકિત દિન-પ્રતિદિન સતેજ બનતી જતી હતી. આહાર અને નિદ્રા બંને સાધકદશા માં બાધક હોવાથી તેના પર કાબૂ મેળવવા તે સતત જાગ્રત અને સાવધાન રહેવા લાગ્યા.

ર૩ વર્ષની ઉંમરે શ્રમણ બની ધર્મશાસ્ત્ર, દર્શનશાસ્ત્રમાં પારંગત બન્યા. જયાં જયાં પૂજય શ્રી ડુંગરશી સ્વામી ની પધરામણી થાય ત્યાં મહોત્સવનું વાતાવરણ સર્જાતું હતું.

યુવાયોગી પૂજય શ્રી ડુંગરશી સ્વામીની મધુરવાણી પર એક એક આત્મસાધકો મધુકરની જેમ મુગ્ધ બનતાં હતા. પ્રતાપી તેજ લલાટયુકત મુખમુદ્રા નાં દર્શનમાત્રથી સંસારી આત્માના તાપ, સંતાપ, પરિતાપ, શમી જતા હતા. એક તરફ પૂજયશ્રીનો પ્રભાવ વધતો જતો હતો. બીજી તરફ પૂજય ગુરુભગવંત રતનશી સ્વામી એ દેહત્યાગ કર્યો, અને અમરતાની વાટ પકડી. ચારિત્રનાયક શ્રીને ગુરુ વિરહનો ખૂબ આઘાત લાગ્યો. પરંતુ ગુરુવિયોગને ભૂલવા જ્ઞાન અને તપમાં જીવનને વધારેે જોડ્યું.

ગ્રામાનુગ્રામ વિહાર કરતા સંયમ યાત્રાનું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે યોગ્ય વિશુધ્ધ પાલન કરતા ગોંડલ તરફ વિહાર કર્યો.ત્યારે ગોંડલની રાજગાદી પર ઠાકોર સાહેબ શ્રી ભા' કુંભાજી રાજયતંત્ર ચલાવતા હતા. ઠાકોર સાહેબ શ્રી કુંભાજી એ દેરડી (કુંભાજી) વસાવ્યું હતું.

ગોંડલમાં ત્યારે સ્થાનકવાસી જૈનસમાજ નાં ૧ર૦૦ ઘર હતા. ગોંડલનો જૈનસંઘ ધર્મારાધનામાં પ્રવિણ અને પ્રતિષ્ઠીત હતો. જૈનોનું રાજદરબારમાં ઘણું ઉચ્ચુ સ્થાન હતું. પૂજય ગુરુદેવ પણ ગોંડલના શ્રાવકસંઘની સાધુ પ્રત્યેની અપૂર્વભકિત, ધર્મારાધનાની ભાવના, જ્ઞાનક્રિયામાં રુચિ, પારસ્પરિક પ્રેમભાવ, સંઘનું સંગઠન, સંઘનો સ્નેહ, સદભાવ તથા વાત્સલ્યભાવ આદિ ગુણોથી સુપરિચિત હતા. ગોંડલમાં સાધુ-સાધ્વીનું સુંદર સંમેલન થયું. ગોંડલના આગેવાન શ્રાવકોની ધર્મભાવના જાગૃત થઈ અને શ્રીસંઘે પૂ. ગુરુદેવને વિનંતી કરી કે 'સમાજનો પ્રમાદ દૂર થાય તેમાં અમે પણ યથાશકય અવશ્ય મદદગાર થઈશું. અને આ કાર્ય માટે આપ ચતુર્વિધ સંઘના કેન્દ્રસ્થાનરૂપ આ (ગોમંડળ) ગોંડલ ને મુખ્ય સ્થાન આપો'. સંતો સાથે વિચાર વિનિમય કરી ગોંડલને ચતુર્વિધ સંઘના ધર્મકાર્યના કેન્દ્રસ્થાન તરીકે વિક્રમ સંવત ૧૮૪પ માં જાહેર કર્યું.

યુગપ્રધાન તરીકેનો વિરાટ પ્રભાવ અને વિશાળ શિષ્ય સમુદાયથી પૂજય ગુરૂદેવ શોભતા હતા. આશરે ર૧પ ગામો અને નગર ગોંડલ સાથે ધર્મકાર્યની યોજનામાં સંમિલિત થયા હતા.

ગોંડલગચ્છની સ્થાપના અને પૂજય ગુરૂદેવ ડુંગરસિંહ સ્વામીને યુગપ્રધાન આચાર્ય પદવી થી વિ.સં. ૧૮૪પ મહાસુદ પાંચમના ગોંડલ (સૌરાષ્ટ્ર) મુકામે વિભૂષિત કર્યા. સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગોહિલવાડ, હાલાર,ઝાલાવાડ, કચ્છ માં વિચરણ અને અનેક પ્રાંતોમાંથી અનેક આત્માઓને દીક્ષિત કર્યા. ગોંડલ સંપ્રદાયના આચાર્યદેવ પૂજય શ્રી ડુંગરસિંહજી સ્વામી લીંબડી સંપ્રદાયના આચાર્ય પૂજય શ્રી અજરામરજી સ્વામી કરતા દીક્ષા પર્યાયમાં ચાર વર્ષ મોટા હતા. રત્નાધિક હતા. બંને વચ્ચે ઘણો સુમેળ હતો.

લીંંબડી સંપ્રદાયના પૂજય કપૂરચંદજી સ્વામી નાં શિષ્ય પૂજય ગણેશજી સ્વામી ને આચાર્ય શ્રી ડુંગરસિંહ સ્વામીએ સૂત્રરીતથી શિષ્ય તરીકે સ્વીકારેલ. પૂજય ગણેશજી સ્વામી ખૂબ તપસ્વી સંત હતા. તે કષ્ટસાધ્ય અભિગ્રહ ખૂબ કરતા જેમકે હાથી સૂંઢમાં ગોળ લઈને પાત્રામાં મૂકે તો જ આહાર કરવો, ખોજા જ્ઞાતિનાં ભાઈ દાળિયાના ફોતરા વહોરાવે તો જ લેવા વગેરે અભિગ્રહો કરતા તે વિ.સં. ૧૮૬૪ માં કાળધર્મ પામ્યા.

પૂજય ડાહ્યાજીસ્વામી જે મૂળ કચ્છના વતની હતા તે પિતા પુત્રએ ચરિત્રનાયક પાસે દીક્ષા અંગીકાર કરેલ. તેમની સ્મરણશકિત પણ ઘણી તીવ્ર હતી. એક ગામમાં આચાર્ય શ્રી ડુંગરસિંહજી સ્વામી અને આચાર્ય શ્રી અજરામરજી સ્વામી બંને સંતોનું મિલન થયું. 'જ્ઞાની સે જ્ઞાની મિલે જ્ઞાન કી લૂંટાલૂંટ.'

ગોંડલ ગચ્છનાં આદ્ય પ્રવર્તિની, સમર્થ રત્નકુક્ષિણીમાતા પૂજય આર્યા હીરબાઈ એ ૪પ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી હતી. સંયમને વય કે વર્ષો સાથે નહીં, ભાવ સાથે સંબંધ છે. ઉંમર શરીરની ગણાય છે, આત્મા તો અનાદિનો છે. એક રાત્રિએ ગોંડલમાં પટેલ ડેલીનાં ઉપાશ્રયની ઓસરીમાં (વિપાણી વાડીની બાજુમાં જુનો ઉપાશ્રય છે ત્યાં) આત્મધ્યાન માં મગ્ન બનેલ અને એક શિયાળ દ્વારા ઉપસર્ગ આવ્યો, તે તીક્ષ્ણ દાંતો અને નખ વડે શરીરને વિદારવા લાગ્યુ. પણ 'પ્રતિજ્ઞાના મૂલ્ય તો પ્રાણથી જ ચૂકવાય' તે ઉકિતને પૂજય આર્યા હીરબાઈ એ સાર્થક કરી.

આચાર્ય પૂજય શ્રી ડુંગરશી સ્વામી ને સમાચાર પહોંચાડવામાં આવ્યા અને માતૃઋણમાંથી મુકત થવા પૂજય ડુંગરશી સ્વામી શીઘ્ર વિહાર કરીને ગોંડલ પધાર્યા.

હીરબાઈ મહાસતીજીનો સંથારો પ૮ દિવસ ચાલ્યો. તેનાં પુત્રી વેલબાઈ મહાસતીજી નો સંથારો ૬પ દિવસ ચાલ્યો. વેલબાઈનાં પુત્રી બાળબ્રહ્મચારીણી માનકુંવરબાઈ મહાસતીજી અંતે સાતપ્રહરનો સંથારો કરી દિવ્યલોક માં પધાર્યા.

વિ.સં. ૧૮૬૧ માં ગોંડલમાં સાધુ-સાધ્વીનું અને સંઘોનું મહાસંમેલન મળ્યુ, તેમાં વિશેષ આચાર વિશુધ્ધિ માટે વધુ ૧૩ નિયમો બનાવ્યા.

ફરી વિ.સં. ૧૮૭૧ માં ગોંડલમાં સાધુ-સાધ્વીનું અને સંઘોનું મહાસંમેલન મળ્યુ, તેમાં પણ આ જ ચર્ચા થઈ. અને અનેક સંઘોની આગ્રહભરી સ્થિરવાસ માટેની વિનંતી બાદ પૂર્વાપરની પરિસ્થિતિના વિચારવિનીમય બાદ કામદાર દામોદર દેવચંદ એ વિનંતી કરી કે આ અવસ્થામાં વિહાર કરવાનો પરિશ્રમ લેવાના બદલે ધર્મકાર્યની યોગ્ય વ્યવસ્થા કરવાની દ્રષ્ટિએ પૂજય ગુરુદેવ ગોંડલમાં સ્થિરવાસ કરે તે જ યોગ્ય છે. માંગરોળનાં શ્રાવક શ્રી રવજી નારણજી ગોસલિયા અને વેરાવળનાં સૌભાગ્યચંદ કરસનજી શાહ આદિ શ્રાવકગણ અને દરેક સંઘોએ આ વાતને અનુમોદન આપ્યું. અને પૂજય ગુરુદેવે વિક્રમ સંવત ૧૮૭૧ ચૈત્ર સુદ પૂનમથી ગોંડલ માં સ્થિરવાસ બિરાજયા.

પૂજય શ્રી ડુંગરશી સ્વામી ગોંડલમાં સ્થિરવાસ કર્યા પછી ચર્તુવિધ શ્રીસંઘમાં ઉભા થતાં રાગદ્વેષના કારણો જોઈ આચાર્યશ્રી સમાજની આ વિષમ પરિસ્થિતિ વિશે વિચારવા લાગ્યા. સહવાસ ને લીધે ઉભા થતા કલેશ-કંકાસ ના કારણો પણ સહવાસ છૂટતા જ સ્વતૅં નાબૂદ થશે.

આચાર્યશ્રીએ પરિસ્થિતિનો પૂર્વાપર વિચાર કરતા લાગ્યું કે જયાં પ્રતિદિન અસમાધિ વધતી જતી હોય, કષાયનું બીજારોપણ થતું હોય, કર્મબંધનના થર ચડતા હોય, જયાં ધાર્મિક ભાવનાનો લોપ થતો હોય અને ચર્તુવિધ શ્રીસંઘનું શ્રેય જોખમમાં મુકાતું હોય ત્યાં વધારે વખત રહેવું અશાંતિ અને અસમાધિરૂપ ગણાય. એટલા માટે આવા કારણોમાંથી દૂર થવું એ જ એકમાત્ર શાંતિનો તેમજ સમાધિનો ઉપાય છે.

આચાર્યશ્રીએ ગંભીરભાવે મુનિવરોને અન્યત્રવિહાર કરવાની તૈયારી કરવાનો આદેશ આપ્યો અને વિહારની વાત વિશે વિશેષ ઉહાપોહ ન થાય તેનો ખ્યાલ રાખવાની ચેતવણી આપી. સંતોએ વિહાર કરવા માટે ડોળી તૈયાર કરી અને બીજે દિવસે પ્રભાતે આચાર્યશ્રી ને ડોળીમાં બેસાડી સંતો પૂજયશ્રીને ડોળી દ્વારા લઈને અનુક્રમે ગોમટા પધાર્યા તે વખતે ગોમટામાં દશાશ્રીમાળી વણિક રવજીરામ વગેરે જૈનોનાં ઘરો સારા પ્રમાણમાં હતા.

બધી વાતનો ઉંડો વિચાર કરી એકત્રિત થયેલા ગોંડલનાં શ્રાવક સંઘે છેવટે નિર્ણય કર્યો કે આચાર્યશ્રી ને ગમે તે ભોગે ગોંડલમાં પાછા પધારવા અને સંઘ વતી આચાર્યશ્રીને વિનંતી કરવા જવા માટે સૌ શ્રાવકોએ મળીને શ્રી દામોદર દેવચંદ કામદાર, માવજી દેવકરણ, ગોડા સંઘજીભાઈ મંગળ તથા પીપળીયા વીરજીભાઈ ગોવર્ધન એ ચાર આગેવાન શ્રાવકો નીમ્યા, અને તેઓ પોરબંદર, વેરાવળ, માંગરોળ, જામનગર, જેતપુર, ઉના, દીવ વિસાવદર, ધારી, બગસરા, અમરેલી વગેરે સંઘોનાં શ્રાવક આગેવાનોની સાથે મળી શ્રાવક સમુદાય આચાર્યશ્રીની સેવામાં ગોમટા આવ્યો. ગોમટાના શ્રાવક શ્રી રવજીરામે આ શ્રાવકવૃંદનો અતિ સ્નેહભાવે ભાવભીનો સત્કાર કર્યો.

બહારગામનાં શ્રાવક સમુદાયે ગોંડલની ઘટના વિશે દિલગીરી જાહેર કરી અને આચાર્યશ્રીને જયાં સુખશાતા સમાધિ રહે ત્યાં પધારવા વિનંતી કરી. પરંંતુ ગોંડલનાં શ્રાવક સંઘે ગોમટામાં એકત્રિત થયેલ સર્વ સંઘોને નમ્રતાપૂર્વક વિનંતી કરી કે 'આચાર્યશ્રી પુનઃ ગોંડલમાં જ પધારે એ માટે આપ સૌ અમારી વિનંતીમાં સાથ પુરાવો આપ સૌ ઈચ્છતા હશો કે આચાર્યશ્રીની આપને ત્યાં પધરામણી થાય તો ધર્મકરણીનો લાભ મળે પરંતુ ગોંડલ રહેવાની - સ્થિરવાસ થવાની વાત પહેલા નક્કી થઈ ગઈ છે. હવે ગોંડલ સંઘની પ્રતિષ્ઠા આપ સૌએ સાચવવાની છે.'

ગોંડલ સંઘની આ વાત પર પૂર્વાપર પરિસ્થિતિનો વિશેષ વિચાર વિનિમય કરી સર્વે શ્રાવકો એકમતે એવા નિર્ણય પર આવ્યા કે આચાર્યશ્રી ફરી ગોંડલ પધારે એમાં જ ચર્તુવિધ શ્રી સંઘની તથા જૈનશાસનની શોભા છે. અને આચાર્યશ્રી ને સર્વ સંઘોના શ્રાવકોએ વિનંતી કરી કે 'આપ પુનઃ ગોંડલ પધારો એમાં જ શ્રીસંઘની તથા શાસનની શોભા છે અને આપને અસમાધિનું કોઈપણ કારણ ઉપસ્થિત ન થવા દેવાની અહીં આવેલ શ્રાવક સંઘ ખાત્રી આપે છે.'

આચાર્યશ્રીએ શ્રીસંઘને જણાવ્યું કે સંઘે મળીને સંઘ શ્રેય માટે કરેલો નિર્ણય મને માન્ય છે, પરંતુ તમારે પણ મારી એક વાત સ્વીકારવી પડશે. શ્રાવકોએ હાથ જોડી કહ્યું કે 'ગુરૂદેવ એ આપ શું બોલ્યા ? આપની કોઈ પણ આજ્ઞા અમને શિરસાવંદ્ય છે, મંજૂર છે.'

આચાર્યશ્રીએ ગંભીરતાપૂર્વક કહ્યું કે 'મારી એક જ વાત છે અને તે એ છે કે જે કારણે મારે ગોંડલ છોડવું પડેલ તે સબંધી કોઈપણ જાતની રાગદ્વેષભરી હિલચાલ ન થવી જોઈએ. પરંતુ બનેલી ઘટના ઉદારભાવે જતી કરી દેવી, બસ મારી આ એક જ શરત છે.' આચાર્યશ્રીના હ્રદયની આવી વિશાળતા તથા ઉદારતા જોઈ શ્રાવકસંઘને આચાર્યશ્રી પ્રત્યે વિશેષ પૂજયભાવ પ્રગટ્યો અને સૌ તેમની આજ્ઞાનું અક્ષરસઃ પાલન કરવા કબૂલ થયા. આચાર્યશ્રી શ્રાવક સંઘને સંઘધર્મનો મર્મ સમજાવી રહ્યા હતા, ત્યાં રથની ઘુઘરમાળ વાગતી સાંભળી સૌને આશ્ચર્ય થયું. શ્રાવકોએ બહાર આવી જોયું. તે રથમાંથી બહાર નીકળી ગોંડલનાં 'રાજમાતા કસીબા' સ્વયં ધર્મસ્થાનક તરફ આવી રહ્યા હતા. ધર્મસ્થાનકમાં આવી રાજમાતા કસીબાએ આચાર્યશ્રીના દર્શન કર્યા, અને ગોંડલ પુનઃ પધારવાની આગ્રહભરી અહોભાવયુકત વિનંતી કરી.

બીજે દિવસે આચાર્યશ્રીએ પોતાના સંત પરિવાર સાથે ડોળીથી ગોંડલ તરફ વિહાર કર્યો. ગોંડલનાં શ્રાવકો તથા અન્ય સંઘોના શ્રાવકો પણ ગોમટાથી આચાર્યશ્રી સાથે ચાલી ને ગોંડલ આવ્યા. આચાર્યશ્રી પુનૅં ગોંડલ પધારે છે તે શુભ સમાચાર પ્રસરતા ગોંડલનું આકાશ જાણે ફરી ચમકી ઉઠયું. ત્યારબાદ ગોંડલ નવાગઢમાં શ્રાવકોએ ધર્મધ્યાન કરવા માટે લીધેલ સ્થાનમાં આચાર્યશ્રી ડુંગરશી સ્વામી અંતિમ સમય સુધી બિરાજયા હતા.

પૂજય આચાર્યશ્રી ડુંગરશી સ્વામીની આજ્ઞામાં વિચરનાર સાધુ સાધ્વીજીઓ ઉતરોતર પૂજય ડુંગરશી સ્વામીનાં પરિવારમાં ગણાય છે અને શ્રાવક - શ્રાવિકાઓ ગોંડલ નવાગઢ મોટા સંઘ તરીકે ઓળખાય છે અને તે ચર્તુવિધ સંઘ ગોંડલ સંઘાડાના સંઘ 'ગોંડલ સંપ્રદાય' તરીકે પણ ગણાય છે. ગોંડલ નવાગઢ ધર્મસ્થાન શ્રાવકોએ પોતાને ધર્મક્રિયા કરવા માટે વિ.સં. ૧૮૭૩ માં બનાવ્યું. પછી તેનો વિ.સં. ૧૯૦૩-૧૯૦૪ માં જીર્ણોદ્ઘાર કર્યો હતો. ત્યાર બાદ વિ.સં. ૧૯૪પ માં પણ જીર્ણોદ્ઘાર થયો. પછી વિ.સં. ર૦૪૦માં શાંતિલાલ ધરમશી વિપાણી પ્રમુખ હતા ત્યારે નૂતનીકરણ થયું પછી વિ.સં. ર૦૭પ માં પ્રવિણચંદ્ર મણિલાલ કોઠારી પ્રમુખ સ્થાને હતા ત્યારે જીર્ણોદ્ઘાર થયો.

વિ.સં. ૧૮૭૩ માં ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘ એવું નામ અભિધેય કરવામાં આવ્યું. ગોંડલ નાની બજાર તરફનો ભાગ 'નવાગઢ' તરીકે પ્રખ્યાત છે.

વિ.સં. ૧૮૭૪ માં ચાતુર્માસમાં કચ્છ મુંદ્રાના શ્રાવક શ્રી દેવકરણ શામજી અને માંડવીના શ્રાવક શ્રી વાઘજી ભાણજીએ ગોંડલ નવાગઢ ધર્મસ્થાનકને એ સમય પ્રમાણે સારી દાનરાશિ અર્પણ કરેલ.

વિક્રમ સંવત ૧૮૭૭ માં પૂજય ગુરૂદેવે દરેક સંત સતીજીને સમાચાર મોકલ્યા કે ચાતુર્માસ બાદ વિહાર કરી ગોંડલ પધારશો. દરેક સંત-સતીજી ગોંડલ પધારવા ચાતુર્માસ બાદ રવાના થયા અને ફાગણસુદ-ર (બીજ) સુધીમાં અનેક સંત-સતીજી ત્યાં પધારી ગયા.

મહાન વ્યકિતની મહાનતા કેટલી ? ગુરુ હોવા છતાં લઘુતા આટલી. દરેક સંત-સંતીજીને પોતે ખમાવ્યા માફી માંગી કે વર્ષોના અનુશાસનમાં કોઈનું દિલ દુભાયુ હોય તો ખમાવું છું. અને ચર્તુવિધ સંઘની જવાબદારી મુનિશ્રી પૂજય ભીમજી સ્વામીને સોંપી ત્યારે તેમની ઉંમર માત્ર ૩પ વર્ષની હતી. અન્ય સંતો કરતા દીક્ષા પર્યાયમાં પણ લઘુ હતા. છતાં તેઓ સ્વભાવે સ્થિર, શાંત અને ગંભીર અને સદગુણોનાં ભંડાર , તેમજ કાર્યદક્ષતા અને પ્રતિભાવંત બુદ્ઘિના સ્વામી હતા, અને સર્વ સંત સતીજી પ્રત્યે સમાદર અને સદભાવના રાખતાં હતાં. પૂજય ભીમજી સ્વામી ગોંડલ ગચ્છના દ્વિતીય આચાર્ય પદ પર આરૂઢ થયા.

વિ.સં. ૧૮૭૭ ના ફાગણસુદ-૧૪ નાં ૮પ વર્ષની અવસ્થાએ પહોંચેલ આ વૃધ્ધ વીર આત્મ યોધ્ધાએ સર્વ માયા મમતા છોડી એક વીર પુરૂષની અદાથી મૃત્યુને આમંત્રણ આપ્યુ. શા સ્ત્રવિધિ અનુસાર અનશન વ્રત આદર્યું. જ્ઞાની પુરુષો મૃત્યુથી ગભરાઈ જતા નથી, પણ તેઓ તો મૃત્યુને પણ મહોત્સવ માને છે. કલ્પવૃક્ષની તો કલ્પનાજ કરી શકાય, પણ પંડિત મૃત્યુ તો પ્રત્યક્ષ કલ્પવૃક્ષ જ છે. પાંચ પાંચ વર્ષ જે આત્માએ નિદ્રાનો ત્યાગ કર્યો હોય તે આત્માની જાગૃત અવસ્થા તો વંદનીય છે માટે જ તો નિદ્રાવિજેતા કહેવાયા.

આમ ૬૦ દિવસ થયાં. અને વિ.સં. ૧૮૭૭ નાં વૈશાખ સુદ પૂનમ (પૂર્ણિમા)નું પ્રભાત પ્રગટયું. પણ શાસનનો તેજસ્વી સૂર્ય અસ્ત પામ્યો.

૩ર વર્ષ આચાર્ય પદ,અને ૬ર વર્ષ પ માસ અને ર૦ દિવસ જેટલો સુદીર્ઘકાલ સંયમની સાધનામાં અને ૮૫ વર્ષનું આયુષ્ય ભોગવીને , પાંચ વર્ષ નિદ્રાત્યાગી નિદ્રાવિજેતા બન્યા, અનેકવિધ સાધના દ્વારા સિધ્ધિઓ પ્રાપ્ત કરી પણ પ્રદર્શન ન કર્યું , આત્મકલ્યાણ સાથે સાથે પરકલ્યાણમાં જીવનપસાર કર્યું.

નોંધ : અતિ પ્રાચીન હસ્તલિખિત પૂર્વચાર્યો કૃત 'સિધ્ધ પાહુડિયા'' નામનો પ્રાચીન તાડપત્રીય ગ્રંથ છે. તેમાં એકાવતારી ર૪૦૦ સંતોના નામોની પૂર્ણ વિગત દર્શાવેલ છે. જેમાં યુગે યુગે થનાર મહાવિભૂતીઓના નામ, જન્મસ્થાન ગુરુનું નામ આદિ અનેક વિષયોનું વર્ણન કરેલ છે. જેમાં એકાવતારી ર૪૦૦ મહાપુરૂષોની નામવલીમાં નિદ્રાવિજેતા પૂજય પ્રાતઃ સ્મરણીય આચાર્યદેવ શ્રી ડુંગરશીજી સ્વામીનું શુભનામ પણ સુવર્ણાક્ષરે તે ગ્રંથમાં વર્ણવેલ છે. તે ગ્રંથ પૂજય કવિ શ્રી ખોડાજી સ્વામી તથા ષષ્ટમ આચાર્ય પૂજય શ્રી જસાજી સ્વામી એ લીંબડીનાં ગ્રંથ ભંડાર માં વાંચેલ તેમ તેઓએ પૂજય આંબાજી સ્વામીને જણાવેલ હતું. ('પુસ્તક : મહાવીર પછી ના મહાપુરુષો લેખક : પૂજય આંબાજી સ્વામી')

આ સિધ્ધ પાહુડિયા ગ્રંથ પૂજય શ્રી એકાવતારી થયા તેમ માનવા માટે પ્રમાણભૂત આધાર છે.

'પંડિત દુગ્ધનારાયણ શાસ્ત્રી'' એ ભકતામર સ્તોત્રનાં પ્રત્યેક શ્લોકના ચાર ચરણમાંથી ત્રણ ચરણને પરિવર્તિત કરી ચોથા ચરણને પાદપૂર્તિરૂપ રાખી 'શ્રી સદગુરુ સ્તોત્ર'ની અદ્બૂત રચના કરી. તેમાં પૂ. ડુંગરસિંહજી સ્વામીના ગુણ દર્શાવ્યા છે. ('અમુક અંશ સાભાર : મહાવીર પછીના મહાપુરુષો લેખક : પૂજય શ્રી આંબાજી સ્વામી)

  • ભગવાન મહાવીર સ્વામી પછી પાટ પરંપરા

પહેલી પાટે - પૂજય શ્રી સુધર્મ સ્વામી

બીજી પાટે - પૂજય શ્રી જંબુ સ્વામી

ત્રીજી પાટે - પૂજય શ્રી પ્રભવ સ્વામી

ચોથી પાટે - પૂજય શ્રી સ્વયંભવ સ્વામી

પાંચમી પાટે - પૂજય શ્રી યશોભદ્ર સ્વામી

છઠ્ઠી પાટે -પૂજય શ્રી સંભૂતિવિજય સ્વામી

સાતમી પાટે- પૂજય શ્રી ભદ્રબાહુ સ્વામી

આઠમી પાટે - પૂજય શ્રી સ્થુલીભદ્ર સ્વામી

નવમી પાટે -પૂજય શ્રી આર્ય મહાગીરી સ્વામી

દશમી પાટે - પૂજય શ્રી સુમતિબુદ્ઘ સ્વામી

અગિયારમી પાટે - પૂજય શ્રી શાંતિ આચાર્ય

બારમી પાટે - પૂજય શ્રી સઢીલ આચાર્ય

તેરમી પાટે - પૂજય શ્રી સુભદ્ર આચાર્ય

ચૌદમી પાટે - પૂજય શ્રી મંગુ આચાર્ય

પંદરમી પાટે - પૂજય શ્રી વાસાજી આચાર્ય

સોળમી પાટે -પૂજય શ્રી આર્ય રોહ સ્વામી

સત્ત્।રમી પાટે - પૂજય શ્રી ભદીલ સ્વામી

અઢારમી પાટે - પૂજય શ્રી નાગદત્ત્। સ્વામી

ઓગણીસમી પાટે- પૂજય શ્રી અહરગણ સ્વામી

વીસમી પાટે- પૂજય શ્રી નંદીષેણ આચાર્ય

એકવીસમી પાટે- પૂજય શ્રી નાગહસ્તિ સ્વામી

બાવીસમી પાટે- પૂજય શ્રી આર્ય નક્ષત્ર આચાર્ય

તેવીસમી પાટે - પૂજય શ્રી દિવગ આચાર્ય

ચોવીસમી પાટે- પૂજય શ્રી ખંદિલ આચાર્ય

પચીસમી પાટે - પૂજય શ્રી જેહીલ વિષ્ણૂ સ્વામી

છવીસમી પાટે - પૂજય શ્રી નાગાર્જુન આચાર્ય

સત્યાવીસમી પાટે -પૂજય શ્રી દેવર્ધી ક્ષમાશ્રમણ

અઠાવીસમી પાટે - પૂજય શ્રી આર્યરુષી આચાર્ય

આઙ્ખગણત્રીસમી પાટે - પૂજય શ્રી ધર્મરૂષી આચાર્ય

ત્રીસમી પાટે - પૂજય શ્રી શિવભૂતિ આચાર્ય

એકત્રીસમી પાટે -પૂજય શ્રી સંઘજી આચાર્ય

બત્રીસમી પાટે - પૂજય શ્રી આર્યભદ્ર આચાર્ય

તેત્રીસમી પાટે -પૂજય શ્રી વિષ્ણુચંદ્ર આચાર્ય

ચોત્રીસમી પાટે - પૂજય શ્રી ધર્મવર્ધન આચાર્ય

પાંત્રીસમી પાટે - પૂજય શ્રી શ્રીભર આચાર્ય

છત્રીસમી પાટે -પૂજય શ્રી સુદત્ત્। આચાર્ય

સાડત્રીસમી પાટે - પૂજય શ્રી સુસ્થિત આચાર્ય

આડત્રીસમી પાટે - પૂજય શ્રી વર્દત્ત્। આચાર્ય

ઓગણચાલીસમી પાટે -પૂજય શ્રી સુબુધ્ધિ આચાર્ય

ચાલીસમી પાટે - પૂજય શ્રી શિવદત્ત્। આચાર્ય

એકતાલીસમી પાટે - પૂજયશ્રી નિર્દંત્ત્। આચાર્ય

બેતાલીસમી પાટે - પૂજય શ્રી જયદત્ત્। આચાર્ય

તેતાલીસમી પાટે - પૂજય શ્રી જયદેવ આચાર્ય

ચુમાલીસમી પાટે - પૂજય શ્રી જયધોષ આચાર્ય

પીસતાલીસમી પાટે -પૂજય શ્રી શ્રીવર્કધર આચાર્ય

છેતાલીસમી પાટે - પૂજય શ્રી સંજતી સ્વામી

સુળતાલીસમી પાટે - પૂજય શ્રી શ્રીવંત આચાર્ય

અડતાલીસમી પાટે - પૂજય શ્રી સુમતિ આચાર્ય

ઓગણપચાસમી પાટે - પૂજય શ્રી લોકાશાહ નાં બોધથી પૂજય શ્રી વનાજી સ્વામી

પચાસમી પાટે - પૂજય શ્રી ભાણજી સ્વામી

એકાવનમી પાટે - પૂજય શ્રી ભિદાજી સ્વામી

બાવનમી પાટે - પૂજય શ્રી નુનાજી સ્વામી

ત્રેપનમી પાટે - પૂજય શ્રી ભીમાજી સ્વામી

ચોપનમી પાટે - પૂજય શ્રી જગમાલજી સ્વામી

પંચાવનમી પાટે - પૂજય શ્રી સરવોજી સ્વામી

છપ્પનમી પાટે - પૂજય શ્રી રૂપચંદજી સ્વામી

સતાવનમી પાટે - પૂજય શ્રી જીવાજી

અઠાવનમી પાટે - પૂજય શ્રી જગાજી

ઓગણસાઈઠમી પાટે-પૂજય શ્રી મોટાવરશીજી સ્વામી

સાઈઠમી પાટે - પૂજય શ્રી કુંવરજી સ્વામી

એકસઠમી પાટે - પૂજય શ્રી મલ્લજી સ્વામી

બાસઠમી પાટે - પૂજય શ્રી રતનશીજી સ્વામી

ત્રેસઠમી પાટે - પૂજય શ્રી કેશવજી સ્વામી

ચોસઠમી પાટે - પૂજય શ્રી તેજશીજી સ્વામી

પાંસઠમી પાટે - પૂજય શ્રી ધર્મદાસજી સ્વામી

છાસઠમી પાટે - પૂજય શ્રી મૂળચંદજી સ્વામી

સડસઠમી પાટે - પૂજય શ્રી પંચાણજી સ્વામી

અડસઠમી પાટે - પૂજય શ્રી રતનશીજી સ્વામી

ઓગણસિતેરમી પાટે - પૂજય શ્રી ડુંગરશીજી સ્વામી

સિતેરમી પાટે - પૂજય શ્રી ભીમજી સ્વામી

એકોતેરમી પાટે - પૂજય શ્રી નેણશી સ્વામી

બોતેરમી પાટે - પૂજય શ્રી જેસંગજી સ્વામી

તોતેરમી પાટે - પૂજય શ્રી દેવજી સ્વામી

ચીમોતેરમી પાટે - પૂજય શ્રી જસાજી સ્વામી

પંચોતેરમી પાટે -પૂજય શ્રી પુરૂષોત્ત્।મજી સ્વામી

ગાદીપતિ - પૂજય શ્રી ગિરિશચંદ્રજી સ્વામી

(3:14 pm IST)