Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

બુટલેગર દિપો ઉર્ફે દિપક માજોઠીની દારૂના ગુનામાં ચાર્જસીટ બાદની જામીન અરજી રદ

રાજકોટઃ તા.૨૫, સૌરાષ્ટ્રના કુખ્યાત બુટલેગર દિપક ઉર્ફે દિપો માજોઠી વલ્લભભાઈ મકવાણાની દારૂના ગુન્હામાં ચાર્જશીટ બાદની જામીન અરજી રદ.  કરવાનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે તા. ૧૪-૯-૨૦૨૦ નારોજ ગામ ખડવાવડી, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ ગામની સીમમાં સુરેશભાઈ લાધાભાઈ માલકીયાની વાડીએ પોલીસ દ્વારા રેડ કરી બનાવ સ્થળેથી આરોપી સુરેશભાઈ લાધાભાઈ માલકીયા તથા વિજયસિંહ સુરૂભા ઝાલા નામની વ્યકિતની ધરપકડ કરેલ હતી તથા વિદેશી દારૂની કુલ ૨૧૬૦ બોટલો જેની કિંમત રૂ.૯,૩૦,૩૦૦/- થાય છે તે સહિતનો મુદામાલ બનાવ સ્થળેથી કબજે કરેલ હતો અને સદરહુ ગુન્હાના કામે તપાસ દરમ્યાન આરોપી તથા સૌરાષ્ટ્રના કુખ્યાત બુટલેગર દિપક ઉર્ફે દિપો માજોઠીનું નામ ખુલતા પોલીસ દ્વારા તેની તા.૧૦-૩-૨૦ર૧ના રોજ આરોપી બીજા ગુન્હામાં કોટડા સાંગાણી પોલીસ હસ્તક રહેલ હોઈ ટ્રાન્સફર વોરંટ દ્વારા આરોપીનો કબજો ભાડલા પોલીસ દ્વારા મેળવવામાં આવેલ હતો અને ત્યારબાદ આરોપીએ ચાર્જશીટ પહેલા કરેલ જામીન અરજી રદ થયેલ.

 આ કામમાં પોલીસ અધિકારી દ્વારા તપાસ પૂર્ણ થયે આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં પુરતો પુરાવો હોઈ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવેલ હતુ. આ કામમાં આરોપીએ કરેલ જામીન અરજીની વિગતો તેમજ બનાવની વિગતો તેમજ આરોપી સામે ચાર્જશીટ થઈ ગયેલ હોઈ તથા અન્ય આરોપીને  ગુજરાત હાઈકોર્ટે જામીન પર મુકત કરેલ હોઈ પેરીટીના સિઘ્ધાંત મુજબ તેમજ આરોપી સાથે પ્રથમ દર્શનીય કેસ ન હોઈ કે આરોપીની બનાવ સ્થળે હાજરી ન હોઈ કે આરોપી પાસેથી કોઈ મુદામાલ કબજે થયેલ ન હોઈ આરોપીને જામીન પર મુકત કરવા અરજદારના એડવોકેટ દ્વારા રજુઆત કરેલ હતી.

 સરકાર તરફે સ્પે. પી.પી. કમલેશ ડોડીયા દ્વારા મુખ્યત્વે રજુઆત કરવામાં આવેલ હતી કે ચાર્જશીટ પહેલા આરોપીની જામીન અરજી રદ થયેલ છે. ગુન્હાના કામે રૂ.૯,૩૦,૩૦૦/- જેટલી રકમનો દારૂનો જથ્થો મળી આવેલ છે. અરજદાર સૌરાષ્ટ્રઝોનના મોટાગજાના પ્રોહી. બુટલેગર છે. તપાસ દરમ્યાન આરોપીનુ નામખુલેલ છે તથા હાલના આરોપી મુખ્ય આરોપી છે. આરોપી દ્વારા જ મુદામાલ મંગાવવામાં આવેલ છે. તેમજ આરોપી સામે સને ૨૦૦૭ થી ૨૦૨૧ સુધીમાં અરજદાર વિરૂધ્ધ રાજકોટ શહેર જિલ્લામાં ૨૦ જેટલા પ્રોહીબીશનના ગુન્હા નોંધાયેલ છે. આરોપી આ પ્રકારના ગુન્હા કરવાની ટેવવાળો રીઢો ગુન્હેગાર છે. ચાર્જશીટ દાખલ થવા માત્રથી સંજોગો બદલાતા નથી પરંતુ ચાર્જશીટ દાખલ થવા બાદ અરજદારને સાંકળતો વધુુ પુરાવો મળી આવેલ છે જેથી આરોપી જામીન પર મુકત થવા હકકદાર નથી.

 આમ આરોપી તરફે તથા સરકાર તરફે કરવામાં આવેલ દલીલો, કેસના સંજોગો, તેમજ રેકર્ડ ઉપર આવેલ પુરાવો તથા આરોપી સામે નોંધાયેલ ગુન્હાઓ વિગેરે ધ્યાને લઈ રાજકોટના   એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પી.એમ.ત્રિવેદી દ્વારા આરોપીની જામીન અરજી રદ કરવામાં આવેલ છે. આ કામે સરકાર તરફે સ્પે.પી.પી. કમલેશ ડોડીયા દ્વારા દલીલો કરવામાં આવેલ હતી. 

(3:12 pm IST)