Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મ.ન.પા.નું વિપક્ષી નેતા પદે કોંગ્રેસે વધુ એક વખત નારી શકિતને અર્પણ કર્યુ : ભાનુબેન સોરાણી ચાર્જ સંભાળશે

અગાઉ ગાયત્રી બા અશોકસિંહ વાઘેલા લડાયક વિપક્ષી નેતા હતા હવે સતત ત્રીજી ટર્મમાં ચૂંટાયેલા અનુભવી મહિલા ભાનુબેનની વિપક્ષી નેતા તરીકે નિમણુંક : એક-બે દિવસમાં ચાર્જ સંભાળી લોક પ્રશ્નો માટે ઝઝુમશે

રાજકોટ, તા., રપઃ કોંગ્રેસનાં ૪ કોર્પોરેટરો મ.ન.પા.ની વર્તમાન બોડીમાં ચુંટાયા છે ત્યારે શાસક પક્ષ ભાજપે વિપક્ષ નેતાને કાર્યાલય આપવા હકારાત્મક વલણ દાખવતા પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ રાજકોટ મ.ન.પા.નું વિપક્ષી નેતા પદ વધુ એક વખત નારી શકિતને આપવા નિર્ણય કરી અને વોર્ડ નં. ૧પ માંથી ચુંટાયેલા કોળી સમાજના ભાનુબેન પ્રવિણભાઇ સોરાણીની વિપક્ષી નેતાપદે વરણી કરતો પત્ર શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગરને મોકલતા શ્રી ડાંગરે આ બાબતની વિધિવત જાણ મેયર શ્રી તથા સેક્રેટરીશ્રીને કરી દીધી છે. આથી હવે એક-બે દિવસમાં જ નવ નિયુકત વિપક્ષી નેતાને મોટર કાર તથા વિપક્ષી કાર્યાલયની સોંપણી થયા બાદ ભાનુબેન સોરાણી વિપક્ષી નેતા પદનો ચાર્જ સંભાળશે.

નોંધનીય છે કે ભાનુબેન અગાઉ બે ટર્મ કોર્પોરેટર રહી ચુકયા છે અને આ તેઓની સતત ત્રીજી ટર્મ છે. તેઓના પતિ પ્રવિણભાઇ સોરાણી પણ અગાઉ કોર્પોરેટર રહી ચુકયા છે અને સંગઠન ક્ષેત્રે પણ જવાબદારીઓ નિભાવી છે અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

ભાનુબેન ધો.૭ સુધીનો અભ્યાસ ધરાવે છે અને મુળ રાજકોટના જ વતની છે. ત્યારે પાર્ટીએ  તેઓનો બહોળો અનુભવ અને પાર્ટી પ્રત્યેની નિષ્ઠા તેમજ કોળી સમાજનાં વિશ્વાસને વધુ દ્રઢ બનાવવા માટે ભાનુબેનને વિપક્ષી નેતા પદ આપ્યું છે. આ તકે ભાનુબેને જણાવેલ કે મારા પર પાર્ટીએ જે વિશ્વાસ મુકીને આ મહત્વની જવાબદારી સુપ્રત કરી છે. તેને નિષ્ઠાપુર્વક બજાવવાના મારા પુરા પ્રયાસો રહેશે. આ હોદો આપવા બદલ પ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડા, શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા જણાવેલ કે તેઓ લોકોના પ્રશ્નો માટે હંમેશા અવાજ ઉઠાવશે અને લોકોના નાના-મોટા પ્રશ્નો ઉકેલવા સતત પ્રયત્નશીલ રહેશે.

આમ હવે આગામી એક-બે દિવસમાં જ મ.ન.પા. વિપક્ષ કોંગ્રેસનું કાર્યાલય લોકો માટે ખુલ્લી જશે. આ તકે ભાનુબેન સોરાણીને મિત્રો-શુભેચ્છકો દ્વારા (મો.૯૮ર૪ર ૦૭૯૩૬) શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

નોંધનીય છે કે અગાઉ મ.ન.પા.ના વિપક્ષી નેતા પદે હાલના ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ જવાબદારી સંભાળી હતી અને પાણી, રસ્તા, સહીતના પ્રશ્નોએ સતત લડત આપી તેઓ લડાયક વિપક્ષી નેતા સાબીત થયેલ હવે ભાનુબેન બીજા મહીલા વિપક્ષી નેતા બન્યા છે. ત્યારે તેઓ પણ લોકોના પ્રશ્ને બુલંદ અવાજ ઉઠાવશે તેવી અપેક્ષા કોંગી કાર્યકરો અને કોર્પોરેટરો રાખી રહયા છે.

(3:09 pm IST)