Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન ૧૫ મોતઃ બપોર સુધીમાં ૩૦ કેસ નોંધાયા

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૭ પૈકી ૧ કોવીડ ડેથ થયાઃ શહેર-જીલ્લામાં ૪૮૫૧ બેડ ઉપલબ્ધઃ હાલ શહેરમાં ૧૧૩૨ દર્દીઓ સારવાર હેઠળ : શહેરમાં કુલ કેસનો આંક ૪૧,૨૦૧ થયોઃ આજ દિન સુધીમાં ૩૯,૮૬૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૬.૮૩% થયો

રાજકોટ તા. ૨૫: શહેર-જીલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૧૫ નાં મૃત્યુ થયા છે. શહેરમાં બપોર સુધીમા ૩૦ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨૪નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૫નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૧૫ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૭ પૈકી ૧ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૪૮૫૧  બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાના ૩૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૧,૨૦૧ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૩૯,૮૬૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૨૮૧૩ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૫૨  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૪૦ ટકા થયો  હતો. જયારે ૨૩૭ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૧૧,૨૩,૬૭૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૧,૨૦૧  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૯૬.૮૩ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૧૧૩૨  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:11 pm IST)