Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પેટ્રોલ-ડીઝલ સળગ્યા છે, પ્રજાનો જીવ બળે છે

મોદીજી, અચ્છે દિનનો એક વાર તો અહેસાસ કરાવોઃ ડો. દિનેશ ચોવટીયાનો વડાપ્રધાનને પત્ર : ભાજપના હિતોને બચાવવા ઓઇલ કંપનીઓએ ૧૯ દિ' માં ૫૦૦ કરોડનું નુકશાન વેઠયું: એકસાઇઝ ઘટાડાતી નથી

રાજકોટઃ તા.૨૫, પેટ્રોલ-ડીઝલના ભાવ ઓલ ટાઇમ હાઇ સુધી પહોંચ્યા છે તેમ છતા કેન્દ્ર સરકારના પેટનું પાણી હલતુ નથી તે અંગે આશ્ચર્ય વ્યકત કરી પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ડો. દિનેશ ચોવટીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને એક પત્ર લખ્યો છે અને પેટ્રોલીયમ પેદાશોના ભાવ ઘટાડવા માંગણી કરી છે. તેમણે લખ્યું  છે કે, લોકસભાની ચુંટણીને હવે એકાદ વર્ષ જ બાકી રહયું છે. ત્યારે વડાપ્રધાને દેશની જનતાને એકવાર તો અચ્છે દિનનો અહેસાસ કરાવવો જોઇએ

 ડો. ચોવટીયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના રાજકારણમાં સામાન્ય માણસોનો મરો થઇ રહયો છે અને તેમનું ઘરનું બજેટ વેર વિખેર થઇ ગયું છે. કહેવા ખાતર તો એમ કહેવાય છે કે આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવો કેન્દ્ર સરકારના નિયમનમાં નથી. હકીકત એ છે કે આજની તારીખે પણ કેન્દ્ર સરકારમાં સતામાં રહેલા પક્ષના રાજકીય હિતો સાચવવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ગમે તેવી તોડમરોડ કરી શકાય છેે.

  ગયા વર્ષના જુન માસથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં રોજે રોજ ફેરફાર કરવાની નિતિ અપનાવવામાં આવી છે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ અને તે આધારે નકકી થતા ઇન્ડિયન ક્રુડ બાસ્કેટ સહિતના પરીબળોના આધારે ઓઇલ કંપનીઓ રોજેરોજ ભાવોમાં ફેરફાર કરે છે પરંતુ ગઇ તા.૨૪ એપ્રિલથી ભાવોમાં આ ફેરફાર અટકાવી દેવામાં આવ્યો હતો. કર્ણાટક વિધાનસભા માટે તા.૧૨મીએ મતદાન પુરૂ થયું કે તરત જ તા.૧૪મીની વહેલી સવારથી એટલે કે ૧૯ દિવસના વિરામ બાદ ભાવોમાં ફરી વધારો  ઝીંકી દેવામાં આવ્યો છે અને  અત્યારે ભાવ ઓલ ટાઇમ હાઇ છે.

 તેમણે એવો આક્ષેપ કર્યો  છે કે, સરકારી ઓઇલ કંપનીઓ ભલે દાવા કરે પરંતુ દેખીતી રીતે જ તેમને સરકારમાંથી ભાવમાં ફેરફાર અટકાવી દેવાની સુચના હતી. તેમાં પણ આ સમયગાળામાં ક્રુડના ભાવો પણ વધ્યા છે અને સાથે સાથે રૂપિયો પણ ડોલર સામે નબળો પડયો છે એટલે કે આ સમયગાળામાં રોજેરોજ ભાવો વધવાના હતા એ નકકી જ હતુ તેના કારણે કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં ભાજપના હિતોને નુકશાન થઇ શકે તેમ હતું

 ભાજપના હિતો સાચવવા માટે ઓઇલ કંપનીઓએ ૧૯ દિવસમાં ૫૦૦ કરોડનું નુકશાન વેઠયું છે આ નુકશાનની ભરપાઇ શરૂ થઇ ગઇ છે હવે બીજી ચીજોના પણ ભાવ વધતા મોંધવારી ભડકી શકે છે આ પરિસ્થિતિ ટાળવા માટે સરકાર ધારે તો પેટ્રોલ અને ડીઝલ પર એકસાઇઝ ઘટાડી શકે તેમ છે પરંતુ હવે લોકસભાની ચુંટણીના વર્ષમાં મોદી સરકાર  અબજોના અબજો રૂપિયા પ્રચારાત્મક પ્રોજેકટ પાછળ ખર્ચવા માગતી હોવાથી રાજકોષીય ખાધને કાબુમાં રાખવા  અને સરકાર પાસે ભંડોળ હાથવગુ રાખવા માટે એકસાઇઝ ડયુટીમાં રાહત આપતી નથી.

 ડો. ચોવટીયાએ પત્રના અંતમાં જણાવ્યું છે કે, લાંબા સમયથી એવી માંગણી થઇ રહી છે કે પેટ્રોલ અને ડીઝલ જી.એસ.ટી હેઠળ સમાવી લેવામાં આવે, પરંતુ તેના કારણે રાજય સરકારોએ વેટની સીધી અને તગડી આવક ગુમાવવી પડે તેમ હોવાથી મોટાભાગની રાજય સરકારો તે માટે સંમત નથી. પેટ્રોલ  અને ડીઝલના ભાવવધારાનાં અર્થકારણ અને રાજકારણમાં છેવટે સામાન્ય માણસ જ પીસાઇ રહયો છે.

(4:23 pm IST)