Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

૧લી જૂનથી રાજકોટ કલેકટર કચેરી સહિત તમામ સ્થળે વરસાદ અંગે ખાસ કન્ટ્રોલરૂમ

કલેકટર દ્વારા તમામ મામલતદાર, ડે. કલેકટર સહિત ૬૦ ખાતાના અધિકારીઓ સાથે ડિઝાસ્ટર અંગે ખાસ મીટીંગ યોજાઈ

રાજકોટ, તા.૨૫ : આગામી મોન્સુન સીઝન સંદર્ભે રાજકોટ કલેકટર શ્રી રાહુલ ગુપ્તાએ આજે ૬૦ જેટલી કચેરીના વડાઓની ડિઝાસ્ટર અંગે અને પ્રિ-મોન્સૂન એકટીવીટી તથા જરૂરી તમામ પગલા અંગે મહત્વની મીટીંગ યોજી હતી અને દરેકનો રીપોર્ટ જાણ્યો હતો.

આ મીટીંગમાં તમામ મામલતદાર, ડેપ્યુટી કલેકટરો, એડીશ્નલ કલેકટર ઉપરાંત પીજીવીસીએલ, મ્યુનિ. કોર્પોરેશન, પીડબલ્યુડી, સિંચાઈ ખાતુ સહિતના તમામ ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યા હતા.

મીટીંગમાં કલેકટર દ્વારા આપદા મિત્રોનો સંપર્ક રાખવા, ફોન નંબર, નદી - નાળા ચેક કરવા, ચેકડેમો, તમામ ડેમો, ક્ષતિગ્રસ્ત જૂના - નવા મકાનો ચેક કરવા તથા ગયા વર્ષે જસદણ, ધોરાજી ક્ષેત્રમાં પૂરની સ્થિતિ ઉદ્દભવી હતી ત્યાં ખાસ તકેદારી રાખવા આદેશો કર્યા હતા.

મીટીંગમાં ડિઝાસ્ટરના અધિકારી શ્રી પ્રિયંકસિંઘ દ્વારા તમામ માહિતી અને સાધનો ઉપલબ્ધ હોવાનું પણ ઉમેર્યુ હતું.

દરમિયાન આગામી ૧લી જૂનથી ફલડ કન્ટ્રોલરૂમ, ડેમના કન્ટ્રોલ રૂમ તથા કલેકટર કચેરી અને દરેક મામલતદાર કચેરીમાં વરસાદ સંદર્ભે ખાસ કન્ટ્રોલરૂમ શરૂ કરી દેવા કલેકટરે આદેશો કર્યા હતા.

(4:10 pm IST)