Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કુવાડવા રોડની ચામુંડા સોસાયટીમાં પતિ સાથે ઝઘડો થતાં કોળી મહિલાનો આપઘાત

ગત રાતે ચંપાબેનના ભાભીએ દિકરાને જન્મ આપતાં પોતે હોસ્પિટલે ગયા'તાઃ ત્યાંથી રાતે મોડા ઘરે આવતાં પતિ સાથે ચડભડથઇ હતીઃ આજે પતિ કામે ગયા બાદ પગલું ભર્યુઃ બે પુત્રો મા વિહોણા

રાજકોટ તા. ૨૫: કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાછળ આવેલી ચામુંડા સોસાયટીમાં રહેતી ચંપાબેન મુકેશભાઇ ચોૈહાણ (ઉ.૩૨) નામની કોળી મહિલાએ પતિ સાથે ઝઘડો થતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં બે સંતાન મા વિહોણા થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

 

ચંપાબેને બપોરે ઘરમાં છતના હુકમાં સાડી બાંધીને ફાંસો ખાઇ લેતાં ૧૦૮ને જાણ કરાઇ હતી. પણ તેના ઇએમટીએ તેને મૃત જાહેર કરતાં બી-ડિવીઝનના એએસઆઇ કયાબેન આર. ચોટલીયા અને રાઇટર જનકભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર ચંપાબેનના ભાઇ અશ્વિનભાઇને ત્યાં ગત રાત્રે દિકરાનો જન્મ થયો હતો. આથી ચંપાબેન ભાભીની દેખરેખ માટે હોસ્પિટલે ગયા હતાં. રાત્રે ત્યાંથી પતિને ફોન કરી બંને દિકરા અને પોતે જમ્યા કે નહિ? તેવી પૃચ્છા કરવી હતી. પરંતુ પતિએ ફોન ઉપાડ્યો નહોતો. બાદમાં તેણી હોસ્પિટલેથી મોડી રાતે ઘરે પહોંચતા પતિ સાથે ચડભડ થઇ હતી. એ કારણે તેણીને માઠુ લાગી ગયું હતું. આજે પતિ કામે ગયા બાદ તેણીએ આ પગલુ ભરી લીધુ હતું. આ બનાવથી બે માસુમ પુત્રો રોનક તથા ધાર્શિક મા વિહોણા થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. (૧૪.૧૧)

(3:50 pm IST)