Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનમાં ૧૧ દિવસ ચાલશે પ્રક્રીયા:રાજકોટમાં આર્મી ભરતી મેળો: ૩૩ હજાર યુવાનોની નોંધણી: વ્યવસ્થાપન માટે આર્મીના ૧૫ અધિકારી, ૨૦ જુનિયર અધિકારીઓ અને ૧૨૦ જેટલા જવાનો જોડાયા

ભાવનગરના ૯૬૦૦, ગિરસોમનાથના ૩૨૦૦, રાજકોટના ૩૨૦૦, જૂનાગઢના ૩૦૦૦, સુરેન્દ્રનગરના ૪૭૦૦, જામનગરના ૨૦૦૦, મોરબીના ૮૦૦, કચ્છના ૧૭૦૦ યુવાનોએ નોંધણી કરાવી:આર્મીમાં ભરતી કરાવી દેવાના નામે પૈસા પડાવતા ટાઉટ્સથી ચેતતા રહેવા જાહેર અપીલ

 

રાજકોટ:દેશની સુરક્ષા કરવા માટે થનગનતા યુવાનોને ભારતીય સેનામાં ભરતી કરવા માટે સેના ભરતી કાર્યાલય-જામનગર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભરતી મેળો યોજાઇ રહ્યો છે. આ ભરતી મેળો લગલગાટ ૧૧ દિવસ સુધી ચાલશે. આ ભરતી મેળામાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓ ૩૩ હજાર યુવાનોએ નોંધણી કરાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આર્મી ભરતી કાર્યાલય દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

  તૈયારીઓની માહિતી આપતા કર્નલ અભિષેક શ્રીવાસ્તવે જણાવ્યું કે, આ ભરતી મેળામાં ભાવનગરના ૯૬૦૦, ગિરસોમનાથના ૩૨૦૦, રાજકોટના ૩૨૦૦, જૂનાગઢના ૩૦૦૦, સુરેન્દ્રનગરના ૪૭૦૦, જામનગરના ૨૦૦૦, મોરબીના ૮૦૦, કચ્છના ૧૭૦૦ યુવાનોએ નોંધણી કરાવી છે. નોંધણી કરાવી હોય એ પૈકી ૩૦ હજાર યુવાનો ઉપસ્થિત રહે એવી ધારણા છે. ભરતી મેળાના વ્યવસ્થાપન માટે આર્મીના ૧૫ અધિકારી, ૨૦ જુનિયર અધિકારીઓ અને ૧૨૦ જેટલા જવાનો જોડાયા છે.

     ભરતીની કાર્યવાહી તા.૨૬-૪-૨૦૧૮ના રોજથી એટલે કે તા. ૨૫ની મધરાતે બાર વાગ્યાથી શરૂ થઇ જશે. જે ઉમેદવારો આવે, તેમને એક્ટિવિટી એરિયામાં એકત્ર કરવામાં આવશે. અહી ઉમેદવારનું તેમને અરજી કરી હોય તે ટ્રેડ પ્રમાણે માર્શલિંગ કરવામાં આવશે. એટલે કે, ૨૦૦ યુવાનોનું ગ્રુપ બનાવવામાં આવશે. આ ગ્રુપને દોડવાની કસોટી માટે મોકલવામાં આવશે. અહીં ઉમેદવારોએ ૧.૬ કિલોમિટર દોડ નિયત સમયમાં પૂરી કરવાની રહે છે. ૫.૩૦ મિનિટમાં દોડ પૂરી કરનારા યુવાનો અને ૫.૪૫ મિનિટ સુધીમાં દોડ પૂરી કરનારા યુવાનોનું અલગઅલગ ગ્રુપ બનાવવામાં આવે છે.

દોડવામાં નિષ્ફળ રહેનારા યુવાનોની હથેળીમાં લાલ રંગ કરી પરત મોકલી દેવામાં આવે છે.

   આર્મીના અધિકારીઓના અનુભવના આધારે એક રસપ્રદ તારણ એવું નીકળે છે કે ૯૦ ટકા ઉમેદવારો દોડવાની કસોટીમાં જ નિષ્ફળ રહે છે. એ પૂર્વે જ્યારે, માર્શલિંગ થાય ત્યારે શરીરની ઉંચાઇ ઓછી હોવાના કારણે પણ અનેક ઉમેદવાર ભરતી પ્રક્રીયામાંથી નીકળી જાય છે

  દોડવાની કસોટી બાદ ઉમેદવારને શારીરિક કસોટી માટે મોકલવામાં આવે છે. જ્યાં, ઉમેદવાર નિષ્ફળ રહેવાનું પ્રમાણ માત્ર ૧૦ ટકા જેટલું જ છે. એ પ્રક્રીયા બાદ તબીબી ચકાસણી કરવામાં આવે છે. જેમાં ૬૦થી ૬૫ ટકા યુવાનો સફળ રહે છે. રાજકોટની રેલીમાં તબીબી ચકાસણી માટે ૧૮ જેટલા તબીબોની ટીમ આવી છે. એક ઉમેદવારને ત્રણ તબીબો ચકાસે છે. જેમાં કશું શંકાસ્પદ લાગે તો ઉમેદવારને આર્મી હોસ્પિટલ જામનગર અથવા અમદાવાદ ખાતે મોકલવામાં આવે છે. ત્યાં સફળ થાય તો લેખિત પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ આપવામાં આવે છે.

   લેખિત પરીક્ષામાં જે તે ટ્રેડ માટે અલગ અલગ પ્રકારના પ્રશ્નપત્રો હોય છે. જેમાં પાસિંગ ધોરણ ૩૫ ટકા છે. લેખિત પરીક્ષા વખતે જગાઓ જાહેર કરવામાં આવે છે અને તે પ્રમાણે, મેરિટના આધારે ભરતી કરવામાં આવે છે. આર્મીની ભરતીમાં પ્રતીક્ષા યાદી રાખવામાં આવતી નથી.

   બીજી એક રસપ્રદ બાબત એ છે કે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને સુરેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લા (જૂના વિસ્તાર પ્રમાણે) ઉમેદવારો આર્મીમાં ભરતી થવા વિશેષ ઉત્સાહિત હોય છે. જ્યારે, રાજકોટ, જામનગરના યુવાનોમાં એટલો ઉત્સાહ જોવા મળતો નથી. એનસીસીના બી અને સી સર્ટીફિકેટ ધરાવતા યુવાનો ઉત્સાહિત હોય છે. ૧૫ થી યુવાનો પ્રત્યેક ભરતીમાં ઉત્તીર્ણ થતા હોય છે. આ પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવામાંથી મુક્તિ મળે છે.

   કર્નલ શ્રીવાસ્તવે જણાવ્યું કે, આર્મીની ભરતી સૂપર્ણ પારદર્શક છે. ભરતી પ્રક્રીયાના વિવિધ તબક્કે કોમ્પુટરાઇઝ્ડ વ્યવસ્થા ગોઠવાઇ છે. જેમાં વિવિધ માપદંડો ગોઠવાયેલા હોય છે. તેથી ગેરરીતિને કોઇ અવકાશ રહેતો નથી. આર્મીમાં ભરતી કરાવી દેવાના નામે પૈસા પડાવતા ટાઉટ્સથી ચેતતા રહેવા તેમણે અપીલ કરી છે.

(10:06 pm IST)