Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

બગીચાઓમાં બેસી આવારાગર્દી કરનારા પોલીસની ઝપટે ચડ્યાઃ ઉઠબેસ કરાવી કાયદાનું ભાન કરાવાયું

ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમે ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસને સાથે રાખી શ્રધ્ધા પાર્ક, દિપ્તીનગર, રામ પાર્ક, સોરઠીયા વાડીના બગીચાઓમાં ઓચિંતી કામગીરી કરીઃ વાહનોનું ચેકીંગ પણ કરાયું : મહિલા પોલીસે અન્ય મહિલાઓ સાથે વોકીંગ કરતાં અમુક 'રોમિયો' ઓળખાઇ ગયા

રાજકોટઃ વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને શહેરના બાગ બગીચાઓમાં સંધ્યા ટાણે મોટી સંખ્યામાં લોકો પરિવારજનો સાથે ઉમટી પડતાં હોય છે. કોલેજીયન યુવતિઓ અને બહેન દિકરીઓ પણ પણ મોટી સંખ્યામાં બગીચાઓમાં ટહેલવા કે વોકીંગ કરવા આવતી હોય છે. ત્યારે અમુક બગીચાઓમાં ખાસ રોમિયોગીરી કરવા માટે જ ઢગાઓ પહોંચી જતાં હોય છે. ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્તારો શ્રધ્ધા પાર્ક, દિપ્તીનગર, રામ પાર્ક અને સોરઠીયા વાડી બગીચાઓમાં કેટલાક દિવસોથી આ રીતે આવારાગર્દી થતી હોવાની ફરિયાદો ઉઠતાં ગત સાંજે પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમ તથા મહિલા પોલીસનો સ્ટાફ ખાનગી ડ્રેસમાં બગીચાઓમાં પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. વોકીંગ કરતી યુવતિઓ, મહિલાઓને ખબર ન પડે એ રીતે એની આજુ બાજુમાં મહિલા પોલીસ કર્મચારીઓએ પણ વોકીંગ કર્યુ હતું. એ સાથે જ અમુક રોમીયાઓ ઝપટે ચડી ગયા હતાં. આવા શખ્સોને બગીચામાં જ ઉઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવાયું હતું. તેમજ મહિલાઓને આવા કોઇ પણ તત્વો હવે પછી જોવા મળે તો તુર્ત જ મહિલા પીએસઆઇને ફોન કરવા જણાવી તેમના ફોન નંબર પણ અપાયા હતાં. બગીચા બહાર પણ આવા અમુક તત્વો દેખાતાં તેને પણ સરાજાહેર કાયદાનું ભાન કરાવાયું હતું. તો બગીચાઓ બહાર ગાડીઓમાં બેઠેલા શખ્સોની ગાડીઓની તલાશી લેવાની કાર્યવાહી પણ થઇ હતી. ભકિતનગર પોલીસે આગામી દિવસોમાં પણ ગમે ત્યારે કોઇપણ બગીચામાં ખાનગી ડ્રેસમાં પહોંચી જઇ ઓચિંતી તપાસ કરી રોમીયાઓ-આવારા તત્વોને ઝપડી લઇ કાર્યવાહી કરશે તેમ જાણવા મળ્યું છે. તસ્વીરોમાં પોલીસની 'કામગીરી' જોઇ શકાય છે.

(3:58 pm IST)