Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

બોર્ડ નિગમના ચેરમેનને મહિને રૂ. ૨૫૦૦૦ વેતન,બંગલો, ઓફિસ, વાહન, 'માં' યોજનાનો લાભ

સરકારે વેતન અને સવલતો અંગે પરિપત્ર બહાર પાડયો : રાજકોટના ચાર ચેરમેન આવી સુવિધા મેળવવા માટે હક્કદાર : ઈનોવા ગાડી, ઘરે લેન્ડ લાઈન ફોન અને મોબાઈલ ફોન માટે રૂ. ૧૫૦૦નો ટોક ટાઈમ, ૩૦૦૦ રૂ. સુધીનું વીજ બીલ અને સરકારી કામ માટે પ્રથમ વર્ગના અધિકારીની સમકક્ષ મુસાફરી ભથ્થુ મળવાપાત્ર

રાજકોટ, તા. ૨૫ :. રાજ્ય સરકારે નાણા વિભાગના સંયુકત સચિવ (જાહેર સાહસો) શ્રી ચંદ્રવદન મેકવાનની સહીથી તા. ૨૩ એપ્રિલ ૨૦૧૮ના દિવસે જાહેર સાહસો (બોર્ડ નિગમો)ના ચેરમેન અને વાઈસ ચેરમેનને મળતી સરકારી સુવિધા અંગે પરિપત્ર બહાર પાડયો છે. રાજકોટમાં રહેતા ૪ ચેરમેન ધનસુખ ભંડેરી, નરેન્દ્રભાઈ સોલંકી, બાબુભાઈ ઘોડાસરા અને હંસરાજભાઈ ગજેરા આવી સુવિધા મેળવવા માટે હક્કદાર છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે નાણા વિભાગના જુદા જુદા પરિપત્રો દ્વારા રાજ્ય સરકારના જુદા જુદા જાહેર સાહસોના બિનસરકારી અધ્યક્ષશ્રી તથા બિનસરકારી ઉપાધ્યક્ષશ્રીને મળવાપાત્ર વિવિધ સવલતો અંગે જુદા જુદા સમયે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. આ સૂચનાઓમાં રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુધારાઓ પણ બહાર પાડવામાં આવેલ છે. રાજ્યના જાહેર સાહસોના સંદર્ભમાં બિનસરકારી અધ્યક્ષ અને બિનસરકારી ઉપાધ્યક્ષશ્રીને મળવાપાત્ર વિવિધ સવલતો અંગે બહાર પાડવામાં આવેલ સૂચનાઓને ઘણો લાંબો સમય પસાર થયેલ હોવાના કારણે તેમજ કેટલાક કિસ્સાઓમાં કેવા પ્રકારની સવલતો મળવાપાત્ર થાય છે તે બાબતમાં અપુરતી સ્પષ્ટતાના કારણે તેમજ સંકલિત સૂચનાઓ ઉપલબ્ધ ન હોવાના કારણે મળવાપાત્ર સવલતો બાબતમાં કેટલાક કિસ્સાઓમાં દ્વિધા અને ગેરસમજના કારણે રાજ્ય સરકાર સમક્ષ જુદા જુદા જાહેર સાહસોના બિનસરકારી અધ્યક્ષ તેમજ બિનસરકારી ઉપાધ્યક્ષ દ્વારા તેઓશ્રીને મળવાપાત્ર સવલતો બાબતમાં અવારનવાર રજૂઆતો થયા કરે છે. ઉપરોકત તમામ બાબતો લક્ષમાં લઈને રાજ્ય સરકારે કાળજીપૂર્વકની વિચારણાને અંતે રાજ્યના જાહેર સાહસોના બિનસરકારી અધ્યક્ષ અને બિનસરકારી ઉપાધ્યક્ષને મળવાપાત્ર સવલતો બાબતમાં એક સૂત્રતા જળવાય તે હેતુસર નવેસરથી પરિપત્ર બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. અધ્યક્ષને મહિને રૂ. ૨૫ હજાર અને ઉપાધ્યક્ષને રૂ. ૧૫ હજાર માનદ વેતન મળવાપાત્ર છે.

જાહેર સાહસો પાસે ફાળવવા પાત્ર રહેઠાણ હોય તો અધ્યક્ષને તે રહેઠાણ ફાળવવામાં આવશે. જો જાહેર સાહસો પાસે ફાળવવા પાત્ર રહેઠાણ ઉપલબ્ધ ના હોય તો અધ્યક્ષને 'ગ' કેટેગરીનું સરકારી આવાસ મળવાપાત્ર થશે. ફાળવવામાં આવેલ સરકારી આવાસમાં બીનસરકારી અધ્યક્ષને વીજ બીલનો ખર્ચ પ્રતિ માહ રૂ. ૩૦૦૦ની મર્યાદામાં અથવા વીજબીલની રકમ બે માંથી જે ઓછું હોય તે સંબંધિત જાહેર સાહસો દ્વારા રીએમ્બર્સમેન્ટ કરી આપવામાં આવશે. તે ઉપરાંતનો વીજ વપરાશનો ખર્ચ અંગત રીતે ભોગવવાનો રહેશે.

નીચે જણાવેલ સવલતો બિનસરકારી અધ્યક્ષશ્રી અને બિનસરકારી ઉપાધ્યક્ષને મળવાપાત્ર થશે. અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષને કચેરી કામગીરીને અનુરૂપ ચેમ્બર તેમજ જરૂરી ફર્નિચર મળવાપાત્ર થશે. નિવાસ સ્થાને લેન્ડ લાઈન ફોન મળવાપાત્ર થશે. ઉપરાંત મોબાઈલ ફોનના ટોકટાઈમ પેટે પ્રતિ માહ રૂ. ૧૫૦૦ની મર્યાદામાં રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા. ૨૭-૩-૨૦૧૮ના સુધારા ઠરાવ મુજબ 'મુખ્યમંત્રી અમૃતમ 'મા' અને 'મા વાત્સલ્ય યોજના'નો લાભ મળવાપાત્ર થશે. આ અંગેનો જરૂરી ઠરાવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે. ઈનોવા વાહનનું ન્યુનત્તમ મોડેલ મળવાપાત્ર થશે. પ્રતિ માહ મહત્તમ ૩૦૦૦ કિ.મી.ની મર્યાદામાં વાહનનો ઉપયોગ કરી શકાશે. વાહન વપરાશ બદલ ૩૦૦૦ કિ.મી.ની  મહત્તમ મર્યાદા સુધીનો ખર્ચ જાહેર સાહસો દ્વારા ભોગવવામાં આવશે.

બોર્ડના કામ માટે કરવાની થતી મુસાફરી માટે પ્રથમ વર્ગના સરકારી અધિકારીને મળવાપાત્ર મુસાફરી ભથ્થાના દરે પ્રવર્તમાન નિયમોનુસાર મુસાફરી ભથ્થુ મળવાપાત્ર રહેશે, તેમજ પ્રથમ વર્ગના અધિકારીને મળવાપાત્ર દરે રેલ્વે તેમજ વિમાન દ્વારા મુસાફરી કરવા માટે હક્કદાર રહેશે.

(3:55 pm IST)