Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

ગયા મહિને હાઇકોર્ટ દ્વારા જામીન અરજી રદ થયા બાદ સુપ્રિમ કોર્ટએ પણ બલી ડાંગરની જામીન અરજી ફગાવી

કમલેશ રામાણીની માલિયાસણની જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કરવાના ગુનામાં બલી હાલ ગોંડલ જેલમાં

રાજકોટ તા. ૨૫: તાલુકાના માલિયાસણ ગામમાં આવેલી જમીનના બોગસ દસ્તાવેજો બનાવી બારોબાર જમીન વેંચી દેવાના કોૈભાંડમાં બલદેવ ઉર્ફ બલી વિરભાનુ ડાંગર સામે નોંધાયેલા ગુનામાં બલી ડાંગર હાલ ગોંડલ જેલમાં છે. આ ગુનામાં જામીન પર છુટવા માર્ચ મહિનામાં અરજી કરાઇ હતી. હાઇકોર્ટએ આ જામીન અરજી રદ કર્યા બાદ જામીન પર છુટવા બલી ડાંગરે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટએ પણ ફરિયાદી કમલેશ રામાણીના એડવોકેટ દ્વારા થયેલી દલીલો અને બલી ડાંગર તથા તેના સાગ્રીતોએ આચરેલા ગુનાની વિગતો સુપ્રિમ કોર્ટમાં લેખિતમાં જણાવતાં સુપ્રિમ કોર્ટએ પણ જામીન અરજી ફગાવી દીધી છે.

વર્ષ ૨૦૧૪માં બલી ડાંગરે માલિયાસણની કિંમતી જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કર્યા હતાં. આ મામલે ક્રાઇમ બ્રાંચે બલી ડાંગર સહિતના શખ્સો સામે બોગસ દસ્તાવેજો ઉભા કરવા, ખંડણી માંગવી એ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બલી આ ગુનામાં ગોંડલ જેલમાં છે. તેણે જામીન પર છુટવા માટે ગયા મહિને હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તે રદ થતાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી સામે ફરિયાદ પક્ષના વકિલ આશિષ ડગલીએ બલી અને તેની ટોળકીના ગુનાઓની લેખિત વિગતો સુપ્રિમ કોર્ટમાં રજૂ કરી હતી. તેમજ થોડા દિવસો પહેલા બલીના સાગ્રીત જયપાલસિંહ જાડેજાએ કમલેશ રામાણીની ઓફિસ પાસે પોતાની કાર કલાકો સુધી ઉભી રાખી રેકી કર્યાની અરજીને પગલે માલવીયાનગર પોલીસે જયપાલસિંહ જાડેજા  સામે અટકાયતી પગલા લીધા હતાં. આ અંગે પણ કમલેશ રામાણીના વકિલે સુપ્રિમ કોર્ટમાં જાણ કરી હતી.

આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી બલી ડાંગરની જામીન અરજી સુપ્રિમ કોર્ટએ પણ ફગાવી દીધાનું જાણવા મળ્યું છે. (૧૪.૭)

(12:00 pm IST)