Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

૨૬ લાખની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલવા જુદી-જુદી દિશાઓમાં દોડતી પોલીસની ટીમો

લૂંટાયેલી મત્તા સાથેનો મોબાઇલ ગોંડલ પાસે બંધ થયો'તોઃ ગોંડલ-જુનાગઢ સુધી તપાસઃ કોલ ડિટેઇલ્સ પણ કઢાવાઇઃ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એ-ડિવીઝન પોલીસની સતત મથામણ

રાજકોટ તા. ૨૫: મંગળવારે રાત્રે દસેક વાગ્યે શાસ્ત્રી મેદાનના લીમડા ચોક તરફના ગેઇટ અંદર સોરઠીયા વાડી ચોકની અક્ષર આંગડિયા પેઢીના કર્મચારી મુળ પાટણના અને હાલ સુરત મહિધરપુરા  જયકર બિલ્ડીંગમાં રહેતાં  બાબુજી ઘેમલજી વાઘેલા (ઠાકુર) (ઉ.૪૯)ને ગરદન પાછળ પાઇપ કે બીજુ કોઇ હથીયાર ફટકારી પછાડી દઇ તેની પાસેથી  રોકડ, ડાયમંડ, સોનાના દાગીનાના ૩૫ પાર્સલ ભરેલો થેલો લૂંટી બે લૂંટારા છનનન થઇ ગયા હતાં. આ થેલામાં કુલ રૂ. ૨૫,૯૩,૯૦૦ની મત્તા હતી. લૂંટનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નરની રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને એ-ડિવીઝનની ટીમો જુદી-જુદી દિશાઓમાં દોડધામ કરી રહી છે. જે થેલો લૂંટાયો તેમાં રોકડ-સોનુ-હીરા સાથે કર્મચારી બાબુજીને કંપની તરફથી અપાયેલો મોબાઇલ ફોન પણ હતો. આ ફોન ગોંડલ પાસે બંધ થયો હોઇ લૂંટારા એ તરફ ગયાની શંકાએ જુદી-જુદી ટૂકડીઓ ત્યાં પહોંચી હતી. જુનાગઢ સુધી દોડધામ થઇ હતી. પણ ભેદ ઉકેલવામાં મદદરૂપ થાય તેવી કોઇ કડી સાંપડી નથી. પોલીસે પેઢીના કર્મચારી સહિતનાની અનેક કોલ ડિટેઇલ્સ કઢાવવા પણ તજવીજ કરી છે.

 બાબુજી વાઘેલા સુરત પહોંચાડવાના ૮૦ પાર્સલો લઇ રાજકોટની ઓફિસથી બીજા કર્મચારી  હરેશભાઇ પટેલના ડિસ્કવર બાઇક જીજે૩સીએમ-૪૮૫ લઇને લીમડા ચોકમાં આવ્યો હતો. અહિ હરેશભાઇ ટિકીટ લેવા ગયો ત્યારે પાછળથી બે લૂંટારા બાબુજી પર હુમલો કરી થેલો લૂંટી ગયા હતાં. બીજા ૪૫ જેટલા પાર્સલ બાબુજીએ પોતાની બંડીમાં છુપાવ્યા હોઇ તે બચી ગયા હતાં. તેમાં ત્રીસેક લાખના હીરા હતાં. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, ડીસીપી બલરામ મીના, એસીપી જયદિપસિંહ સરવૈયા, એસીપી બી. બી. રાઠોડની સીધી દેખરેખ હેઠળ પી.આઇ. વી. વી. ઓડેદરા, એચ. એમ. ગઢવી, પી.આઇ. એસ. એન. ગડુ અને ટીમો ભેદ ઉકેલવા સતત દોડધામ કરી રહી છે.

(11:58 am IST)