Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

રાજકોટની ૧૮ સરકારી કચેરીના ટોપ ટુ બોટમ હજારો કર્મચારીઓને વેકસીન આપવા કલેકટરની ઝુંબેશઃ તમામને થયેલા આદેશો

જીઇબીમાં તો વેકસીન આપવાનું શરૃઃ ૧લી એપ્રિલથી ૪પ થી ઉપરના તમામને વેકસીન અપાશે... : ઇરીગેશન-વીજતંત્ર-સમાજ કલ્યાણ-ભુસ્તરશાસ્ત્રી-RTO-ખેતીવાડી-આર એન્ડ બી-ફોરેસ્ટ-કોર્ટ-કૃષિ-ફોરેસ્ટ ખાતાને આવરી લેવાયા...

વિજ કંપનીના એમ.ડી. શ્વેતા તેવતિયાએ વેકસીન મુકાવી : આજે વિજ કંપનીની ઓફિસમાં મ.ન.પા.ના આરોગ્ય વિભાગે રસીકરણ કેમ્પ યોજયો તે વખતે કંપનીના એમ.ડી. શ્વેતા તેવતિયાએ વેકસીન મુકાવી તે વખતની તસ્વીરો. આ તકે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે સમગ્ર કેમ્પની વ્યવસ્થા સંભાળી હતી તે દર્શાય છે.

રાજકોટ તા. રપઃ સરકારની ગતરાત્રે તાકિદની સુચના આપતા કલેકટર શ્રી રેમ્યા મોહને આજથી સ્પે. ઝુંબેશ હાથ ધરી રાજકોટની વિવિધ ૧૮ સરકારી કચેરીના ટોપ ટુ બોટમ હજારો કર્મચારીઓ-આઉટ સોર્સીસ કર્મચારીઓને ફ્રન્ટ લાઇન કર્મચારી ગણી કોરોના વેકસીન આપવા અંગે શરૂ કર્યું છે, આ માટે આજે કલેકટરશ્રીએ તમામ ખાતાના વડાઓને બોલાવી રસી અંગે સૂચનાઓ-આદેશો કર્યા હતા, બપોરે ૧રાા વાગ્યાથી શરૂ થયેલ આ મીટીંગમાં કલેકટર ઉપરાંત, જીલ્લાના નોડલ ઓફીસર ડો. રાહુલ ગુપ્તા, એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા તથા અન્યો હાજર રહ્યા હતા.

કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું કે દરેક કચેરીને વેકસીન અંગે કહેવાશે, પરંતુ ફરજીયાત લેવી જ પડશે તેવું કહેવાનો અમારો કોઇ આશય નથી, તેમણે જણાવેલ કે સરકારી કચેરીની આ ઝુંબેશમાં હાલ રાજય સરકારની જ કચેરી આવરી લેવાઇ છે, જેમાં આરએનબી, વીજતંત્ર, ફોરેસ્ટ, કૃષિ, પશુપાલન, આરટીઓ, ઇરીગેશન, સમાજ કલ્યાણ, ભૂસ્તરશાસ્ત્રી, ટ્રેઝરી, ખેતીવાડી, કોર્પોરેશન સહિતની ૧૮ કચેરીઓ સામેલ છે.

અત્રે એ નોંધનીય છે કે વીજતંત્રમાં તો આજે સવારે ૧૧ વાગ્યાથી લક્ષ્મીનગર-રાજકોટ સર્કલ કચેરી ખાતે કોર્પોરેશન દ્વારા વેકસીન આપવાનું શરૂ થઇ ગયું છે, જીબીઆના બી.એમ. શાહ, ભટ્ટ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ વેકસીન લઇ રહ્યા છે. તેમજ ૧લી એપ્રિલથી ૪પ ઉપરના તમામ લોકોને વેકસીન આપવાનું શરૂ થઇ જશે, જીલ્લામાં ૩પ૦ કેન્દ્રો ઉપર વેકસીન અપાઇ રહી છે, જરૂર પડયે કેન્દ્રો વધારાશે, આ પહેલા પોલીસ, રેવન્યુ, પંચાયત-શિક્ષણ વિભાગને આવરી લેવાયા હતા.

(4:27 pm IST)