Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના સામે ફાઇટ આપવા બે ડઝન પ્રકારની કામગીરીઃ કલેકટર કચેરીમાં ખાસ સેલ ઉભો કરાયો

રાજકોટ, તા.૨૫: કોરોના વાયરસ સંદર્ભે સમગ્ર રાજયમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યો છે ત્યારે આ રોગને વધુ ફેલાતો અટકાવવા સાવચેતી અને સલામતી અન્વયે રાજકોટ કલેકટર કચેરી ખાતે કોરોના રોગના સંકલન માટે ખાસ નિમણુંક પામેલ ઉદ્યોગ કમિશ્નર ડો.રાહુલ ગુપ્તાની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે એ નોંધનીય છે કે કોરોના સામે લડત આપવા બે ડઝન પ્રકારની કામગીરી ચાલી રહી છે.

કોરોનાના કહેરમાં હાલ આરોગ્ય માટેના અગત્યના માસ્ક, સેનેટાઇઝર, પીપીઇ કીટ (પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ) વગેરેની મોટા પ્રમાણમાં જરૂરીયાતને પહોંચી વળવા માટે આવી વસ્તુઓનું સ્થાનિક કક્ષાએ ઉત્પાદન થઇ શકે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઇન્ડીયન મેડીકલ એસોસીએશન રાજકોટના પદાધિકારીઓ દ્વારા શહેર અને જિલ્લામાં ખાનગી હોસ્પિટલોના ડોકટરો તેમજ તેને સંલગ્ન સ્ટાફને ઓળખકાર્ડ આપવા બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ડો.રાહુલ ગુપ્તાએ રાજકોટ શહેર અને જિલ્લામાં ભવિષ્યમાં હોસ્પિટલોમાં બેડ વધારવાની શકયતા ઉભી થાય તેવા સંજોગોમાં કેટલા બેડની સુવિધા વધારી શકાય તેમ છે, તે અંગે પણ જાણકારી મેળવી હતી.

જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સંદર્ભે એક ખાસ સેલ શરૂ કરવામાં આવનાર છે, તેમ જણાવ્યું હતું. આજની બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા, આરોગ્ય વિભાગના વિભાગીય નિયામક ડો.રૂપાલીબેન મહેતા, મેડીકલ કોલેજના ડીન ડો.ગૌરવી ધ્રુવ, સીવીલ હોસ્પિટલનાં અધિક્ષક ડો.મનિષ મહેતા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરી, આઇ.એમ.એ.ના ડો. ચેતન લાલસેતા, ડો.મયેર ઠક્કર, ડો.તેજસ કરમટા, જયોતિ સીએનસીના શ્રી પરાક્રમસિંહ જાડેજા વગેરે સંબંધિત વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:52 am IST)